અનુવંશ અને પર્યાવરણ

January, 2001

અનુવંશ અને પર્યાવરણ : મનુષ્યનાં વ્યક્તિત્વ અને વર્તનનાં નિર્ણાયક પરિબળો. મનુષ્યના વર્તનનાં નિર્માણકર્તા પરિબળો તરીકે તેનાં માબાપ તથા પૂર્વજો પાસેથી મળેલાં આનુવંશિક તત્વો અને પર્યાવરણને ગણવામાં આવે છે. મેન્ડેલના વનસ્પતિ પરના પ્રયોગો દ્વારા આનુવંશિકતાના જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે નિયમો મનુષ્યને પણ લાગુ પડે છે. પરંતુ મનુષ્યનું વર્તન માત્ર અનુવંશને કારણે પ્રવર્તતું હોતું નથી. પૂર્વજો પાસેથી વ્યક્તિ રંગસૂત્રો કે તેમાં રહેલાં જનીન તત્વો દ્વારા આનુવંશિકતા મેળવે છે. તે અનુકૂળ પર્યાવરણમાં વિકસે છે અને પ્રતિકૂળ પર્યાવરણમાં તેના વિકાસમાં વિઘ્નો આવે છે. તેથી મનુષ્યના કોઈ પણ વર્તનને માત્ર અનુવંશ કે માત્ર પર્યાવરણ દ્વારા સમજાવી શકાય નહિ.

જે વિજ્ઞાનીઓ અનુવંશને પ્રાધાન્ય આપે છે તે વર્તનના નિર્માણ માટે આનુવંશિકતાને વધુ પડતું મહત્વ આપે છે અને જે વિજ્ઞાનીઓ પર્યાવરણને પ્રાધાન્ય આપે છે તે વર્તનનાં નિર્માણકારી પરિબળો તરીકે પર્યાવરણને મહત્વ આપે છે. આવા મતભેદો વર્ષોથી પ્રવર્તે છે, છતાં એમ કહી શકાય કે આનુવંશિકતાએ મૂકેલી મર્યાદામાં પર્યાવરણ મનુષ્યના વર્તનને વિકસાવે છે. આમ મંદબુદ્ધિ બાળક કંઈ પ્રતિભાશાળી બની શકે નહિ, તેમજ પ્રતિભાશાળી મા-બાપનાં બાળકો કંઈ હંમેશાં પ્રતિભાશાળી નીવડતાં નથી.

જનીનશાસ્ત્રીઓ (geneticists) આનુવંશિક તત્વોનાં વાહક તરીકે રંગસૂત્રોમાંનાં જનીનતત્વોને ગણે છે. જનીનતત્વોમાં જે DNA અણુઓ આવેલા હોય છે, તેમનો ઉકેલ શોધવા તથા તેમનામાં પરિવર્તન પેદા કરવાના કેટલાક પ્રયોગો થયા છે. રશિયામાં સ્ટૅલિનના સમય દરમ્યાન લાયસેન્કો નામના એક કૃષિશાસ્ત્રીએ અનુકૂળ પર્યાવરણમાં જનીનતત્વોમાં પરિવર્તન લાવ્યાનો દાવો કર્યો હતો, પરંતુ અન્ય વિજ્ઞાનીઓએ તે જ પ્રયોગો કરી જોતાં તે દાવો ખોટો માલૂમ પડ્યો હતો. હાલ જનીનશાસ્ત્રીઓએ અનુવંશ તથા પર્યાવરણનાં પરિબળોની પારસ્પરિક અસરો વિશે અભ્યાસ કરી કેટલાંક નવાં તારણો રજૂ કર્યાં છે.

આંખની કીકીનો રંગ પૂર્વજો પાસેથી મળેલાં રંગસૂત્રોને આભારી હોઈ તેમને સંપૂર્ણપણે આનુવંશિક ગણી શકાય. પરંતુ બુદ્ધિ અંગે થયેલા પ્રયોગોમાં આનુવંશિકતાને મહત્વ મળવા છતાં તેને સદંતર આનુવંશિકતાજન્ય ગણી શકાય તેમ નથી.

