અનુવાદ-રૂપાંતર-પ્રવૃત્તિ

January, 2001

અનુવાદ-રૂપાંતર-પ્રવૃત્તિ

ભાષાસાહિત્યમાં અનુવાદ એટલે ‘મૂળની પાછળ પાછળ, મૂળને અનુસરીને બોલવું તે.’ (ઉમાશંકર જોશી) ‘ભાષાંતર’ શબ્દ ‘અનુવાદ’ના પર્યાય તરીકે પ્રયોજાય છે, પરંતુ ‘ભાષાંતર’ શબ્દ, ઉમાશંકર જોશી કહે છે તેમ, કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉપર ભાર મૂકે છે. દરેક અનુવાદ ભાષાંતર તો હોય જ, પરંતુ દરેક ભાષાંતર અનુવાદ હશે જ એમ ન કહી શકાય. અનુવાદ માટે ‘તરજૂમો’ એ અરબી શબ્દ પણ પ્રચારમાં છે. મૂળ એ મૂળ અને અનુવાદ એ અનુવાદ. અનુવાદ ક્યારેય મૂળ કૃતિનો વિકલ્પ ન થઈ શકે. તેથી જ અનુવાદમાં બાંધછોડ હોવાનું કહેવાયું છે.

આ અનુવાદના વિવિધ પ્રકારો પાડવામાં આવે છે. એમાં અનુવાદ કઈ રીતે થાય છે તે બાબત અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક શબ્દશ: અનુવાદ હોય છે, જેને નવલરામ પંડ્યા શબ્દાનુસારી અનુવાદ કહે છે. આ રીતે અર્થાનુસારી અને ભાવ કે રસાનુસારી અથવા દેશકાલાનુસારી અનુવાદો – એવા પ્રકાર પણ પાડવામાં આવે છે. છાયાનુવાદ અને સારાનુવાદ જેવા ભેદો પણ પ્રચારમાં છે. દેશકાલાનુસારી અનુવાદને રૂપાંતર કહી શકાય. નવલરામે મૉલિયરના ફ્રેન્ચ નાટક ઉપરથી અંગ્રેજીમાં થયેલા ‘મૉક ડૉક્ટર’ના આધારે રચેલ ‘ભટ્ટનું ભોપાળું’ (1867) કે મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ, ઝેનોનીની નવલકથા પરથી રચેલ ‘ગુલાબસિંહ’ મૂળ કૃતિનાં ગુજરાતી રૂપાંતરો છે. જ્યારે મૂળ કૃતિનો આધાર માત્ર લઈ એનો ભાવમર્મ લક્ષમાં રાખી મુક્ત રીતે સર્જન થાય ત્યારે તેને અનુસર્જન કહેવામાં આવે છે. ગુજરાતીમાં ‘રવીન્દ્રવીણા’ એનું ઉદાહરણ છે.

