અનૂપ : પશ્ચિમ ભારતમાંના કોઈ એક વિસ્તારનો દેશવાચક શબ્દ. પાણિનિના ગણપાઠમાં જણાવ્યા પ્રમાણે ‘અનૂપ’નો નિર્દેશ ‘કચ્છ’, ‘દ્વીપ (દીવ)’ વગેરે દેશનામો સાથે થયેલો હોઈ આ વધુ સંગત જણાય છે. મહાભારત-આદિ પર્વમાં દક્ષિણ દિશામાં એને સાગર નજીક સૂચવાયો છે, જેમાં રમણીય પાંચ તીર્થ હતાં. કાર્તવીર્ય આ અનૂપદેશનો પતિ હતો એવું આરણ્યક પર્વના એક પ્રામાણિક નિર્દેશથી સમજાય છે. આની રાજધાની માહિષ્મતી કહેવાયેલી હોઈ એ ભરૂચથી લઈ પૂર્વમાં મધ્યપ્રદેશની સીમા સુધીનો નર્મદાનો પ્રદેશ હોવાનું વધુ સંગત થઈ રહે છે. સંસ્કૃતમાં ‘અનૂપ’નો અર્થ જલમય પ્રદેશ થાય છે. એનો આનર્ત સાથે ઉલ્લેખ થતાં સુરાષ્ટ્રના અમુક ભાગને માટે પણ વપરાયો છે, જ્યાં ગિરિપુર(=ગિરિનગર)નો સંબંધ પણ છે. તેથી ભાદર-ઓઝત-મધવંતીનો જૂનાગઢ જિલ્લાનો ‘ઘેડ’નો પ્રદેશ સંગત થઈ રહે છે. જૂનો ‘હૈહય’ પ્રદેશ તે આ ‘અનૂપ’ હોવાનો સંભવ છે.

કે. કા. શાસ્ત્રી