1980માં રૉબર્ટ ગ્રેહામ નામના કૅલિફૉર્નિયાના એક વેપારીએ પુરુષબીજોની એક બૅન્ક શરૂ કરી છે, જેમાં વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક જીતનાર વિજ્ઞાનીઓ પાસેથી પુરુષબીજો ભેગાં કરી તેમને અતિ શીતળ વાતાવરણમાં જાળવી રાખવામાં આવ્યાં છે. જે અતિબુદ્ધિશાળી સ્ત્રીને આ બૅન્કમાંથી પુરુષબીજો મેળવવાં હોય તેમને વિમાનમાર્ગે પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રયોગ પાછળનો હેતુ વિશ્વમાં અતિબુદ્ધિશાળી બાળકો પેદા કરવાનો છે, પરંતુ ઘણા વિજ્ઞાનીઓ તેને અવાસ્તવિક ગણે છે. તેનું કારણ એ જ છે કે બુદ્ધિ માત્ર અનુવંશજન્ય નથી, પણ પર્યાવરણની પણ તેના ઉપર ઘણી અસર હોય છે.

નીચેના કોઠા પરથી જણાશે કે અનુવંશ તથા પર્યાવરણ બંનેની બાળકની બુદ્ધિ પર અસર જોવા મળી છે.

સગપણ આનુવંશિકતા પર્યાવરણ વચ્ચે
સહસંબંધ
બુદ્ધિ-માનાંકો ઊંચાઈ
વચ્ચે
સહસંબંધ
1. સગપણ વગરનાં બાળકો બિલકુલ ભિન્ન બિલકુલ ભિન્ન .00 .00
2. પિત્રાઈ કે માસિયાઈ બાળકો થોડા પ્રમાણમાં સરખી મહદ્ અંશે ભિન્ન .29 .24
3. કાકા-ભત્રીજા કે ઉપર કરતાં થોડી વધુ સરખી મહદ્ અંશે ભિન્ન .35 .29
માસી ભાણેજ
4. દાદા કે દાદી અને ઉપર કરતાં થોડી ઉપર કરતાં થોડું .34 .32
પૌત્ર કે પૌત્રી ઓછી સરખી ઓછું ભિન્ન
5. માબાપ અને બાળકો વધુ પ્રમાણમાં સરખી વધુ પ્રમાણમાં સરખું .48 .51
6. જુદે જુદે સમયે જન્મેલાં ઉપર કરતાં વધુ પ્રમાણમાં વધુ પ્રમાણમાં સરખું .53 .60
ભાંડુઓ સરખી
7. દ્વિબીજ જોડિયાં બાળકો ઉપર જેવી સરખું .59 .62
(ભિન્નલિંગી)
8. દ્વિબીજ જોડિયાં બાળકો ઉપર કરતાં જરા વધુ સરખી સરખું .63 .64
(એકલિંગી)
9. એકબીજ જોડિયાં બાળકો બિલકુલ સરખી  ઘણે અંશે સરખું .88 .93

