અનુવાદ (પૂર્વમીમાંસા) : અન્ય પ્રમાણ વડે સિદ્ધ થયેલી બાબતનું કથન. પૂર્વમીમાંસા અનુસાર વેદના પાંચ વિભાગો પાડેલા છે : (1) વિધિ, (2) મંત્ર, (3) નામધેય, (4) નિષેધ અને (5) અર્થવાદ. અર્થવાદમાં નિરૂપિત વિષયવસ્તુને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પડેલા છે : (1) ગુણાનુવાદ, (2) અનુવાદ અને (3) ભૂતાર્થવાદ. ગૌતમીય ન્યાયદર્શનની વૃત્તિમાં અનુવાદના ત્રણ પ્રકાર દર્શાવેલા છે : (1) ભૂતાર્થાનુવાદ, (2) સ્તુત્યર્થાનુવાદ અને (3) ગુણાનુવાદ. પૂર્વમીમાંસામાં અર્થવાદના બે રીતે પ્રકારો પાડેલા છે તેને અનુસરીને આ બન્નેના મિશ્રણ જેવા ત્રણ પ્રકારો છે. અન્ય પ્રમાણ વડે સિદ્ધ થયેલી બાબતનું કથન કરવામાં આવે તેને અનુવાદ કહે છે. ‘અગ્નિ એ ઠંડીનો ઇલાજ છે’ (अग्निर्हिमस्य भेषजम्) એ વાક્ય તેનું ઉદાહરણ છે. આમાં અગ્નિને ઠંડીનો ઉપાય કહેલ છે. આ બાબત પ્રત્યક્ષ અનુભવથી સાબિત થયેલી વાસ્તવિક જગતની હકીકત છે. આમ અન્ય પ્રમાણ દ્વારા જાણેલી બાબતનું તેને અનુસરીને કથન કરવામાં આવતું હોવાથી આને ‘અનુવાદ’ કહે છે તે યથાર્થ છે. અનુવાદને પ્રમાણ માનતા નથી કારણ કે એ જ્ઞાત વસ્તુનું જ જ્ઞાપન કરે છે.
મનસુખ જોશી