અનુચુંબકત્વ (paramagnetism) : પ્રબળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં ક્ષેત્રની દિશામાં નિર્બળ આકર્ષણ અનુભવવાનો પદાર્થનો ગુણધર્મ. આ ઘટનાનો અભ્યાસ સૌપ્રથમ માઇકેલ ફેરેડેએ 1845માં કર્યો હતો. જો પદાર્થ આકર્ષણ લગાડેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આકર્ષાય તો તે ગુણધર્મ પ્રતિચુંબકત્વ (diamagnetism) કહેવાય. બંને કિસ્સામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોવા છતાં અસરની પ્રબળતા ઓછી હોય છે.

પદાર્થમાં રહેલા એક કે વધુ અયુગ્મિત (unpaired) ઇલેક્ટ્રૉનને લીધે તેમનામાં અનુચુંબકત્વનો ગુણ ઉત્પન્ન થાય છે. આવા પદાર્થોને કાયમી ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) હોય છે, જે બાહ્ય ચુંબકક્ષેત્રની અનુપસ્થિતિમાં પણ પદાર્થમાં રહેલી હોય છે. અયુગ્મિત ઇલેક્ટ્રૉનના ‘સ્પિન અને કક્ષક (orbital)’ એમ બે કોણીય વેગમાન(angular momentum)ને લીધે આવી ચુંબકીય ચાકમાત્રા ઉદભવે છે. આથી આવા પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમની ચુંબકીય ચાકમાત્રાને લીધે તેઓ ક્ષેત્રની દિશામાં રેખીય (1800 ઉપર) દિકસ્થિતિ પ્રાપ્ત કરે છે, એટલે કે ગોઠવાઈ જાય છે. તેને લીધે પદાર્થ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે અને તેમાંથી ચુંબકીય ક્ષેત્રની રેખાઓ વધુ સંખ્યામાં પસાર થઈ શકે છે. આવી ચુંબકીય રેખાઓની સંખ્યા પદાર્થમાં વધે કે ઘટે તેને ચુંબકીય ગ્રહણશીલતા (susceptibility) કહે છે. જો સંખ્યા વધે તો ગ્રહણશીલતા ધન કહેવાય અને તે ઘટે તો ઋણ કહેવાય. ધન ગ્રહણશીલતાવાળા પદાર્થો અનુચુંબકીય પદાર્થો કહેવાય છે અને ઋણ ગ્રહણશીલતાના ગુણને પ્રતિચુંબકત્વ કહે છે. ધન ગ્રહણશીલતાનું મૂલ્ય ઘણું નાનું 0થી 104 સે.મી.ગ્રા.સે. એકમ હોવાથી અનુચુંબકત્વના વિવરણ માટે સામાન્યત: વધુ અનુકૂળ એવો ચુંબકીય ચાકમાત્રાનો ગુણ વધુ વપરાય છે. અનુચુંબકીય પદાર્થોને ચોક્કસ કાયમી ચાકમાત્રા હોય છે, પણ પ્રતિચુંબકીય પદાર્થોને શૂન્ય ચાકમાત્રા હોય છે.

લોખંડ, કોબાલ્ટ અને નિકલ જેવી ધાતુઓમાં રહેલા લોહચુંબકત્વ(ferro-magnetism)ના ગુણધર્મને લીધે તે ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળતાથી આકર્ષાય છે. ઍલ્યુમિનિયમ જેવા પદાર્થોમાં અનુચુંબકત્વ રહેલું છે, જ્યારે બિસ્મથમાં પ્રતિચુંબકત્વ છે. ક્ષેત્રની તીવ્રતા અને પદાર્થની ચુંબકીય ગ્રહણશીલતા અનુસાર બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુકાયેલા પદાર્થ ઉપર લાગતા આકર્ષણબળમાં વધઘટ થાય છે. આ સંબંધનો ઉપયોગ ગોયની તુલા પદ્ધતિમાં કરીને પદાર્થની ચુંબકીય ગ્રહણશીલતા માપવામાં આવે છે. તેના ઉપરથી પદાર્થની ચુંબકીય ચાકમાત્રાની ગણતરી થાય છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થ રેખીય દિકસ્થિતિ પ્રાપ્ત કરે તેનો વિરોધ તેનું તાપમાન કરે છે, જે તેની દિકસ્થિતિને અવ્યવસ્થિત કરી નાખે છે. તેને પરિણામે ગ્રહણશીલતા અને તાપમાન પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં આવે છે જે નીચેના સૂત્ર (ii) પરથી જોઈ શકાય છે.