અનુવાદપ્રવૃત્તિ અનેકભાષિતાના કારણે ઉદભવતી પ્રવૃત્તિ છે. મનુષ્યની સામાજિકતા-સંસ્કારિતા તેને અનુવાદના સીમાડે લાવીને રહે છે. અનુવાદનો ઇતિહાસ મનુષ્યના સાંસ્કૃતિક વ્યવહારસંબંધનો  – એની અન્યને સમજાવા-સમજવાની વૃત્તિ-પ્રવૃત્તિનો – ઇતિહાસ છે. વિશ્વભરમાં જ્યાં જ્યાં ભાષાઓએ સાહિત્યિક સ્તરે ગજું કાઢ્યું છે ત્યાં ત્યાં ઓછેવત્તે અંશે અનુવાદપ્રવૃત્તિનું પ્રવર્તન જોઈ શકાય છે. અનુવાદપ્રવૃત્તિનો ઇતિહાસ માનવીય એકાત્મકતાના પરમ સંકેતરૂપ, સાંસ્કૃતિક આદાનપ્રદાનનો ઇતિહાસ છે.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદપ્રવૃત્તિ : ગુજરાતી સાહિત્યની અનુવાદ–રૂપાંતરપ્રવૃત્તિનો વિચાર કરતાં ગુજરાતી ભાષાના ઉદભવ-વિકાસના તબક્કાઓ પણ ખ્યાલમાં રાખવા જરૂરી છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા-સાહિત્યનાં મૂળિયાં અપભ્રંશ, પ્રાકૃત અને સંસ્કૃત જેવી ભાષાઓ અને તેમનાં સાહિત્યો સાથે જટિલ રીતે ગૂંથાયેલાં છે. ઈસવી સનની બારમી સદીથી સ્પષ્ટ રીતે પ્રારંભાતા ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષાઓમાંનાં જૈન આગમો, પ્રબંધો, રાસાઓ, કથાઓ વગેરેના આધારે તેમજ જૈનેતર રામાયણ, મહાભારત–ગીતા, ભાગવત આદિ કાવ્યો-પુરાણો વગેરેના આધારે લખાયેલું સાહિત્ય ઉલ્લેખનીય પ્રમાણમાં મળે છે, જેમાં સારાનુવાદો-ભાવાનુવાદો-છાયાનુવાદો જેવા અનુવાદપ્રકારોનું બાહુલ્ય છે. મધ્યકાળમાં હરિવલ્લભ ભાયાણી જેમના માટે ‘વિવરણાત્મક અનુવાદો’ એવો પ્રયોગ કરે છે તેવા અનેક બાલાવબોધો સાંપડે છે. આ તબક્કામાં સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ઉપરાંત વ્રજહિન્દી તેમજ ફારસીમાંથીયે કેટલાક અનુવાદ થયા છે, જેનું પ્રમાણ ઓછું છે. ‘યસ્ન’, ‘ઈજિસ્ન’, ‘મિનોઈખિરદ’ વગેરે પારસીગ્રંથો સંસ્કૃત મારફતે ગુજરાતીમાં અનૂદિત થયા છે, જે નોંધપાત્ર ઘટના છે. આ ગાળામાં વૈદિક-પૌરાણિક, ધાર્મિક, આધ્યાત્મિક સાહિત્યને ગુજરાતીમાં ઉતારવાનું વલણ જોરદાર છે. મધ્યકાલીન જૈન-જૈનેતર અનૂદિત કૃતિઓમાં વિષયવસ્તુની તુલનામાં અભિવ્યક્તિના સ્વરૂપનું ધ્યાન જેટલું રખાવું ઘટે તેટલું રખાયું નથી. આ ગાળામાં સાહિત્યના ક્ષેત્રે મૌલિકતાનો પ્રશ્ન આજના જેવો મહત્ત્વનો જણાતો નથી. તેથી આ ગાળામાં સારું એવું પરોપજીવી સાહિત્ય પ્રાપ્ત થાય છે, જેમાંનું કેટલુંક અનુવાદના પ્રકારમાંયે સમાવી શકાય. રામાયણ-મહાભારતનાં પર્વો, ભગવદ્ગીતા, ભાગવતના સ્કંધો, શિવપુરાણ, માર્કણ્ડેયપુરાણ, ‘કાદંબરી’, ‘ગીતગોવિંદ’, ‘ગંગાલહરી’, ‘શિવ-મહિમ્ન:સ્તોત્ર’, ‘યોગવાસિષ્ઠ’, ‘ચાણક્ય-નીતિ’ જેવી કેટલીક કૃતિઓનો આ સંબંધે નિર્દેશ થઈ શકે. ભાલણકૃત ‘કાદંબરી’નો અનુવાદ સમગ્ર ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના અનુવાદક્ષેત્રની સર્વોત્તમ સિદ્ધિરૂપ ગણાય છે. શુદ્ધ સાહિત્યરસથી, કલાસર્જનની સભાનતાથી અનુવાદ કરવાનું ‘કાદંબરી’ કે ‘વાગ્ભટાલંકાર’ જેવી કૃતિઓમાં ડોકાતું વલણ આ તબક્કામાં પ્રમાણમાં ઘણું ઓછું જોવા મળે છે. મધ્યકાળમાં ધર્મ, અધ્યાત્મ, વૈદક, જ્યોતિષ જેવા વિષયોની તુલનામાં અન્ય વિષયોના, શુદ્ધ સાહિત્ય તેમજ સાહિત્યશાસ્ત્રના ગ્રંથોના અનુવાદો થોડા છે.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અનુવાદોમાં ધાર્મિકતા-સાંપ્રદાયિકતા, પદ્યાત્મકતા, ગેયતા, સમૂહભોગ્યતા જેવા મુદ્દાઓ ઠીક ઠીક પ્રભાવક હોવાનું જણાય છે. આ યુગના અનુવાદસાહિત્યમાં અભિવ્યક્તિની કલાનિષ્ઠ માવજતના મુકાબલે વસ્તુસામગ્રીની બોધનિષ્ઠ રજૂઆત પર સવિશેષ ઝોક જોવા મળે છે.

મધ્યકાલીન યુગમાં ગુજરાતમાં મુસ્લિમ સલ્તનત છતાં, મુસ્લિમો સાથેનો સંપર્ક છતાં, અરબી-ફારસી-ઉર્દૂ સાહિત્યમાંથી બહુ ઓછું સાહિત્ય ગુજરાતીમાં ઊતર્યું જણાય છે. મધ્યકાળના પારસીઓ, મુસ્લિમો અને છેવટના તબક્કામાં ખ્રિસ્તીઓએ થોડાક ધર્મગ્રંથોના અનુવાદો આપ્યા છે. એવર્દ રાણા કામદીને 1415માં પોતાના પૂર્વજોએ સંસ્કૃત ભાષામાં અનૂદિત કરેલા ‘ખોરદેહ અવસ્તા’, ‘બહમન યસ્ન’ અને ‘અર્દફ વિરાફનામા’ના ગુજરાતી અનુવાદ કર્યા છે. બહિરામસુત લક્ષ્મીધરે પણ 1451માં આ ‘અર્દફ વિરાફનામા’નો અનુવાદ કર્યો છે. 1817માં રેવ. ફૈપી અને સ્કીન્નર નામના પાદરીઓએ બાઇબલના કેટલાક ભાગોનું ભાષાંતર પ્રગટ કરેલું, જોકે તેમાં ક્લિષ્ટતા અને અવિશદતા ઠીક ઠીક હતી.

