અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ

January, 2001

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ : ભારતના બંધારણમાં નિર્દિષ્ટ આદિમ ને પછાત વર્ગો માટે પ્રયોજાયેલી સંજ્ઞા. જનજાતિ અથવા આદિવાસી શબ્દ કોઈ એક પ્રદેશમાં રહેતા અને પોતાની જાતને રાજકીય રીતે સ્વાયત્ત ગણાવતા સુગ્રથિત સામાજિક એકમ માટે વપરાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આદિજાતિને પોતાની સ્વતંત્ર બોલી અને સ્વતંત્ર સંસ્કૃતિનાં લક્ષણો પણ હોય છે. પાશ્ચાત્ય માનવશાસ્ત્રીઓ દ્વારા ઘણા કિસ્સાઓમાં ‘પછાત જાતિ’ શબ્દનો પ્રયોગ કોઈ એક મુખીના હાથ નીચેના પછાત અથવા જંગલી દશામાં રહેતા પ્રાથમિક સમૂહ માટે પણ થાય છે. આ શબ્દમાં રહેલા નૈતિક પાસાને ઓછું કરવા માટે ‘પ્રાક્રાજ્ય’ સમાજ, ‘પ્રાકશિક્ષિત’ સમાજ, ‘પ્રાક્ઔદ્યોગિકીકરણ’ સમાજ, લોકસમાજ અથવા સાદો સમાજ એ રીતે પણ ઓળખવામાં આવે છે. આ બધી પરિભાષામાં ઉત્ક્રાંતિવાદનો અભિગમ રહેલો છે, જે એમ દર્શાવે છે કે, બિન-આદિવાસીઓના પ્રમાણમાં આદિવાસીઓ પછાત છે. આ દિશામાં વિચારતાં આદિવાસી વિકાસનો અર્થ ‘પ્રાક્રાજ્ય’ સમાજમાંથી ‘રાજ્ય’ સમાજમાં, ‘પ્રાકશિક્ષિત’ સમાજમાંથી ‘શિક્ષિત’ સમાજમાં અને સાદા સમાજમાંથી જટિલ સમાજમાં આદિવાસીઓને બદલવા, તેવો થાય છે.

આદિજાતિ અંગેનો આ ખ્યાલ પાશ્ચાત્ય માનવશાસ્ત્રીઓએ ઊભો કર્યો છે. શરૂઆતના યુરોપિયન માનવશાસ્ત્રીઓ જ્યારે આફ્રિકા, અમેરિકા કે ઑસ્ટ્રેલિયા ગયા ત્યારે વિકસિત યુરોપિયન સંસ્કૃતિની પશ્ચાદ્ભૂમિકામાં તેમણે આ સમાજના આદિવાસીઓનો અભ્યાસ કર્યો અને ઉપર મુજબ તેમને વ્યાખ્યાબદ્ધ કર્યા. આવા ખ્યાલ સાથે યુરોપિયન માનવશાસ્ત્રીઓ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે અમેરિકા, આફ્રિકા કે ઑસ્ટ્રેલિયા જેવાં પછાત જૂથો અહીંયાં હતાં નહિ. અહીંના લોકોને જ્ઞાતિમાં વિભાજિત કરવા કે આદિજાતિમાં તે અંગે તેઓ સ્પષ્ટ ન હતા. ભારતની મોટાભાગની ભાષામાં ‘ટ્રાઇબ’ માટે કોઈ શબ્દ હતો જ નહિ. આદિજાતિ શબ્દ પછીથી ઊભો કરવામાં આવ્યો છે. ભારતના એક વિભાગને આદિજાતિ કહીને સામાન્ય પ્રજાથી અલગ વિભાગ ઊભો કરવા બદલ રાષ્ટ્રવાદીઓએ ઊહાપોહ મચાવ્યો હતો.

