અનિદ્રા (insomnia) : ઊંઘ ન આવવાની તકલીફ. અનિદ્રા સાપેક્ષ તકલીફ છે. કાયમ ચારથી પાંચ કલાક સૂવા ટેવાયેલા માટે તેટલી ઊંઘ પૂરતી હોય છે. પણ છથી સાત કલાક સૂવા ટેવાયેલા માટે ચાર કલાકની ઊંઘ અપૂરતી હોઈ શકે. નવજાત શિશુ આશરે 18 કલાક ઊંઘે છે. નાનાં બાળકો દિવસના બાર કલાક કે તેથી પણ વધારે ઊંઘે છે. જ્યારે વૃદ્ધોને 24 કલાકમાં 3થી 4 કલાકની ઊંઘ પણ પૂરતી થઈ પડે છે. અનિદ્રાની તકલીફને બે પ્રકારમાં વહેંચી શકાય : (1) ઊંઘ આવવામાં તકલીફ એટલે કે રોજિંદા ક્રમ મુજબ પથારીમાં પડ્યા પછી ઊંઘ મોડી આવવી તે. (2) ઊંઘમાંથી વારંવાર જાગી જવું કે રોજિંદા સમય કરતાં ઘણાં વહેલાં જાગી જવું તે. કોઈ એક વ્યક્તિને આ બંને તકલીફો એકસાથે પણ હોઈ શકે.
અનિદ્રા રોગ નહિ પણ રોગનું એક લક્ષણ છે. તેનાં અનેક કારણો હોઈ શકે. વર્ષ દરમિયાન વસ્તીના લગભગ 30 ટકા લોકો ક્યારેક અનિદ્રાથી પીડાય છે અને તેની સારવાર લે છે. અનિદ્રાના લગભગ અડધા કિસ્સાઓમાં માનસિક પરિબળો ભાગ ભજવે છે. આ પરિબળોમાં ચિંતા, માનસિક તનાવ, ઊંઘવાનો અકારણ ભય (phobia), ખિન્નતા (depression) વગેરેનો સમાવેશ થાય છે. ઊંઘવાની સામાન્ય પરિસ્થિતિમાં ફેરફાર, કામના સમયમાં વારંવાર થતો ફેરફાર, લાંબા અંતરની અને જુદા જુદા સમયખંડો(time-zones)માં મુસાફરી પણ અનિદ્રાના કારણ રૂપે હોઈ શકે. પીડાજનક શારીરિક બીમારીમાં અનિદ્રા સામાન્ય તકલીફ હોય છે. કૉફી, આલ્કોહૉલ, ગર્ભનિરોધક ગોળીઓ, કેટલીક દવાઓ અને અંત:સ્રાવો (hormones) લેવાથી પણ અનિદ્રા થાય છે. કેટલીક નશાકારક દવાઓ અને પદાર્થો લાંબો સમય લીધા પછી અચાનક લેવાનાં બંધ કરવામાં આવે ત્યારે પણ અનિદ્રાની તકલીફ થાય છે. અનિદ્રાનાં બહુ ઓછાં જોવાં મળતાં કારણોમાં અતિગલગ્રંથિતા (hyperthyroidism) અને મજ્જાસેતુ (brain stem) અને અધશ્ચેતક(hypothalamus)ના રોગોનો સમાવેશ થાય છે. અનિદ્રાની તકલીફ જેમાં મુખ્ય હોય તેવી શારીરિક બીમારીમાં નિદ્રા દરમ્યાન શ્ર્વાસ અટકી જવો (sleep-apnoea), રાત્રે સ્નાયુઓમાં આંચકા આવવા (nocturnal myoclonus) અને પગનું કળતર (restless leg syndrome) વગેરેનો સમાવેશ થાય છે. આ બીમારીઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે.
અનિદ્રાની સારવાર માટે સૌપ્રથમ દરદીની પૂરેપૂરી તબીબી અને માનસિક તપાસ જરૂરી બને છે. નિદ્રાની ખાસ પ્રયોગશાળામાં (sleep laboratory) અનિદ્રાની વિશિષ્ટ તપાસ થઈ શકે છે. અનિદ્રાના કારણની ઊંડાણથી તપાસ કર્યા પહેલાં ઘેનની દવા આપવામાં આવતી નથી. મૂળ કારણ દૂર કરવાથી અનિદ્રાની તકલીફ દૂર થઈ જાય છે. જેમ કે, ખિન્નતા (depression) માટેની ખાસ સારવાર આપીને, ઊંઘવાની રોજિંદી પરિસ્થિતિમાં થયેલો ફેરફાર દૂર કરીને, દુખાવો પેદા કરતી શારીરિક બીમારીનો ઇલાજ કરીને અને અનિદ્રા પેદા કરતા પદાર્થોનું સેવન બંધ કરીને અનિદ્રાની તકલીફ દૂર થઈ શકે છે.
જ્યારે ચોક્કસ સારવારથી અનિદ્રાનું દૂર કરી શકાય તેવું કારણ ન જડે ત્યારે કેટલીક સાદી પદ્ધતિઓ અનિદ્રા દૂર કરવા વાપરી શકાય. કેટલીક વ્યક્તિઓમાં ચોક્કસ પ્રકારના ખાદ્ય પદાર્થોથી અનિદ્રા દૂર થાય. અતિશય શ્રમ ન પડે તેવી હળવી કસરત સાંજના સમયે કરવાથી પણ અનિદ્રામાં રાહત થાય. રોજિંદી પ્રવૃત્તિઓમાં નિયમિતતા લાવવાથી પણ અનિદ્રાની તકલીફ ઓછી થઈ શકે. સ્નાયુઓ શિથિલ (relaxation) કરવાની કેટલીક રીતો, સ્વ-સંમોહન (autohypnosis) અને ધ્યાન (meditation) પણ અનિદ્રા દૂર કરવામાં મદદ કરે છે. આમ છતાં, ક્યારેક અનિદ્રા માટે ઘેનની દવાઓ(hypnotics)ની જરૂર પડે છે. જેમ કે, કેટલીક ટૂંકી શારીરિક બીમારીઓ દરમિયાન, પર્યાવરણમાં ફેરફાર કે લાંબી મુસાફરી પછી કોઈ વાર દવા અપાય છે તે અનિદ્રા માટેનો ટૂંકા ગાળાનો ઉપાય છે એવી સમજ સાથે ઊંઘની દવા આપવામાં આવે છે. હાલમાં ઊંઘની દવા તરીકે વધારે પ્રચલિત અને પ્રમાણમાં ઓછી નુકસાનકારક દવાઓમાં બેન્ઝોડાયાઝેપિન્સ નામનો દવાઓનો સમૂહ વપરાય છે.
ભરત નવીનચંદ્ર પંચાલ