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદપ્રવૃત્તિ : અર્વાચીન કાળમાં અંગ્રેજી કેળવણીના અને તે સાથે પાશ્ચાત્ય સાંસ્કૃતિક–તેમજ સાહિત્યિક સંબંધ-યોગના કારણે ગુજરાતના ભણેલા-બુદ્ધિજીવી ભદ્રવર્ગમાં ‘રેનેસાં’ જેવી ભાવનાનો આવિર્ભાવ થયો, અને પશ્ચિમની – ખાસ તો અંગ્રેજી સાહિત્યની અનેક કૃતિઓનાં ભાષાંતરો-અનુવાદો-અનુકરણો-રૂપાંતરોની પ્રવૃત્તિએ જોર પકડ્યું. એમાં પારસીઓની અગ્રેસરતા હતી. અંગ્રેજી કેળવણીના પ્રચાર-પ્રસારની આવશ્યકતાઓથી પ્રેરાઈને પાઠ્યપુસ્તકો તેમજ અભ્યાસપૂરક સાહિત્ય તૈયાર કરવાના ખ્યાલથી જે અનુવાદપ્રવૃત્તિ ચાલી તેમાં દલપતરામ, નર્મદાશંકર, રણછોડલાલ ગિરધરદાસ ઝવેરી, મોહનલાલ રણછોડદાસ ઝવેરી, મહીપતરામ નીલકંઠ, નવલરામ પંડ્યા, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, કરસનદાસ મૂળજી વગેરેનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતનો ઉલ્લેખનીય ફાળો હતો. આ ગાળામાં આપણને ‘બાલમિત્ર’, ‘લિપિધારા’, ‘બોધવચન’, ‘ડાડસ્લીની વાતો’, ‘ઇસપનીતિની વાતો’, ‘પંચોપાખ્યાન’ જેવા ગ્રંથો મળ્યા. આ ગાળામાં સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ફાર્બસ સાહિત્યસભા જેવી સંસ્થાઓ તેમજ ગનેઆન પરસારક મંડળ, અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા જેવી મંડળીઓ અને ‘બુદ્ધિપ્રકાશ’, ‘ગુજરાત શાળાપત્ર’ જેવાં ગુજરાતી તેમજ પારસી પત્રો વગેરેએ પણ અનુવાદપ્રવૃત્તિને ઉત્તેજી-પોષી.

મધ્યકાળમાં મુખ્યત્વે સંસ્કૃત જેવી ભાષા કે ધર્મ-અધ્યાત્મ જેવા વિષયો પૂરતી મર્યાદિત અનુવાદ-પ્રવૃત્તિના અર્વાચીન તબક્કામાં ક્ષેત્ર-વિસ્તાર, કક્ષા તેમજ ઉપયોગિતા વધતાં ચાલ્યાં. તેને વધુ સજાગતાથી ને ગંભીરતાથી ખેડવા માટેનું હવામાન બંધાયું, જેમાં નવલરામ જેવાનું દૃષ્ટાંત ઉલ્લેખનીય છે. વળી અંગ્રેજીના સંપર્કે પ્રશિષ્ટ ભાષા તરીકે સંસ્કૃત ભાષા-સાહિત્યના અધ્યયન-અધ્યાપન પ્રત્યે જે જાગૃતિ આવી તેને પરિણામે ગુજરાતીમાં સૌથી વધુ અનુવાદો દેખીતી રીતે સંસ્કૃતમાંથી પ્રાપ્ત થયા છે. 1867થી 1961 સુધીમાં ગુજરાતીમાં અનૂદિત સંસ્કૃત નાટકોની સંખ્યા જ, એક તપાસ પ્રમાણે, 44ની થાય છે; જેમાં ઉમેરાને અવકાશ છે. ‘સુધારાયુગના અનુવાદ-સાહિત્ય’ના થયેલા સર્વેક્ષણના એક તારણ અનુસાર, ગુજરાતીમાં થયેલા અનુવાદોમાં સંખ્યાદૃષ્ટિએ સંસ્કૃત પછી અંગ્રેજી, હિન્દી, મરાઠી જેવી ભાષાઓમાંનાં પુસ્તકોનો ક્રમ આવે છે. ઉપનિષદ, રામાયણ, મહાભારત–ગીતા, ભાગવત આદિ તો ખરાં જ; ઉપરાંત ભર્તૃહરિનાં શતકો; કાલિદાસનાં ‘મેઘદૂત’, ‘રઘુવંશ’, ‘કુમારસંભવ’, ‘અભિજ્ઞાનશાકુંતલ’ અને અન્ય; ભવભૂતિકૃત ‘ઉત્તરરામચરિત’ અને અન્ય, શૂદ્રકનું ‘મૃચ્છકટિક’, બોધાયનકૃત ‘ભગવદજ્જુકીય’, જયદેવકૃત ‘ગીતગોવિંદ’ના અને ‘હિતોપદેશ’, તેમજ ‘પંચતંત્ર’ના અનેક અનુવાદો મળ્યા છે. એકલા ‘મેઘદૂત’ના ડઝનથી વધારે અનુવાદો મળે છે.

સંસ્કૃતમાંથી અનુવાદ કરવાની પ્રવૃત્તિએ સંસ્કૃત વૃત્તોની પ્રતિષ્ઠા અને તેમના પ્રયોગ-પ્રસારમાં, મુક્તકકાવ્ય, સ્તોત્રકાવ્ય, દૂતકાવ્ય જેવા વિવિધ કાવ્યપ્રકારોના ખેડાણમાં, સંસ્કૃતના સંસ્કારે ઉદ્દીપ્ત એક પ્રશિષ્ટ કાવ્યશૈલીના નિર્માણમાં – એમ વિવિધ રીતે કેટલુંક મહત્વનું પ્રદાન કર્યું છે. ગુજરાતી રંગભૂમિના અને નાટકના ઘડતર-વિકાસમાંયે સંસ્કૃત-ગુજરાતી અનુવાદપ્રવૃત્તિ એક મહત્વનું પરિબળ છે.

ગુજરાતી સાહિત્યની અનુવાદપ્રવૃત્તિમાં સ્પષ્ટતયા સંસ્કૃત તેમજ અંગ્રેજીનું વર્ચસ્ રહ્યું છે. સંસ્કૃત ભાષા ગુજરાતી ભાષા-સાહિત્યનું પરંપરાગત સંસ્કારવારસા સાથેનું અનુસંધાન જાળવી રાખવાનું તો અંગ્રેજી વર્તમાનયુગ સાથે ઝડપથી વિકસતા રહેલા વિશ્વ સાથે તેને સાંકળી આપવાનું કાર્ય અનુવાદ દ્વારા કરી રહી છે.

