અન્ધ્ર : કૃષ્ણા અને ગોદાવરી નદીના અંતરાલ પ્રદેશમાં રહેતી પ્રાચીન પ્રજા. ઐતરેય બ્રાહ્મણમાં ‘પુંડ્ર’, ‘શબર’, ‘પુલિંદ’ અને ‘મૂતિબ’ પ્રજાઓની સાથે એનો ઉલ્લેખ છે. વિશ્વામિત્રે શુન:શેપને દત્તક લીધો તેનો એના 50 મોટેરા પુત્રોએ અસ્વીકાર કરેલો ત્યારે સમાજબહિષ્કૃત કરવામાં આવેલાંઓમાં આ ચાર જાતિઓનો સમાવેશ થયેલો. આ ઉપરથી એમ કહી શકાય કે આ પ્રજા વૈદિક સંસ્કારી પ્રજા(ચંદ્ર–સૂર્યવંશીય)થી અલગ પ્રકારની હતી, જે કૃષ્ણા અને ગોદાવરી નદીના અંતરાલ પ્રદેશમાં રહેતી હતી. આ જ લોકો પછીથી ‘આંધ્ર’ કહેવાયા. આજના ‘આંધ્ર’પ્રદેશ તેલંગ પ્રદેશમાં પછી એ પ્રજા વિકસી, ભાગવત(સ્કંધ 2)માં ભાગવત માર્ગે પવિત્ર કરેલી પ્રજાઓમાં કિરાત, હૂણ, આંધ્ર, પુલિંદ, પુલ્કસ, આભીર, કંક અને યવન (ગ્રીક) ગણાવી છે તેમાંના આ અન્ધ્રો છે. ભીના વાનવાળા આ લોકોમાંના કેટલાક છેક બ્રાહ્મણત્વ પામેલા. પારિભાષિક રીતે જે પ્રજાને ‘ઓસ્ત્રાલોઇડ’ કહેલ છે અને જે હિંદી મહાસાગરના ટાપુઓની મૂળ વતની હતી અને દક્ષિણ ભારતવર્ષમાં પણ હતી, તે અગસ્ત્યે સમુદ્રપાન કરતાં (કોઈ ધરતીકંપ કે એવા કારણે સમુદ્ર સુકાઈ જતાં) આવજાનો માર્ગ સરળ બન્યો એટલે સમગ્ર ભારતવર્ષના પહાડી વિસ્તારોમાં ફેલાતી રહી હતી. આ ‘અન્ધ્ર’ કે ‘આન્ધ્ર’ પ્રજા શામળી ચામડીવાળી પ્રજાઓમાંની જ છે.
કે. કા. શાસ્ત્રી