અનવસ્થા (ન્યાય) : તર્કમાં સંભવિત એક દોષપ્રકાર. કોઈ અજ્ઞાતસ્વરૂપ બાબત (ઉપપાદ્ય) અંગે ખુલાસા(ઉપપાદક)ની કલ્પના તે તર્ક. એ તર્કમાં જ્યારે અનવસ્થાદોષ પ્રવેશે ત્યારે દરેક ઉપપાદક-ઉપપાદ્ય બની અનંત ઉપપાદક-પરંપરાના જ્ઞાનની અપેક્ષા રાખે છે. એ અશક્ય હોઈ મૂળ ઉપપાદ્ય અજ્ઞાતસ્વરૂપ જ રહે છે. ઉપપાદક અસિદ્ધ ઠરે છે. દા.ત., વૈશેષિકો કારણમાં કાર્યનો ‘સમવાય’ સંબંધ કલ્પે છે. હવે એ સમવાયના કાર્ય કે કારણ સાથેના સંબંધ માટે અન્ય સમવાય અને એમ અનંત સમવાય કલ્પવા પડે. આથી મૂળ સમવાયકલ્પના અસિદ્ધ ઠરે. આ કહેવાય ‘અધોધાવંતી’ (નીચે-પાછળ-દોડતી) અનવસ્થા. હવે જો કોઈ પદાર્થની કાર્યોત્પાદનશક્તિ બતાવવા તજ્જન્ય અનંત કાર્યપરંપરા બતાવવી પડે તો તે કહેવાય ‘ઊર્ધ્વધાવંતી’ (ઊંચે-આગળ-દોડતી) અનવસ્થા. દા.ત., ધ્વનિને નિકટ દેશમાં સર્વથા સમાન ધ્વનિનો જનક પ્રરૂપતાં ધ્વનિપરંપરાની અનંતપ્રદેશ-વ્યાપિતાનો અનિષ્ટ પ્રસંગ સર્જાય. આથી મૂળ પ્રરૂપણા અસિદ્ધ ઠરે. ‘અવસ્થા’ એટલે સ્થિરતા, વિશ્રાંતિ; ખુલાસાની અવિશ્રાંતિને લીધે આને ‘અન્-અવસ્થા’ કહે છે.

નીતિન ર. દેસાઈ