અર્વાચીનતાના ભાવ-વિકાસ સાથે સીધી રીતે સંકળાયેલી અંગ્રેજી ભાષાએ ગુજરાતની પરંપરાગત અનુવાદ-પ્રવૃત્તિને અનેક રીતે સમૃદ્ધ કરી. એણે અનુવાદનું શાસ્ત્ર આપ્યું. ગુજરાતીમાં અનુવાદકળા કે અનુવાદવિજ્ઞાન વિશે જે વિચારણા થઈ તેમાં નવલરામ, ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, મોહનભાઈ શં. પટેલ વગેરેનું અર્પણ ધ્યાનાર્હ છે. અનુવાદકર્મની અનેક માર્મિક વાતો જે અત્રતત્ર થઈ છે તે કરનારાઓમાં બ. ક. ઠાકોર, રામનારાયણ પાઠક, અંબુભાઈ પુરાણી, સુન્દરમ્ આદિનાં નામ તુરત યાદ આવે.

ગુજરાતીમાં કવિતા, નાટક, ટૂંકી વાર્તા, નિબંધ, ચરિત્ર જેવા સાહિત્યપ્રકારો દૃઢમૂલ થઈ ફાલ્યા-ફૂલ્યા તેમાં જે તે સાહિત્યપ્રકારોના અંગ્રેજી નમૂનાઓનાં અનુકરણો-રૂપાંતરો ઉપરાંત તેમના અનુવાદોયે કારણભૂત રહ્યાનું જણાય છે. ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસ-વિસ્તાર તથા ઉન્નતીકરણમાં અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાની જે સાહિત્યિક અનુવાદ-પ્રવૃત્તિ છે, તેનો ઘણો પ્રબળ પ્રભાવ રહ્યો છે. ગુજરાતની અનુવાદ-પ્રવૃત્તિ અંગ્રેજી ભાષા દ્વારા જર્મન, રશિયન, ફ્રેન્ચ, સ્પૅનિશ, સ્કૅન્ડિનેવિયન, ગ્રીક, રોમન – એ રીતે સમગ્ર યુરોપના તેમજ ચીન, જાપાન આદિ એશિયાના, આફ્રિકાના, અમેરિકા તેમજ ઑસ્ટ્રેલિયાના સાહિત્ય સુધી પહોંચી શકી અને દેશ-વિદેશના અનેક સાહિત્યકારો-મનીષીઓને ગુજરાતીમાં લાવી શકી; જેવા કે, હોમર, એરિસ્ટોફેનિસ, સોફોક્લિસ, સૉક્રેટિસ, પ્લૅટો, એરિસ્ટોટલ, પ્લુટાર્ક, સર્વાન્તિસ, અર્ન્સ્ટ ટોલર, રિલ્કે, બાલ્ઝાક, વિક્ટર હ્યુગો, મોલિયેર, આનાતોલ ફ્રાન્સ, બૉદલેર, બૅકેટ, આલ્બેર કામ્યૂ, પિરાન્દેલો, ક્રોચે, સ્વીડનબોર્ગ, હાન્સ ઍન્ડરસન, મોરિસ મૅટરલિંક, ઇબ્સન, ઇમર્સન, થૉરો, પર્લ બક, શૉ, શેક્સપિયર, ચાર્લ્સ ડિક્ધસ, કાર્લાઇલ, વર્ડ્ઝવર્થ, એઝરા પાઉન્ડ, ટી. એસ. એલિયટ, ઑડેન, ઓસામુ દાઝાઈ, કન્ફ્યૂશિયસ વગેરે.

યુરોપીય અને એશિયાઈ સાહિત્ય મોટાભાગે તો અંગ્રેજી દ્વારા ગુજરાતીમાં આવ્યું છે. એમ છતાં તેમાં કેટલાક અપવાદો છે. નરસિંહભાઈ પટેલે શીલરના ‘વિલ્હેમ ટેલ’નો અનુવાદ સીધો જર્મનમાંથી, વત્સરાજ ભણોતે કાવ્યાનુવાદો સીધા સ્વિડિશમાંથી, હસમુખ બારાડીએ ચેખૉવના ‘વાન્યામામા’નો અનુવાદ સીધો રશિયનમાંથી કર્યો છે. નગીનદાસ પારેખે ગુજરાતીમાં કરેલા બાઇબલના અનુવાદમાં હિબ્રૂના જાણકાર ફાધર ઈસુદાસનેય સાથે રાખેલા. જે તે ભારતીય પ્રાદેશિક કૃતિને અંગ્રેજી કે હિન્દીમાં ને તે પછી તેને વિવિધ ભારતીય ભાષાઓમાં અવતારવાની પ્રક્રિયાનાં દર્શન ઓગણીસમી સદીમાં પણ થઈ શકે એમ છે.

ગુજરાતીમાં જે રીતે કાલિદાસ, તૉલ્સ્તૉય, રવીન્દ્રનાથ, શરદચંદ્ર અને શેક્સપિયર જેવા સાહિત્યકારોને અનુવાદ દ્વારા અવતારવાના પ્રયત્નો થયા છે તે અનુવાદશાસ્ત્રની દૃષ્ટિએ તપાસવા જેવા છે. અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાની પ્રવૃત્તિએ અંગ્રેજી-ગુજરાતી અને ગુજરાતી-અંગ્રેજી કોશો, પારિભાષિક કોશો વગેરેના નિર્માણમાં મહત્વની સહાય કરી છે. ગુજરાતી સાહિત્યનાં વિષયવસ્તુ, પ્રકાર, નિરૂપણરીતિ, છંદોલય આદિને નવા વળાંકો આપવામાં અનુવાદ-પ્રવૃત્તિ એક મહત્વનું પ્રભાવક બળ બની રહેલી વરતાશે. ગુજરાતીમાં બ્લૅન્ક વર્સ, ડોલનશૈલી તેમજ નાટ્યપદ્યના ઉદભવ-વિકાસનું ઉદાહરણ આ સંદર્ભમાં નોંધવું રહ્યું.