બુદ્ધિયુક્ત વર્તન એ બહુ જ સંકુલ પ્રક્રિયા છે, જેમાં અનેક વ્યાપારો (functions) સમાયેલા છે. બુદ્ધિ કોઈ એક જનીનતત્વને આભારી હોતી નથી, પરંતુ તે અનેક જનીનતત્વોના સંકુલમાંથી પરિણમે છે. ઉંદરો પરના પ્રયોગોમાં જોવા મળ્યું છે કે જે ઉંદરો ભુલભુલામણીમાંથી સફળતાપૂર્વક પસાર થવાનું શીખે છે, તેમના વંશજોને માત્ર ભુલભુલામણી પસાર કરવાની બાબત જ વધુ સારી રીતે આવડે છે, પણ અન્ય બૌદ્ધિક ક્રિયાઓમાં તે બીજા ઉંદરો જેવા જ જોવા મળે છે. વળી ઘણા વ્યવહારો આંખની કીકીના રંગની જેમ બહુ શરૂઆતથી આનુવંશિકતાને આભારી જોવા મળતા નથી, પણ તેમની આનુવંશિકતા મોડેથી પ્રકટ થાય છે અને તે પણ અનુકૂળ પર્યાવરણ હોય ત્યારે. કેટલાંક વર્તનો ક્રમિક હોય છે એટલે કે અમુક ચોક્કસ ક્રમમાં જ એ વર્તનો વિકસે છે. વળી એ વર્તનતરેહોનો ક્રમ અને તેમનો પ્રકટ થવાનો સમય ચોક્કસ હોવાની ઘટના માટે સોપાનયુક્ત જનીનતત્વો(pacing genes)ને જવાબદાર ગણવામાં આવે છે.

જનીનશાસ્ત્ર અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સમજવા વિજ્ઞાનીઓએ એક અધિજનીન ભૂમિચિત્ર(epigenetic landscape)નું મૉડલ રજૂ કર્યું છે. તે પ્રમાણે જૈવિક નિગ્રહો (biological constraints) વિકાસનાં જૈવિક નિયંત્રણો દર્શાવે છે. જેમ એક ટેકરીની ટોચે દડો મૂકેલો હોય અને તે નીચે એક પાટિયા જેવા સીધા ઢાળ પરથી ગબડે તો એ એકધારી ગતિ કરશે, પરંતુ જો તે દડો ખાડાટેકરાવાળા રસ્તેથી ગબડે તો તે ખાડાટેકરા તેની ગતિનું નિયંત્રણ કરશે અને ગતિ વાંકીચૂકી રહેશે. તેમ વિવિધ વર્તનો પર પર્યાવરણની અસર હોય છે. પર્યાવરણમાં જૈવિક નિગ્રહો વ્યક્તિના વર્તનને અમુક રીતે ઘડે છે.