આ રીતે જોવા જઈએ તો પાશ્ચાત્ય માનવશાસ્ત્રીઓએ આદિજાતિનો જે ખ્યાલ ઊભો કર્યો છે તે ભારતના લોકોને લાગુ પડતો નથી. ભારતમાં આદિજાતિની કોઈ નિશ્ચિત વ્યાખ્યા સ્વાતંત્ર્ય બાદ આપણે કરી શક્યા નથી. તેમ છતાં અહીં જંગલ અને પહાડોમાં લોકો રહે છે, જેને આદિજાતિની વ્યાખ્યાની નજીક ગણવામાં આવ્યા છે અને કલ્યાણ-રાજ્યને ચરિતાર્થ કરવા માટે બંધારણમાં તેમને અલગ કક્ષા(category)માં સ્વીકારીને અનુસૂચિમાં મૂક્યા છે. આથી ભારતમાં આદિજાતિની વાત કરીએ ત્યારે ‘અલગ સમરૂપ, સામાજિક એકમવાળી પ્રજા’ કહેવાને બદલે જંગલ અને પહાડોમાં રહેતા એવા લોકોની વાત કરવી પડે. તેમને જંગલો કે પહાડો બહાર વસતા ઉજળિયાત સાથે કાયમી સંબંધ હતો. આદિવાસી સમસ્યાનું મૂળ પણ આદિવાસી-બિનઆદિવાસી સંબંધોમાંથી જ શોધી શકાય એમ છે.

આદિજાતિનું આપણું વિશ્લેષણ આદિજાતિને આપણે શું કરવા માંગીએ છીએ તે અંગેની વિચારસરણીથી પણ પ્રભાવિત છે. એમ કહીએ કે આદિવાસીઓની વિશિષ્ટ સંસ્કૃતિ છે અને તે સંસ્કૃતિ જાળવી રાખવી જોઈએ તો સંસ્થાનવાદમાં માનીએ છીએ એમ થયું. આપણે એ સ્વીકારવું જોઈએ કે આદિવાસીઓનો આર્થિક વિકાસ થાય તો સંસ્કૃતિ પણ બદલાય. બંને પરસ્પર સંકળાયેલાં છે. આદિવાસીઓની સંસ્કૃતિ જાળવી રાખીને તેમનો આર્થિક વિકાસ કોઈ કરી શક્યું નથી.

ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાતના પૂર્વ ભાગ તરફ, ઉત્તરમાં દાંતા તાલુકાથી માંડીને દક્ષિણમાં વલસાડ જિલ્લા સુધી સાતપુડાની જે હારમાળાઓ છે તે પૂર્વ પટ્ટીમાં આવેલા સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સૂરત, ડાંગ અને વલસાડ જિલ્લાઓને આદિવાસી વસાહત ધરાવતા જિલ્લાઓ ગણવામાં આવે છે. આ જિલ્લાઓના ડુંગર અને જંગલમાં ગુજરાતના 75 ટકા આદિવાસીઓ વસે છે. રાન(જંગલ)માં વસતા હોવાથી તેઓ તળગુજરાતમાં ‘રાનીપરજ’ તરીકે ઓળખાતા હતા. અંગ્રેજોના આગમન બાદ તેઓ ‘આદિવાસી’ તરીકે અને પ્રજાતંત્ર થયા બાદ બંધારણીય જોગવાઈ મુજબ ‘અનુસૂચિત જનજાતિ’ તરીકે ઓળખાવા લાગ્યા. આવી ત્રીસ અનુસૂચિત જનજાતિઓ ગુજરાતમાં છે, જેમાં – ભીલ, દૂબળા, ધોડિયા, ચૌધરી, ગામીત, વસાવા, તડવી, રાઠવા, નાયકા, કુનબી, વાર્લી વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતની કુલ વસ્તીમાં 14 ટકા વસ્તી અનસૂચિત જનજાતિની છે.