ગુજરાતી માટે હિન્દી-વ્રજ ઘર-આંગણાની ભાષાઓ હોઈ, એ ભાષાઓના સાહિત્યને જાણવા-સમજવામાં અનુવાદની જરૂર પ્રમાણમાં ઓછી જ રહે. આપણા અનેક મધ્યકાલીન કવિઓ તેમજ કેટલાક અર્વાચીન કવિઓ તો ગુજરાતી ઉપરાંત વ્રજ-હિન્દીમાંય પ્રસંગોપાત્ત, કલમ ચલાવી દેનારા જણાય છે. આમ છતાં ગુજરાતીમાં ‘રામચરિતમાનસ’, ‘રસિકપ્રિયા’, ‘ભાષા-ભૂષણ’, ‘બિહારી સતસઇ’, ‘સુખમની’, ‘કબીર વચનાવલિ’, ‘ચિદંબરા’, ‘સંચયન’, ‘સવાશેર ઘઉં’, ‘જૂઠા સચ 1-2’, ‘યુગાંગ 1-2’, ‘વૉલ્ગાથી ગંગા’, ‘કોણાર્ક’, ‘રેવન્યૂ સ્ટૅમ્પ’ ‘ધીર સમીરે’ જેવી અનેક રચનાઓ હિન્દીમાંથી ઉતારવામાં આવી છે. ભારતની અનેક પ્રાદેશિક ભાષાઓનાં પુસ્તકો ગુજરાતીમાં ઉતાર્યાં તેમાં મુખ્ય પરિબળ તો દિલ્હીની સાહિત્ય અકાદમી તથા નૅશનલ બુક ટ્રસ્ટ જેવી સંસ્થાઓ છે. પ્રેમચંદ, સુમિત્રાનંદન પંત, જૈનેન્દ્રકુમાર, વિષ્ણુ પ્રભાકર, ધર્મવીર ભારતી, ગોવિંદ મિશ્ર જેવા કેટલાક હિન્દી સાહિત્યકારોના ગ્રંથો હવે ગુજરાતીમાં સુલભ થઈ રહ્યા છે. ગાંધીજીના પ્રભાવે તેમજ નવજીવન પ્રકાશનની પ્રવૃત્તિએ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોની રાષ્ટ્રભાષાના વિકાસને અનુલક્ષતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓએ અને જ્ઞાનપીઠ જેવી સંસ્થાઓએ હિન્દી-ગુજરાતી અનુવાદ-પ્રવૃત્તિને ઉત્તેજન અને દિશાબળ પૂરાં પાડ્યાં છે.

ગુજરાતની અનુવાદ-પ્રવૃત્તિમાં બંગાળી સાહિત્યનું માતબર પ્રમાણ ધ્યાન ખેંચે છે. બંકિમચંદ્ર, રવીન્દ્રનાથ અને શરદચંદ્ર જેવા સાહિત્યકારો તો જેટલા બંગાળીઓને છે એટલા જ નિકટના ગુજરાતીઓને છે ! ગુજરાતીમાં બંગાળીમાંથી અનુવાદ કરવાની પ્રવૃત્તિના શ્રીગણેશ થયા નારાયણ હેમચંદ્ર દ્વારા. તેમણે ‘આનંદમઠ’, ‘વિષવૃક્ષ’, ‘દુર્ગેશનંદિની’, ‘મૃણાલિની’ જેવી કૃતિઓ ગુજરાતને અનુવાદમાં સુલભ કરી આપી. એ પછી તો દ્વિજેન્દ્રલાલ રૉય, રવીન્દ્રનાથ, શરદચંદ્ર, જીવનાનંદ દાસ, ‘જરાસંધ’, દિલીપકુમાર રૉય, સુરેન્દ્રનાથ દાસગુપ્ત, મનોજ બસુ, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, તારાશંકર બંદોપાધ્યાય, વિમલ મિત્ર, પ્રેમેન્દ્ર મિત્ર, બુદ્ધદેવ બસુ, મૈત્રેયીદેવી, આશાપૂર્ણા દેવી, મહાશ્વેતા દેવી, શંકર, સુભાષ મુખોપાધ્યાય સુનીલ ગંગોપાધ્યાય જેવા અનેક બંગાળી સાહિત્યકારોની કૃતિઓ ગુજરાતીમાં સીધી બંગાળીમાંથી જ આવી. આ દિશામાં કાર્ય કરનારામાં નગીનદાસ પારેખ અને રમણલાલ સોની જેવા અનુવાદકો ઉપરાંત મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, જયંતિલાલ આચાર્ય, જુગતરામ દવે, સુરેશ જોષી, નિરંજન ભગત, શ્રીકાન્ત ત્રિવેદી, ચંદ્રકાન્ત મહેતા, રમણીક મેઘાણી, રજનીકાન્ત રાવળ, ભોળાભાઈ પટેલ, અનિલા દલાલ, પ્રસાદ બ્રહ્મભટ્ટ વગેરેનો ફાળો ઉલ્લેખનીય છે.