સફેદ મુકુટવાળી ચકલીઓ કેવી રીતે ગાતાં શીખે છે તેના પરના પ્રયોગો આ મૉડલને સારી રીતે સમજાવે છે. આ જાતિનાં ચકલાંના ગીતમાં બે ભાગ હોય છે. પ્રથમ ભાગમાં એક સિસોટી જેવો અવાજ હોય છે અને એ પછી બીજા ભાગમાં કંપિત સ્વર આવે છે. અમુક પ્રદેશમાં ઊછરતાં બધાં સફેદ મુકુટવાળાં ચકલાં એક જ પ્રકારનું ગીત ગાય છે, પરંતુ બીજા પ્રદેશમાં ઊછરતાં એ જ જાતિનાં ચકલાં બીજા પ્રકારનું ગીત ગાય છે. આ ભિન્નતા માટે જનીનતત્વો કારણરૂપ નથી, પણ તેમનો વિકાસ જે પર્યાવરણમાં થાય છે, તેમની ભિન્નતાને આભારી હોય છે. જન્મ પછી પોતાની જાતિનાં ચકલાંનું ગીત સાંભળે તે પહેલાં બાળ ચકલાને અન્ય સ્થળે ખસેડી લેવામાં આવે અને અન્ય પર્યાવરણમાં ઉછેરવામાં આવે તો તેનું ગીત પોતાના મૂળ પ્રદેશનાં ચકલાંઓના ગીત જેવું નહિ હોય. પીટર માર્લર (1970) નામના એક વિજ્ઞાનીએ આવાં બાળ ચકલાંઓને જન્મ પછી જુદે જુદે સમયે તેમના માળામાંથી ખસેડી અન્ય સ્થળે ઉછેર્યાં હતાં. તેમને દશ દિવસની અંદર ખસેડ્યાં અને ભિન્ન પ્રકારનું ગીત સંભળાવી ઉછેર્યાં. તેમની પુખ્ત વયે પેદા થયેલા ગીત પર ભાગ્યે જ કંઈ અસર જોવા મળી એટલે કે તે નવું સંગીત શીખ્યાં નહિ. જન્મ પછી પોતાની જાતિનાં ચકલાંઓથી અલગ ઊછરવાને કારણે પોતાની જાતિનાં ચકલાંઓના ગીતથી જુદા પ્રકારનું ગીત પેદા થયું. જન્મ પછી 10થી 50 દિવસના ગાળામાં જે ચકલાંને પોતાના માળામાંથી ખસેડ્યાં અને તેમને જે પ્રકારનું ગીત શીખવ્યું તે પ્રકારનું ગીત તેઓ પુખ્ત વયે ગાવા લાગ્યાં. જેમને 50થી 100 દિવસના ગાળામાં ખસેડ્યાં અને અન્ય પ્રકારનું ગીત સંભળાવ્યું તે કેટલેક અંશે જે ગીત સાંભળેલું તે ગીત ગાવા લાગ્યાં, પણ સંપૂર્ણ રીતે તેવું નહિ. જેમને 100 દિવસ પછી ખસેડ્યાં અને ભિન્ન સંગીત સંભળાવ્યું તેમનાં પર નવા સંગીતની કંઈ અસર થઈ નહિ. તેમનાં ગીત પેલાં 10 દિવસની અંદર ખસેડેલાં ચકલાંઓનાં ગીત જેવાં જ રહ્યાં, એટલે કે અલગ ઉછેરથી તેમનામાં દેખાઈ હતી તેવી ભિન્નતા આ ચકલાંઓના ગીતમાં પણ દેખાઈ. આ પરિણામો દર્શાવે છે કે 10થી 50 દિવસની વય વચ્ચે ચકલાંઓનું જેવું ગીત બાળચકલાંઓ સાંભળે છે તેવું તેઓ શીખે છે. આ સમયગાળો તેમનો ગીત શીખવાનો સમયગાળો કહેવાય. આમ આ પ્રકારનાં ચકલાંઓનાં ગીતો નથી સંપૂર્ણપણે આનુવંશિક કે નથી સંપૂર્ણપણે પર્યાવરણસર્જિત.

વિવિધ પ્રાણીઓમાં ગીત શીખવા અંગે વિવિધ પ્રતિભાવ જોવા મળે છે. કાઉબર્ડ નામના પરોપજીવી પક્ષીની માદા અન્ય પક્ષીના માળામાં ઈંડાં મૂકી આવે છે. ત્યાં ઊછરતા કાઉબર્ડ નર પુખ્ત વયે પોતાના પાલકપિતા(foster-father)ના જેવું ગાતાં શીખતો નથી, પરંતુ પોતાની જાતિ પ્રમાણે જ ગાય છે, જોકે તેને પણ પોતાની જાતિના નરને ગાતો સાંભળવાની તક મળતી નથી. તેથી આ વર્તન સંપૂર્ણ આનુવંશિક ગણાય. અધિજનીન ભૂમિચિત્ર આનુવંશિકતા અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સમજાવે છે. કેટલાંક વર્તનોનો વિકાસ છીછરા રસ્તાઓ જેવા પર્યાવરણનાં પરિબળોની અસર નીચે આવે છે, જ્યારે કેટલાંક વર્તનોનો વિકાસ ઊંડી નહેરોવાળા સીધા ઢાળ જેવો હોઈ પર્યાવરણની અસરથી મુક્ત રહે છે. સફેદ મુકુટવાળો ચકલો અમુક વયે જેવું સાંભળે તેવું શીખી શકે છે, તેથી તેનો વિકાસ છીછરા રસ્તાવાળા ઢાળ જેવો ગણાય અને અન્ય કેટલાકનો વિકાસ ઊંડા સીધા ઢાળવાળા રસ્તા જેવો પર્યાવરણની અસરથી ઘણે અંશે મુક્ત ગણાય.

