અનુઓ (પુરાણોમાં) : યયાતિના પુત્ર અનુના વંશજો. વાયુ, બ્રહ્માંડ, બ્રહ્મ, હરિવંશ, મત્સ્ય, વિષ્ણુ વગેરે પુરાણોમાં અનુઓ વિશે માહિતી મળે છે. અનુ યયાતિનો પુત્ર હતો અને તેને ગંગા-યમુનાના દોઆબનો ઉત્તર ભાગ મળ્યો હતો. તેના વંશમાં થયેલા ઉશીનર અને તિતિક્ષુ નામના બે ભાઈઓથી શાખાઓ પડી. ઉશીનરના વંશજો યૌધેયો, શિબિ, મદ્રક, કેકય, ગાંધાર, અંબષ્ઠ અને સૌવીરોએ પંજાબમાં સેંકડો વર્ષો સુધી રાજ્ય કર્યું, જ્યારે તિતિક્ષુ અને તેના વંશમાં થયેલા વૃષસેન, ગય, અંગ, રોમપાદ, અધિરથ વગેરેએ પૂર્વ બિહારમાં રાજ્ય કર્યું.
પ્રવીણચંદ્ર પરીખ