મરાઠી રંગભૂમિ સાથે તેના અંગ્રેજી કેળવણીના આરંભકાળે મરાઠીનાં કેટલાંક પુસ્તકો સાથે ગુજરાતે કામ પાડ્યું હોવા છતાં, બંગાળી અને હિન્દીના મુકાબલે મરાઠી ભાષામાંથી પ્રમાણમાં ઓછી કૃતિઓ ગુજરાતીમાં ઊતરી છે. તુકારામના અભંગો અને ‘જ્ઞાનેશ્વરી’ને ગુજરાતીમાં લાવનારા અનુક્રમે કિશોરલાલ મશરૂવાળા તથા કિશનસિંહ ચાવડા અને રત્નસિંહ દીપસિંહ પરમાર ખાસ તો વિ. સ. ખાંડેકરના તથા બીજા કેટલાક મરાઠી સાહિત્યકારોના ગ્રંથો ગુજરાતીમાં ઉતારનાર ગોપાલરાવ વિદ્વાંસ જેવા અનુવાદકો આ સંદર્ભમાં જાણીતા છે. નગીનદાસ પારેખ, વસંત ના. જોષી, ઠાકોરભાઈ દેસાઈ, રજનીકાન્ત રાવળ, ભારતી વૈદ્ય, જયા મહેતા, જશવંતી દવે, સુરેશ દલાલ, રમેશ જાની, જગદીશ જોષી, શકંતલા મહેતા, પ્રતિભા દવે વગેરેનાં નામો પણ આ ક્ષેત્રે ઉલ્લેખનીય છે. મરાઠીમાંથી ‘ગીતારહસ્ય’, ‘આપવીતી’, ‘શ્યામની મા’, ‘સ્મૃતિચિત્રો’, ‘વ્યાસપર્વ’, ‘યુગાન્ત’, ‘મારી કરમકથની’, ‘થેંક્યુ મિ. ગ્લાડ’, ‘ગારંબીના બાપુ’, ‘ભ્રમણગાથા’, ‘મૃત્યુંજય’, ‘મહાનાયક’ જેવી કેટલીક મૂલ્યવાન કૃતિઓ મળી છે. ગંગોત્રી ટ્રસ્ટે પણ સાત આધુનિક મરાઠી કવિઓની કવિતાનું ગ્રંથ-સપ્તક સુલભ કરી આપ્યું છે. એ ઉપરાંત બીજા કાવ્યાનુવાદો આ ટ્રસ્ટે આપ્યા છે.

અરબી-ફારસી-ઉર્દૂમાંથી જે અનુવાદો પ્રાપ્ત થયા તેમાં કુરાનના અનુવાદનું કાર્ય તો ખરું જ. તે ઉપરાંત ખુશરૂ, હાલી, નઝીર, હાફિઝ તથા ઉમ્મર ખય્યામ અને ઇકબાલ વગેરેની રચનાઓ પણ ગુજરાતીમાં ઊતરી છે. ઉમ્મર ખય્યામની રુબાઈઓના અનુવાદનો ઇતિહાસ રસપ્રદ છે. વળી અરેબિયન નાઇટ્સનોયે ગુજરાતના સર્જકો-અનુવાદકો પર પ્રભાવ રહ્યો છે. અરબી કવિ જિબ્રાનનું આકર્ષણ કિશોરલાલ, ધૂમકેતુ વગેરેએ અનુભવ્યું છે. કૃષ્ણચંદ્ર ને મન્ટો વગેરેની વાર્તાઓ, ‘આગનો દરિયો’ જેવી નવલકથાઓ પણ ગુજરાતીમાં આવી છે. જેમ અંગ્રેજી દ્વારા સૉનેટ, કરુણપ્રશસ્તિ જેવા કાવ્યપ્રકારો તેમ ફારસી-ઉર્દૂ દ્વારા ગઝલ જેવા પ્રકારો ગુજરાતીને સાંપડ્યા તેમાં અનુવાદપ્રવૃત્તિનોયે યત્કિંચિત્ ફાળો સ્વીકારવો ઘટે.

ગાંધીજીના આગમને, રાષ્ટ્રીયતાના ઉદયે, વિજ્ઞાન તેમજ યંત્રવિદ્યાના વિકાસે, આંતરરાષ્ટ્રીયતાવાદ અને વૈશ્વિક રાજ્યની ભાવનાએ અનુવાદ-પ્રવૃત્તિને નવું પરિમાણ સાંપડ્યું એમ કહેવું જોઈએ.

આ પ્રવૃત્તિ મનુષ્ય મનુષ્ય વચ્ચે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ઐક્ય અને શાંતિ સ્થાપવામાં, એમની વચ્ચે સમજદારી અને સમભાવનું વાતાવરણ વિકસાવવામાં ઘણી ઉમદા સહાય કરી શકે.

સ્વાતંત્ર્ય બાદ દિલ્હીમાં સાહિત્ય અકાદમી તેમજ નૅશનલ બુક ટ્રસ્ટ જેવી સંસ્થાઓ સ્થપાતાં રાષ્ટ્રીય એકાત્મતાના સંદર્ભમાં ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓના ઉત્કૃષ્ટ સાહિત્યને અનુવાદ દ્વારા અખિલ ભારતીય ભૂમિકા પર પ્રતિષ્ઠિત કરીને પ્રસારવાનું કાર્ય હાથ ધરાયું છે. તેના ફલસ્વરૂપે ગુજરાતીમાં હિન્દી, ઉર્દૂ, બંગાળી, ઊડિયા, તમિળ, તેલુગુ, મલયાળમ, કન્નડ આદિ ભાષાઓની અનેક સુંદર કૃતિઓ જે તે ભાષામાંથી સીધી રીતે યા તો અંગ્રેજી-હિન્દી દ્વારા ઊતરી આવી છે. દક્ષિણની કૃતિઓમાંના સીધા તે તે ભાષામાંથી અનુવાદ કરનારા નવનીત મદ્રાસી, કમલ જસાપરા જેવા અનુવાદકો પ્રમાણમાં જૂજ છે. ‘કથાભારતી’, રાષ્ટ્રીય ચરિત્રમાળા જેવી વિવિધ પ્રકારની શ્રેણીઓ અનુવાદપ્રવૃત્તિના ઉત્કર્ષમાં લાભદાયી રહી છે.