બીજા એક મૉડલને પરઘાટક્ષમતા દર્શન (alloplastic view) કહેવામાં આવે છે. કેટલાંક વર્તનોમાં પ્રાણી પર્યાવરણને અધીન થવાને બદલે પર્યાવરણમાં પોતે પરિવર્તન લાવે છે. મનુષ્યમાં આવી ઘણી શક્તિ છે. તે પોતાના પર્યાવરણને અધીન થવાને બદલે પર્યાવરણને બદલવાની ક્ષમતા ધરાવે છે. કેટલાંક પ્રાણીઓ નાનાં શસ્ત્રો કે સાધનો વાપરી પોતાના ખોરાકને ખસેડી શકે છે અથવા વિઘ્નોને દૂર કરી શકે છે. મનુષ્યની શસ્ત્રો બનાવી તેમને વાપરવાની શક્તિ અનન્ય છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજી દ્વારા મનુષ્ય અનેક સાધનો બનાવી તેમના વડે પોતાનાં સુખસગવડને વધારે છે. આનુવંશિકતા અંગે એક અગત્યની બાબત નોંધપાત્ર છે. પુરુષ અને સ્ત્રી બંને પાસેથી 23 + 23 રંગસૂત્રો બાળકનો મળે છે. અને તેમાં પણ બંનેના પૂર્વજોનું પણ પ્રદાન હોય છે. તેથી બાળક માત્ર મા અને બાપ પાસેથી નહિ, પણ બંને પક્ષના અનેક પૂર્વજો પાસેથી આનુવંશિકતા મેળવે છે. વળી આ 23 રંગસૂત્રોમાંનું એક બાળકનું લિંગ એટલે કે તે નર બનશે કે નારી તે નક્કી કરે છે. સ્ત્રીના અંડકોષમાં XX રંગસૂત્રની જોડી હોય છે, જ્યારે પુરુષના બીજમાં XY રંગસૂત્રો હોય છે. આથી સ્ત્રીના X સાથે પુરુષનું Y રંગસૂત્ર જોડાય તો XY ની જોડી થઈ છોકરો જન્મે છે અને જો સ્ત્રીના X સાથે પુરુષનું X રંગસૂત્ર જોડાય તો XXની જોડી થઈ છોકરી જન્મે છે. આમ સ્ત્રીના રંગસૂત્રને કારણે નહિ, પણ પુરુષમાંનાં ભિન્ન રંગસૂત્રોને કારણે છોકરો કે છોકરી જન્મે છે. આમાં કેવી જોડી પેદા થવી તે ઉપર બેમાંથી કોઈનો કાબૂ હોતો નથી, છતાં માત્ર છોકરીઓ જ જન્મવા માટે સ્ત્રીને તો કોઈ પણ રીતે દોષિત ગણી શકાય નહિ.

વળી, માબાપના જીવન દરમિયાના અનુભવોથી તેમનાં રંગસૂત્રોમાં પરિવર્તન આવતું નથી. સગર્ભા સ્ત્રીના ભાવાત્મક આવેશો કેટલેક અંશે ગર્ભના વિકાસ પર અસર કરી શકે છે, પરંતુ તેના વિચારો ગર્ભના મગજ ઉપર અસર કરતા હોય એવું સાબિત થયું નથી. એટલે સગર્ભા સ્ત્રી જે કંઈ શીખે તે તેના ગર્ભમાં રહેલું બાળક શીખી જતું નથી. પુરાણોમાં આ અંગે જે વાર્તાઓ જોવા મળે છે તે માત્ર કાલ્પનિક છે.

કૃષ્ણકાંત ગો. દેસાઈ