અનિક બિસ્તર (1980) : આધુનિક પંજાબી કવિતાસંગ્રહ. પંજાબીના 1960 પછીના ગાળાના કવિ પ્રીતમસિંહ ‘સફીર’નાં 48 કાવ્યો આ સંગ્રહમાં સમાવિષ્ટ છે. આ સંગ્રહમાં એક તરફ રંગદર્શિતા છે, તો બીજી તરફ રહસ્યવાદ છે. રંગદર્શિતાની પાંખે ઊડીને કવિ આધ્યાત્મિક ગૂઢજ્ઞાનને આંબવા મથે છે, જોકે કૃષ્ણગોપીનાં કે સૂફીવાદનાં કાવ્યોમાં આ પરંપરા દૃષ્ટિએ પડે છે. એમની કવિતાનો પ્રેરણાસ્રોત ‘ગુરબાની’ છે. એમની કવિતા પર ગુરુ ગોવિન્દસિંહના વ્યક્તિત્વની પણ ઘેરી છાપ છે. એમાં ઈશ્વરને પ્રિયતમ તરીકે સંબોધ્યો છે અને ભક્તિને પ્રણયની પરિભાષામાં ગાઈ છે.

ગુરુબક્ષસિંહ