ગુજરાતની અનુવાદ-પ્રવૃત્તિને જેમ કેળવણીનું તેમ પત્રકારત્વનું સારું પીઠબળ રહ્યું છે. ‘કાવ્યાયન’, ‘પરકીયા’ જેવા ગ્રંથો એ પ્રવૃત્તિનાં જ ફળ છે. ‘નવજીવન’, ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’, ‘રેખા’, ‘સંસ્કૃતિ’, ‘કુમાર’, ‘ગ્રંથ’ ‘કવિલોક’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘એતદ્’ જેવાં સામયિકોએ પરદેશી સાહિત્યસામગ્રી તરફ ગુજરાતીઓને અભિમુખ કરવામાં સારો ભાગ ભજવ્યો છે. તેમના દૃષ્ટિમંત સંપાદકોએ પ્રસંગોપાત્ત અનુવાદ-પ્રવૃત્તિનોયે લાભ લીધો છે. સુરેશ જોષીએ તો ‘સેતુ’ (1984) સામયિક દ્વારા જેમ અન્ય સાહિત્યને ગુજરાતીમાં તેમ ગુજરાતી સાહિત્યને ગુજરાત બહાર પહોંચાડવાનો ઉપક્રમ પણ શરૂ કરેલો. ગુજરાતી અનુવાદ દ્વારા ઇતર ભાષાઓનું સાહિત્ય જેટલું ગુજરાતીમાં લાવી શકાયું છે એટલું ગુજરાતીનું સાહિત્ય ગુજરાત બહાર મોકલી શકાયું નથી અને તેથી ગુજરાતી સાહિત્યને કેટલુંક વેઠવાનું પણ થયું છે.

ગુજરાતીમાં અનુવાદ-પ્રવૃત્તિનો જે વિકાસ-વિસ્તાર થયો તેમાં ગાંધીજી, ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન પ્રકાશનમંદિરનું પીઠબળ ખાસ ઉલ્લેખવું જોઈએ. ગાંધીજી પોતે સારા અનુવાદના ભારે આગ્રહી હતા. તેમણે અનુવાદક્ષેત્રેય પોતાની શક્તિ બતાવી છે. તેમની આસપાસ કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ, નરહરિ પરીખ, સ્વામી આનંદ, વાલજી ગોવિંદજી દેસાઈ, ચંદ્રશંકર શુકલ, મુનિ જિનવિજયજી, રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ પારેખ, પંડિત બેચરદાસ, રસિકલાલ છો. પરીખ, જુગતરામ દવે, મગનભાઈ પ્ર. દેસાઈ, ગોપાળદાસ પટેલ વગેરેની જે મંડળી હતી – તેણે જે અનુવાદસેવા કરી છે તે ગુજરાતી અનુવાદ-સાહિત્યનું એક ઊજળું પ્રકરણ છે. આ પ્રકરણમાં ઉમાશંકર, સુન્દરમ્ જેવા ઉત્કૃષ્ટ સર્જક-અનુવાદકોનુંયે માનભર્યું સ્થાન છે. ગાંધીશાળાના અનુવાદકોએ રસ્કિન, થૉરો, તૉલ્સ્તૉય જેવા મનીષીઓ, જેમનું ગાંધીવિચાર સાથે અનુસંધાન છે, તેમના સાહિત્યનો અનુવાદ કરવામાં સવિશેષ ઉત્સાહ દાખવ્યો છે. ગુજરાતમાં તૉલ્સ્તૉયના ગ્રંથોના અનુવાદો જ કેટલા બધા છે ! ગાંધીજીથી માંડીને જિતેન્દ્ર દેસાઈ સુધી અનેકનું એમાં પ્રદાન છે. જયંતિ દલાલે તો ‘યુદ્ધ અને શાંતિ’ના ચાર ભાગ આપીને ગુજરાતી પ્રજાની ઉમદા સાહિત્યસેવા કરી છે. આ અનુવાદપ્રવૃત્તિએ — ખાસ કરીને ગાંધીપ્રભાવિત અનુવાદકોની અનુવાદપ્રવૃત્તિએ  ગુજરાતી ગદ્યના ઘડતર-વિકાસમાં સંગીન અર્પણ કર્યું છે.

ગુજરાતી અનુવાદપ્રવૃત્તિના વિકાસમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારનાં કેટલાંક ખાતાંઓ ઉપરાંત નેહરુ બાલ પુસ્તકાલય, અરવિંદ આશ્રમ, રામકૃષ્ણ મિશન, શિવાનંદ પ્રચાર સમિતિ, થિયૉસૉફિકલ લૉજ, ઇસ્કોન, ખ્રિસ્તી મિશનો, ભાષાંતરનિધિ, ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત સાહિત્ય સભા જેવી સાહિત્યિક સંસ્થાઓ, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ભારતીય વિદ્યાભવન, આઇ.એન.ટી., દર્પણ, નાટ્યસંપદા, કોરસ જેવી નાટ્યસંસ્થાઓ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય અને લોકમિલાપ જેવી પ્રકાશનસંસ્થાઓ તથા એ પ્રકારનાં વિવિધ મંડળોનો સમાવેશ થાય છે. અનુવાદો માટે પારિતોષિકો અને પુરસ્કારો પ્રદાન કરતી યોજનાઓ અને રેડિયો, ટી.વી. જેવાં પ્રચારમાધ્યમો પણ એ પ્રવૃત્તિનાં પ્રેરક-પ્રોત્સાહક રહ્યાં છે. રંગભૂમિએ પણ અનુવાદ-રૂપાંતરની પ્રવૃત્તિનો પરિતોષ કર્યો છે; જેના કારણે તો ચંદ્રવદન મહેતા, ધનસુખલાલ મહેતા, ચુનીલાલ મડિયા, પ્રાણજીવન પાઠક, દુર્ગેશ શુક્લ, જશવંત ઠાકર, પ્રફુલ્લ ઠાકોર, શિવકુમાર જોષી ઉપરાંત મધુ રાય, સિતાંશુ યશશ્ચંદ્ર, સુભાષ શાહ આદિના અનુવાદો-રૂપાંતરો મળેલાં છે.

