અન્તર્જનમ્ લલિતામ્બિકા

January, 2001

અન્તર્જનમ્ લલિતામ્બિકા (જ. 30 માર્ચ 1909, કોટ્ટાયમ, કેરાલા; અ. 6 ફેબ્રુઆરી 1987, કોટ્ટાયમ, કેરાલા) : મલયાળમ સાહિત્યમાં અભૂતપૂર્વ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર કેરળનાં પ્રથમ નામ્બુદ્રી લેખિકા. એમના જન્મસમયે નામ્બુદ્રી બ્રાહ્મણો અત્યંત રૂઢિચુસ્ત હતા એટલે સ્ત્રીઓને માટે જાતજાતના નિષેધ હતા. સ્ત્રીઓ છૂટથી હરીફરી શકતી નહિ. ઘરમાં બંદિની જેવી એમની દશા હતી. લલિતામ્બિકાએ પુરુષની જોહુકમી અને રૂઢિના ત્રાસની સામે વિદ્રોહ પોકાર્યો અને સ્ત્રીઓની મુક્તિની ઝુંબેશ ઉપાડી. તે માધ્યમિક શાળામાં ભણતાં હતાં ત્યારથી જ એમણે કાવ્યો રચવા માંડેલાં અને વિદ્યાર્થી અવસ્થામાં એમની કવિતા સામયિકોમાં પણ પ્રગટ થયેલી. તે વખતે પણ તેમની કવિતામાં વિદ્રોહનો સૂર હતો. તે પછી ટૂંકી વાર્તાનો પ્રયોગ કર્યો. એમની વાર્તાઓમાં પણ નામ્બુદ્રી બ્રાહ્મણસમાજમાં નારીઓની જે કરુણ સ્થિતિ હતી તેનું વાસ્તવિક ચિત્રાંકન છે. એમનાં કાવ્યો અને વાર્તાઓ પછીથી કેરળમાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થવા લાગ્યાં. એમણે તે પછી ‘અગ્નિસાક્ષી’ નવલકથા લખી. આ નવલકથા માટે એમને 1977નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા કેરળ સરકારના પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આ કથા નારીની બંધનમુક્તિની કથા છે. એ મલયાળમ સાહિત્યની એક ઉત્કૃષ્ટ નવલકથા મનાય છે. એમણે મહાભારત અને રામાયણનાં સ્ત્રીપાત્રો વિશે કાવ્યો પણ લખ્યાં છે.

અન્તર્જનમ લલિતામ્બિકા

અન્તર્જનમ લલિતામ્બિકા

સૌ. "અન્તર્જનમ લલિતામ્બિકા"

 

1923માં પ્રથમ કાવ્ય ‘લલિતાંજલિ’ પ્રગટ કર્યા પછી 19 કાવ્યોનો એ જ શીર્ષક હેઠળનો કાવ્યસંગ્રહ 1937માં આપ્યો. તે પછી ‘ભાવદીપ્તિ’ (1944), ‘ઑરુ પોટ્ટિછિરી’ (1958), ‘નિશ્શબ્દ સંગીતમ્’ (1959) અને ‘અયિરાટ્ટિરી’ (1969) જેવા તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો પ્રગટ થયા. તેમાં સુંદર હાલરડાંથી માંડીને ઉચ્ચ તત્વજ્ઞાનપૂર્ણ આદર્શવાદના વિકસિત વિચારો અભિવ્યક્ત થયા છે. કન્યા, માતા, ગૃહિણી અને નાયિકા તરીકેનાં વિવિધ સ્વરૂપોમાં સ્ત્રીના મનની વેદના અને ભાવનાઓનું દર્શન તેમણે કરાવ્યું છે.

