અનંતશયન : વિષ્ણુનું એક પ્રતિમાસ્વરૂપ. આ સ્વરૂપમાં વિષ્ણુ શેષનાગ (અનંત) ઉપર સૂતેલા છે. નાગફેણથી શિરચ્છત્ર રચાયું છે. લક્ષ્મીજી ભગવાનના પગને ખોળામાં લઈ પાદસેવન કરે છે. વિષ્ણુની નાભિમાં પ્રગટેલા કમળમાં બ્રહ્મા વિરાજમાન છે. મધુ-કૈટભ દૈત્યો કમળદંડને વળગેલા છે. ચક્ર, ગદા, શંખ વિષ્ણુ પાસે પડેલાં છે. વિષ્ણુનો એક હાથ માથા હેઠળ અને બીજો ડાબા પગ ઉપર છે. આવાં લક્ષણોથી યુક્ત પ્રાપ્ત શિલ્પકૃતિઓે અનંતશાયી તરીકે ખ્યાત છે. દેવગઢ(ઉ. પ્ર)ના પાંચમી સદીના વિષ્ણુમંદિરમાં અનંતશયનની રેતિયા પથ્થરમાં કંડારેલ પ્રતિમા આનું સરસ દૃષ્ટાંત છે.

રસેશ જમીનદાર