ગુજરાતી અનુવાદપ્રવૃત્તિની કેટલીક મર્યાદાઓ છતાં એકંદરે તે ભારત અને ભારત બહારના બીજી ભાષાઓના અનેક સત્વશીલ સમર્થ અને પ્રયોગશીલ સર્જકો-સાહિત્યકારોનો પરિચય કરાવવામાં મદદરૂપ થઈ છે. અનુવાદપ્રવૃત્તિ જે તે સાહિત્યકારની કારયિત્રી તેમજ ભાવયિત્રી પ્રતિભા માટે પુષ્ટિદાયી ટૉનિકની ગરજ સારતી હોય છે.

કેશવ હર્ષદ ધ્રુવ, ચંદ્રશંકર શુક્લ, સ્વામી આનંદ, મકરંદ દવે, ઉમાશંકર, સુન્દરમ્ ને ઝવેરચંદ મેઘાણી, મ. પ્ર. દેસાઈ ને ગોપાળદાસ પટેલ, નગીનદાસ પારેખ, નિરંજન ભગત ને સુરેશ જોષી જેવા અનુવાદકર્મે જાગ્રત, તેજસ્વી સાહિત્યકારોની સંખ્યા ઝાઝી જોવા મળતી નથી. ‘અભિજ્ઞાનશાકુંતલ’ કે ‘ઉત્તરરામચરિત’ના ઉમાશંકરના અનુવાદો જેવા અનુવાદોની સંખ્યા ઝાઝી નહિ મળે.

ગુજરાતી ભાષામાં બાળ-કિશોરો માટેના અનૂદિત-રૂપાંતરિત સાહિત્યમાં મૂળશંકર મો. ભટ્ટ, રમણલાલ સોની, જુગતરામ જેવાઓ કેટલા એ પ્રશ્ન છે. બાળ અને કિશોર સાહિત્યક્ષેત્રે અનુવાદ-રૂપાંતરની પ્રવૃત્તિ અનુકરણના મુકાબલે વધે તે ઇચ્છવાયોગ્ય ખરું.

ગુજરાતી અનુવાદ-સાહિત્ય કેટલાક વિષયોમાં તો માંગ અને પુરવઠાના નિયમને વશ વર્તતું હોય એવું જોવા મળે છે – ખાસ કરીને લલિતેતર સાહિત્યના સંદર્ભમાં. ગુજરાતી ભાષા કેળવણીનું માધ્યમ થતાં, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે અનેક ગ્રંથો ગુજરાતીમાં આવતા થયા. તેમાં આયુર્વેદ, જ્યોતિષ, ઇતિહાસ, ભૌતિક અને રસાયણવિજ્ઞાનો, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયોના ગ્રંથોની સંખ્યા ઠીક ઠીક છે.

ગુજરાતીમાં તબીબી વિજ્ઞાનના ગ્રંથો, ઇજનેરી વિદ્યાના ગ્રંથો અપેક્ષિત પ્રમાણમાં ઊતર્યા નથી. એ દિશામાં ગ્રંથનિર્માણ બૉર્ડની કામગીરી આશ્વાસનરૂપ છે, છતાં તેનાયે વિકાસ માટે ઘણી શક્યતાઓ છે.

અનુવાદના ગ્રંથો ઝાઝા વંચાતા નથી એવી એક લાગણી અનુવાદક્ષેત્રે પ્રવર્તે છે, પણ તે બધે જ વજૂદવાળી નથી. રામાયણ–મહાભારતના અનુવાદો, રામકૃષ્ણ-વિવેકાનંદના ગ્રંથો સારી પેઠે વંચાય છે જ. ‘ન હન્યતે’ જેવી નવલકથાની ટૂંકા ગાળામાં ત્રણ આવૃત્તિઓ થઈ એ હકીકત છે. પ્રશ્ન અનુવાદ સ્વાભાવિકતયા ને રસાત્મક રીતે થયો છે કે નહિ તેનો છે.

સારા અનુવાદ કરવા, રૂપાંતર કરવાં એ યથેચ્છ હવા-ઉજાશ લેવા-માણવા માટે બારી-બારણાંને ખુલ્લાં રાખવાં જેવી વાત છે. એથી સરવાળે તો જેમાંથી અનુવાદ-રૂપાંતર થાય છે તે ભાષા-સાહિત્યનો અને જેમાં તે થાય છે તે ભાષા-સાહિત્યનો ઉભયનો ઉત્કર્ષ સધાય છે. અનુવાદ-રૂપાંતરની પ્રવૃત્તિ દ્વારા, કાવ્યાયન-સાહિત્યાયન દ્વારા પણ સાહિત્યરસિકો પોતાના ચૈતસિક વિસ્તાર અને વૈભવનો આનંદમૂલક સાક્ષાત્કાર કરી શકે છે.

ચન્દ્રકાન્ત શેઠ