તેમના જાણીતા વાર્તાસંગ્રહોમાં ‘યાત્રાવસનમ્’ (193૦); ‘પંચરાચુમ્મા’ (અ સ્વીટ કિસ); ‘મૂટુપાટટ્ટિલ’ (અન્ડર ધ વેઇલ); ‘સત્યટ્ટિન્ટે સ્વરમ્’ (ધ વૉઇસ ઑવ્ ટ્રૂથ) અને ‘કુટ્ટસમ્મતમ્’(ધ વિડોઝ કન્ફેશન)નો સમાવેશ થાય છે. તેમના અન્ય ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘અંબિકાંજલિ’ (1937), ‘ટકર્ન્ના તાલપુરા’ (ફૉલન જનરેશન, 1949); ‘કિલિવાટિલિલૂટે’ (થ્રૂ ધ વિન્ડો, 195૦); ‘ગ્રામબાલિકા’ (1951); ‘આદિત્યે કથાકાલ’ (ધી અર્લિયર સ્ટૉરિઝ, 1954); કાન્નીરિન્તે પુન્ચિરી (ધ સ્માઇલ્સ ઑવ્ ધ ટિયર્સ, 1955) અને ‘અગ્નિપુષ્પાંજલ’(ફ્લાવર્સ ઑવ્ ફ્લેમ, 196૦)નો સમાવેશ થાય છે. તેમનામાં માનવજીવનની જટિલ પળો રજૂ કરવાની વિશિષ્ટ દેન છે. પ્રામાણિકતા, સાદાઈ અને નૈતિક શ્રેષ્ઠતા તેમનાં લખાણોનાં લક્ષણો છે.

સામાજિક સુધારાનાં અગ્રેસર એવાં અનંતરાજનમ્ કેરળ સોશિયલ વેલ્ફેર બૉર્ડ, કેરળ રાઇટર્સ કોઑપરેટિવ સોસાયટી અને કેરળ સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ સાથે ઘણાં વર્ષો સુધી સંકળાયેલાં રહ્યાં. તેમણે રાજ્ય પાઠ્યપુસ્તક સમિતિના બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સનાં સભ્ય તેમજ કેરળ સાહિત્ય અકાદમીનાં ઉપપ્રમુખ તરીકે કામગીરી બજાવેલી. 1935માં નામ્પુતિરી સ્ત્રીઓના હક્કોનું સમર્થન કરવામાં તેમણે ભજવેલી ભૂમિકા બદલ હરિપાદ ખાતે યોજાયેલ નામ્પુતિરી યોગક્ષેમ સભાની વાર્ષિક પરિષદમાં તેમને ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમની એકમાત્ર નવલકથા ‘અગ્નિસાક્ષી’ (ફાયર ઍઝ વિટનેસ, 1977) બદલ 1977માં તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, વયલર ઍવૉર્ડ, ઓટાક્કુળલ ઍવૉર્ડ, વર્મા મેમૉરિયલ ઍવૉર્ડ અને ગુરુવયૂર અપ્પન ટ્રસ્ટ એવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

‘અગ્નિસાક્ષી’નું વિષયવસ્તુ અને તેની શૈલી અનન્ય છે. તેમાં કેરળના સામાજિક સંજોગોથી શરૂ કરીને રાષ્ટ્રીય મુક્તિ ચળવળ સુધીનાં નવાં પરિમાણોનું કથાવસ્તુ લઈને તેમણે વ્યાપક ફલક પર તેનું ચિત્ર રજૂ કર્યું છે. નામ્પુતિરી મહિલાઓના બળવાનો સામનો કરતા રૂઢિચુસ્ત ક્ષયિષ્ણુ સમાજનું પણ સચોટ ચિત્રણ એમાં છે. તેમાં જીવનની ઉદાત્ત ભાવનાઓનું ઊંડાણ છે. તેનાં પાત્રોના આધ્યાત્મિક વિકાસનું ચિત્રાંકન પણ મર્મસ્પર્શી છે. તેથી જીવનનું સંકુલ દર્શન કરાવતી આ કૃતિ મલયાળમ સાહિત્યમાં અનોખા પ્રદાનરૂપ છે.

અક્કવુર નારાયણન્

બળદેવભાઈ કનીજિયા