સામાજિક અને આર્થિક રીતે પછાત જનસમૂહો માટે 1935ના ધ ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટે ‘પછાત જાતિઓ’ એવી પરિભાષા વાપરી હતી. 1950નું ભારતીય બંધારણ 1935ના કાયદાની પરિભાષા નજીવા ફેરફાર સાથે ચાલુ રાખે છે. એક તો આ જાતિઓના બે ભાગ પાડે છે : (1) જાતિ અને (2) જનજાતિ; અને ‘પછાત’ને સ્થાને ‘અનુસૂચિત’ શબ્દનો પ્રયોગ કરે છે. ભારતીય બંધારણની કલમ 341 અને 342 કેટલાંક જૂથોને ‘અનુસૂચિત્ત જાતિઓ અને જનજાતિઓ’ તરીકે ઓળખાવવાની સત્તા રાષ્ટ્રપતિને આપે છે. અનુસૂચિત જાતિઓ એટલે સામાન્ય રીતે એ સામાજિક જૂથો, જે હિન્દુ જ્ઞાતિવ્યવસ્થાની બહાર હિન્દુ હોય અને જેમને પરંપરાગત રીતે ‘અછૂત’, ‘અંત્યજ’ અથવા ‘અસ્પૃશ્ય’ માનવામાં આવ્યા હોય. ગાંધીજીએ આ જનસમુદાયોને ‘હરિજન’ તરીકે બિરદાવ્યા હતા. અલબત્ત અનુસૂચિત જાતિઓમાં થોડીક એવી પણ જાતિઓ છે, જેમણે નજીકના ભૂતકાળમાં અસ્પૃશ્યતાનો અનુભવ ન કર્યો હોય. જે સમૂહો જંગલમાં કે ટેકરીઓ પર વસતા હોય, અને જેમની સંસ્કૃતિ વર્ચસ્ ધરાવતા હિન્દુ સમાજથી અમુક અંશે જુદી પડતી હોય, તે જૂથોને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પહેલાં ‘રાનીપરજ’, ‘કાળીપરજ’ કે ‘વનજાતિ’ તરીકે ઓળખાતા હતા. હવે તેઓ ‘ટ્રાઇબ’ કે ‘આદિવાસી’ તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રપતિએ બહાર પાડેલા 1950ના બંધારણીય આદેશ મુજબ કેટલાક સામાજિક સમૂહોને અનુક્રમે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પાછળથી સંસદના ધારાથી આ યાદીમાં અવારનવાર સુધારા થતા રહ્યા છે.

1981ની વસ્તીગણતરી મુજબ ભારતમાં 1,086 અનુસૂચિત જાતિઓ છે જેમાંથી ગુજરાતમાં 30 જાતિઓ છે. ભારતમાં તેમની વસ્તી 10 કરોડ 47 લાખથી વધુ છે, જે કુલ વસ્તીના લગભગ 16 ટકા થાય. તેઓ ઓછાવત્તા પ્રમાણમાં ભારતનાં બધાં જ રાજ્યોમાં વસેલા છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં તેમની વસ્તી આશરે 25 ટકા જેટલી છે; જ્યારે પશ્ચિમ બંગાળ, હરિયાણા, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, તામિલનાડુ, રાજસ્થાન અને ઓરિસામાં તેઓ 15થી 25 ટકા જેટલા છે. ગુજરાતમાં તેમની વસ્તી 7 ટકા છે. 1981ની વસ્તીગણતરી પ્રમાણે 557 જનજાતિઓ છે; તેમની સંખ્યા 5 કરોડ 16 લાખથી વધુ છે, જે દેશની કુલ વસ્તીના 8 ટકા થાય. મિઝોરમ, નાગાલૅન્ડ, મેઘાલય, લક્ષદ્વીપ અને દાદરાનગર-હવેલીમાં તેમની વસ્તી ત્યાંની કુલ વસ્તીના 80 ટકાથી વધારે છે.

અનુસૂચિત જાતિ અને જનજાતિને બંધારણની જુદી જુદી કલમો 15, 16, 29, 46, 330, 332 અને 335 દ્વારા ત્રણ પ્રકારના આરક્ષણની સવલતો આપવામાં આવી છે. (1) એમની વસ્તીના પ્રમાણમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બેઠકો રાખવામાં આવી છે. શરૂઆતમાં આ આરક્ષણ દસ વર્ષ માટે હતું. ત્યારપછી તે દસ દસ વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. (2) કલમ 16(4) અને 335 મુજબ વસ્તીના ધોરણે સરકારી અને અર્ધસરકારી નોકરીઓમાં જુદી જુદી કક્ષાએ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતની વ્યવસ્થા છે. (3) ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ઓછામાં ઓછા અમુક ટકા ગુણ આવ્યા હોય તો તેમના માટે અનામત બેઠકો છે. (જુઓ અનામત પ્રથા).

વિદ્યુત જોશી

ઘનશ્યામ શાહ