અનંતનાગ (1) : શ્રીનગરની દક્ષિણપૂર્વમાં જેલમ નદીને કિનારે આવેલું શહેર અને કાશ્મીરની પ્રાચીન રાજધાની. ભૌગોલિક સ્થાન : 330 44′ ઉ. અ. અને 750 09′ પૂ. રે. ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લાનું મુખ્યમથક. અગાઉ આ શહેરનું નામ ‘ઇસ્લામાબાદ’ હતું તે બદલીને અનંતનાગ રાખવામાં આવ્યું છે. કાશ્મીર ખીણના જળવ્યવહારમાર્ગનું દક્ષિણમાં આવેલું આ મુખ્ય મથક છે. આસપાસ પહાડી પ્રદેશ આવેલો હોવાથી તેમાંથી અસંખ્ય ઝરણાં વહે છે. તેમાંના એક મોટા ઝરણાનું નામ અનંતનાગ છે. તેનું પાણી થોડું ગંધકવાળું હોય છે. ઝરણાના નામ પરથી શહેરનું નામ રખાયું છે. નગરની પૂર્વમાં 4 કિમી દૂર માર્તંડ મંદિર નામે પ્રસિદ્ધ સૂર્યમંદિરના અવશેષો આવેલા છે. અનંતનાગ શહેરની વસ્તી 33,978 (1981 ઉપલબ્ધ) અને જિલ્લાની વસ્તી 8,26,291. જિલ્લાનો વિસ્તાર 3,894 ચોકિમી.

હેમન્તકુમાર શાહ