અનુપમાદેવી : ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન 13મી સદીમાં થયેલા ધોળકાના વાઘેલા રાણા વીરધવલના મંત્રી તેજપાલની પત્ની. શ્રી વસ્તુપાલ–તેજપાલ રાજા વીરધવલના મંત્રીઓ હતા. તેઓએ ભારતમાં અનેક તીર્થસ્થાનો તથા ધર્મસ્થાનો કરાવ્યાં હતાં. અનુપમાદેવી શ્યામવર્ણનાં હોઈ તે તેજતપાલને ગમતાં નહોતાં. પરંતુ બુદ્ધિમાં તેઓ તેજસ્વી હતાં, જાણે કે સરસ્વતીનો અવતાર ! સંસારના પ્રશ્નો ઉકેલવામાં તેઓ બુદ્ધિશાળી હતાં; એટલું જ નહિ, પણ રાજકારણની ગૂંચ ઉકેલવામાં પણ તેઓ એટલાં જ શક્તિશાળી હતાં.

અનુપમાદેવી
વિનય, વિવેક, ઔચિત્ય અને વિદ્વત્તાને લીધે અનુપમાદેવી વસ્તુપાલ અને તેજપાલ જેવા મંત્રીઓનાં પ્રેરણાદાયી અને સલાહકાર બન્યાં હતાં. તેમની પ્રેરણાથી તેઓએ અનેક જિનપ્રસાદો રચાવ્યા. જેમાં આબુ ગિરિરાજ પર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લુણિગવસહી નામે મનોહર, કલામય અને કોતરણીયુક્ત ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો. અનુપમાદેવી શિલ્પીઓની ખૂબ જ અનોખી રીતે સંભાળ રાખતાં હતાં, માતાની જેમ જ સંભાળ લેતાં હતાં. શિલ્પીઓની માવજત કરી, બધાંને પૂરતી રકમ આપી આબુમાં જિનાલયોની ઉત્તમ રચના કરી, જે આજે પણ બેજોડ પ્રશંસાને પાત્ર રહી છે.
વસ્તુપાળ અને તેજપાળ શેત્રુંજય અને ગિરનારની યાત્રાએ નીકળ્યા. લાંબી યાત્રાએ નીકળ્યા હોઈ સંપત્તિ તો વધારે હોય જ. તે સમયે સોરઠમાં લૂંટારાઓનો ભય રહેતો હતો. તેથી તેમને પાસે રહેલી સંપત્તિમાંથી તેનો ત્રીજો ભાગ જંગલમાં જમીનમાં ભંડારી દેવાનું નક્કી કર્યું. રાત્રિના સમયે બંને ભાઈઓ પોતાની પાસે રહેલી સંપત્તિ જમીનમાં દાટવા ગયા. ત્યાં તો જમીનમાંથી સોનામહોરો ભરેલો ચરુ મળી આવ્યો. તેથી તેઓએ વિચાર્યું કે આ આપણું ધન નથી, તેથી તેનો શો ઉપયોગ કરવો ? આ અંગે અનુપમાદેવીની સલાહ લેતાં તેમણે જણાવ્યું કે, ધનને જમીનમાં દાટવા કરતાં ઊંચે શિખર પર મૂકવું જોઈએ. એમાં માનવી અને સંપત્તિ બંનેની શોભા છે. લોભી વ્યક્તિ ધનને દાટીને અધોગતિ પામે છે. એ જ ધનને ઊંચે ગિરિવરો ઉપર જિનાલયોમાં ખર્ચીને ઊર્ધ્વગતિ પણ મેળવી શકાય. માટે શેત્રુંજય અને ગિરનાર તીર્થના ઉદ્ધારમાં આ ધનનો ઉપયોગ કરીએ તેવો વિચાર અનુપમાદેવીએ જણાવ્યો. વસ્તુપાળના અંતરમાં અનુપમાદેવીની વાત વસી જતાં શેત્રુંજય અને ગિરનાર તીર્થોમાં ધન વાપરી કાયમી સંભારણું વસાવ્યું.
અનુપમાદેવી એમની ઉદાર ધર્મભાવના અને સર્વ દર્શનો પ્રત્યેના સમાન ભાવને લીધે એમને ‘ષડ્દર્શન-માતા’નું ગૌરવવંતુ બિરુદ પ્રાપ્ત થયું.
કનુભાઈ શાહ
પ્રવીણચંદ્ર પરીખ