અનિષ્ટ : ઇષ્ટ નહિ તે. ઇષ્ટનો મુખ્ય અર્થ ‘ધર્મકાર્ય’ થાય છે. તેથી અનિષ્ટ એટલે અધર્મ એવો અર્થ થાય. શ્રીમદ્ભગવદ્ગીતામાં ‘समचितत्वमिष्टानिष्टोपपतिषु’ (‘સારા અને માઠા પ્રસંગે સમચિત્તત્વ’) એમ ઉલ્લેખ છે તે ઉપરથી અનિષ્ટ એટલે વિષાદપ્રેરક એવો અર્થ નીકળે. સુપ્રસિદ્ધ મીમાંસક મંડનમિશ્રે કહ્યું છે કે કોઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ ત્યારે જ થાય છે, જ્યારે વ્યક્તિને એમ લાગે કે એ કાર્ય મારું ઇષ્ટ સાધનાર છે. ઇષ્ટસિદ્ધિ માણસને પ્રવૃત્તિમાં પ્રેરનાર મુખ્ય તત્ત્વ છે. કોઈ પણ કાર્યની પ્રવૃત્તિમાં હેતુભૂતધર્મ(ઇષ્ટ સાધના)ને જ પ્રવર્તના કહેવાય છે. પોતાનું અનિષ્ટ કરનાર કાર્ય હોય તેમાં માણસની પ્રવૃત્તિ થતી નથી. દર્શનશાસ્ત્રમાં ‘અનિષ્ટ પ્રસંગ’નો ઉલ્લેખ આ પ્રમાણે આવે છે : अनभिमत अर्थ-आपादनम्. તેનો અર્થ એ છે કે પોતાને અભિમત ન હોય તે અર્થનો સ્વીકાર તે અનિષ્ટ છે. ખંડનમંડનચર્ચામાં પણ અગ્રાહ્ય વિચાર કે વિધાનને અનિષ્ટ કહ્યાં છે. વ્યવહારમાં પણ અનુકૂળ વ્યક્તિ, ક્રિયા, ઘટના, ઇત્યાદિનો વિયોગ અને પ્રતિકૂળનો સંયોગ અનિષ્ટ ગણાય છે.
ચન્દ્રકાન્ત મહેતા