અનહદનાદ (યોગ) : આ શબ્દ સંત સાહિત્યમાં ‘અસીમ’ના અર્થમાં પ્રયોજાય છે. યોગશાસ્ત્રમાં આ પરત્વે ‘આહત’ અને ‘અનાહત’ એવા બે શબ્દો પ્રયોજાય છે. આહત એટલે ઉચ્ચારણ-સ્થાનવિશેષ સાથેના ઘર્ષણથી ઉદભવતો શબ્દ. જીભ, દાંત, તાલુ વગેરે અવયવોના પરસ્પરના આંતરિક ઘર્ષણ, ઉત્ક્ષેપણ, સંકોચ-વિસ્તાર દ્વારા જે શબ્દ વૈખરી વાણી(વ્યક્ત ભાષા)ના રૂપમાં ઉચ્ચારાય – સંભળાય છે એને આહત શબ્દ કહે છે. આહત શબ્દ પેદા થાય છે ને પછી વિલીન થઈ જાય છે. આથી વિપરીત, અનાહત શબ્દમાં કાનમાં આંગળી નાખીને બંધ કર્યા પછી એક પ્રકારનો ઘણઘણાટનો ધ્વનિ સંભળાય છે. આ ધ્વનિને યોગીઓ સમષ્ટિવ્યાપ્ત શબ્દનું વ્યક્તિગત રૂપ હોવાનું કહે છે. જીભ, દાંત, તાલુ વગેરે કોઈ પણ ધ્વનિ – અવયવોના ઉપયોગ કે આઘાત વગર તે નિરંતર ઊઠતો રહે છે આથી તેને અનાહતનાદ કહે છે. સામાન્ય પરિસ્થિતિમાં વ્યક્તિ આ અનાહતનાદ પ્રત્યે જાગ્રત હોતી નથી. પરંતુ યોગસાધનામાં સમાધિ સંપન્ન થતા જ્યારે ચિત્ત બાહ્ય વિષયોથી અલિપ્ત થઈને અન્તર્મુખ થાય છે ત્યારે અનાહત શબ્દ નાદ રૂપે સ્પષ્ટપણે સંભળાય છે. ઉન્મની મુદ્રા કે જેમાં દૃષ્ટિ નાસિકાગ્ર ભાગે હોય અને ભ્રુકુટિ ઉપર ખેંચેલ હોય તેવી અવસ્થામાં પહોંચતાં અનાહત નાદ શંખ અને દુંદુભીના નાદ જેવો અવાજ ઊંચા સ્વરમાં સંભળાતો હોય છે. આ અનાહતનાદ કે શબ્દ દેશકાળની સીમાઓથી પર અર્થાત્ અસીમ હોય છે. તેને કોઈ આદિ કે અંત હોતો નથી.

પ્રવીણચંદ્ર પરીખ