અનવરી (1185 આસપાસ હયાત) : ફારસી વિદ્વાન. અનવરીની જન્મતારીખ અને તેમના જીવન વિશે ખાસ માહિતી મળતી નથી. તે દશ્તે ખાવરાનમાં આવેલ મેહનાની પાસેના અલીવર્દ નામના ગામે જન્મેલા. તેથી શરૂઆતમાં એમણે પોતાનું તખલ્લુસ ‘ખાવરી’ રાખ્યું હતું. પાછળથી અનવરી રાખ્યું. તૂસમાં આવેલ મનસૂરીયાહ નામના મદરેસામાં તેઓ ભણેલા. તર્કશાસ્ત્ર, ખગોળવિદ્યા, ભૂમિતિ, જ્યોતિષ વગેરે વિદ્યાઓમાં તેઓ પારંગત હતા. સ્વભાવે વિદ્યાવ્યાસંગી હોવા છતાં, એક કવિના ઠાઠથી અંજાઈને કસીદાલેખન તરફ વળ્યા હોવાનું કહેવાય છે. તેમને સલજૂક વંશના સુલતાન સંજર સાથે સંબંધ હતો. અનવરીએ આંધી અંગે કરેલ એક આગાહી ખોટી પડી હતી. તેથી તેમની પ્રતિષ્ઠાને પારાવાર નુકસાન થયું હતું. આ બનાવ પછી થોડા સમયે તેમનું અવસાન થયું હતું એમ કેટલાકનું માનવું છે.

ઝુબેર કુરેશી