χM = ……………………………………………………………(i)

(જો μ B. M. બ્હોર મૅગ્નેટૉન એકમમાં હોય તો.)

 = ચુંબકીય ગ્રહણશીલતા

μ = ચુંબકીય ચાકમાત્રા

N  = એવોગેડ્રો સંખ્યા

k  = બોલ્ટ્ઝમૅન અચળાંક

T  = નિરપેક્ષ તાપમાન

આ સમીકરણમાં તથા T સિવાયનાં બધાં અચળ હોવાથી નીચેનું સૂત્ર મળે છે :

…………………………………………………………..(ii)

C = ક્યુરી અચળાંક =

વધુ સામાન્ય રૂપ છે. જેમાં θ વાઇઝ અચળ છે, જે સંઘનિત (condensed) ચુંબકીય પદાર્થોમાં અગત્ય ધરાવે છે. પરંતુ ચુંબકીય દૃષ્ટિએ મંદ (magnetically dilute) પદાર્થો માટે તેનું મૂલ્ય શૂન્ય હોવાથી સમીકરણ (ii) જ અગત્યનું છે. (i)માં અચળોનાં મૂલ્યો મૂકવાથી ઉપયોગી સૂત્ર (iii) મળે છે.

………………………………………………..(iii)

આવી ગણતરીથી મેળવેલ ચુંબકીય ચાકમાત્રા પદાર્થોના ઘણા ગુણધર્મોને સમજવામાં મદદ કરે છે. ઘણા પદાર્થોમાં, ખાસ કરીને પ્રથમ સંક્રાન્તિ (transition) તત્વોનાં આયનોમાં, કક્ષક કોણીય વેગમાન ક્વૉન્ટમ આંક શૂન્ય (l = 0) હોય છે, જેથી ચુંબકીય ચાકમાત્રા માત્ર તેના સ્પિન કોણીય વેગમાન ઉપર આધાર રાખે છે. તેનું મૂલ્ય નીચે પ્રમાણે છે.

μ (સ્પિન-માત્ર)

અત્રે s = કુલ સ્પિન-ક્વૉન્ટમ આંક અને n = અયુગ્મિત ઇલેક્ટ્રૉનની સંખ્યા છે. સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય n = 1,2,3,4 અને 5 માટે μ(B.M.) અનુક્રમે 1.73, 2.83, 3.88, 4.9 અને 5.93 થાય. ગોય પદ્ધતિ વડે

ચુંબકીય ચાકમાત્રા મેળવીને પદાર્થમાં રહેલાં અયુગ્મિત ઇલેક્ટ્રૉનની સંખ્યા આ રીતે શોધી શકાય છે. આ સંખ્યા જાણવાથી પદાર્થમાં રહેલ પરમાણુની ઉપચયન (oxidation) સ્થિતિ, તેનો ઇલેક્ટ્રૉન-વિન્યાસ અને તેની સંરચના વિશે માહિતી મેળવી શકાય છે. કક્ષકીય વેગમાન પૂર્ણતયા શૂન્ય ન હોય તેવું પણ ઘણી વાર બને છે. આવા સંજોગોમાં ચાકમાત્રાનું મૂલ્ય સ્પિન-માત્ર મૂલ્ય કરતાં સામાન્યત: થોડું વધારે અને કેટલાક કિસ્સાઓમાં થોડું ઓછું હોય છે. ચાકમાત્રાના મૂલ્યની ‘સ્પિન-માત્ર’ મૂલ્યથી આવી ભિન્નતા અણુની (ખાસ કરીને સંક્રાંતિ તત્વોના અણુની) સંરચના સમજવામાં કેટલીક વાર બહુ ઉપયોગી નીવડે છે.

લેન્થેનાઇડ તત્વોનાં સંયોજનોમાં અને ઘણા વાયુરૂપ અણુઓમાં ચાકમાત્રાના મૂલ્યમાં કક્ષકીય ફાળો સવિશેષ હોય છે, તે તેમના અનુચુંબકત્વની ખાસિયત છે.

લ. ધ. દવે

કમલનયન ન. જોષીપુરા

પ્રહલાદ બે. પટેલ