અનંગસુંદરરસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ તથા શુદ્ધ ગંધકને સરખા પ્રમાણમાં લઈ તેની કજ્જલી તૈયાર કરી તેને ત્રણ દિવસ સુધી કલ્હાર વનસ્પતિના રસમાં ખરલ કરીને યથાવિધિ સંપુટમાં બંધ કરી વાલુકાયંત્રમાં મૂકી એક પ્રહર અગ્નિ પર પકાવવામાં આવે છે. ઠંડું થાય ત્યારે સંપુટમાંથી બહાર કાઢી લાલ ફૂલવાળી અગથિયા વનસ્પતિના રસમાં ઘૂંટી એક એક રતીની ગોળીઓ બનાવવામાં આવે છે. પુરુષોની મૈથુનશક્તિ વધારનાર આ રસની 2થી 3 ગોળીઓ સાકરના પાણીના અનુપાનથી આપવામાં આવે છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા