અદ્વૈતસિદ્ધાન્ત : ભારતીય ઉપનિષદસાહિત્ય અને બ્રહ્મસૂત્રમાં રજૂ થયેલો તત્વવિષયક સિદ્ધાન્ત. જગત, આત્મા અને પરમાત્મા એ ત્રણે જુદાં તત્વો નથી; પરંતુ પરમાત્મા અથવા પરબ્રહ્મનું તત્વ એક જ છે. બ્રહ્મ એ એકમાત્ર ચેતન અને કાયમી તત્વ છે. આત્મા પણ બ્રહ્મનો એક અંશ છે. તેથી ચેતન બ્રહ્મમાં ચેતન એવો આત્મા એકરૂપ બની જાય છે માટે આત્મા બ્રહ્મથી ભિન્ન નથી પણ એક જ છે. હવે જગત એ જડ અને મિથ્યા છે એટલે જગત કે જે ચેતન બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલું છે, એને લીધે જ ટકે છે અને અંતે એમાં જ સમાઈ જાય છે તેથી જગત પણ બ્રહ્મથી ભિન્ન નથી, પરંતુ એક જ છે આવો સિદ્ધાન્ત ઉપનિષદસાહિત્યમાં રજૂ થયો છે તેને અદ્વૈતસિદ્ધાન્ત કહે છે.

અદ્વૈતસિદ્ધાન્ત ઉપનિષદોમાં સર્વપ્રથમ રજૂ થયો છે. એ પછી ઉપનિષદોના તત્વજ્ઞાનને શાસ્ત્રીય રીતે અને સામાન્ય મનુષ્યને સમજાય તે રીતે રજૂ કરનારાં અનુક્રમે બે પ્રસ્થાનો –  (1) વેદવ્યાસનાં બ્રહ્મસૂત્રો અને (2) ભગવદ્ગીતામાં  પણ અદ્વૈતસિદ્ધાન્ત રજૂ થાય એ કુદરતી છે. અલબત્ત, એ ત્રણ પ્રસ્થાનો પર ભાષ્ય લખીને પોતપોતાનો મત તેમાં દર્શાવનારા શંકરાચાર્ય વગેરે ભાષ્યકારોએ અદ્વૈતના સિદ્ધાન્તને પોતપોતાની રીતે રજૂ કરી અદ્વૈતસિદ્ધાન્તનો વિકાસ સાધ્યો છે. એવા આચાર્યોમાં શંકરાચાર્ય (કેવલાદ્વૈત), રામાનુજાચાર્ય (વિશિષ્ટાદ્વૈત), નિમ્બાર્ક (દ્વૈતાદ્વૈત), વલ્લભાચાર્ય (શુદ્ધાદ્વૈત) વગેરેને મુખ્ય ગણાવી શકાય. બાકીના 21 જેટલા આચાર્યોએ પણ પોતપોતાની રીતે અદ્વૈતસિદ્ધાન્તને રજૂ કર્યો છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે. (1) ભારતીવિજય, (2) સંવિદાનંદ, (3) બ્રહ્મઘોષ, (4) શતાનંદ, (5) ઉદ્ધત, (6) વિજય, (7) રુદ્રભટ્ટ, (8) વામન, (9) યાદવપ્રકાશ, (10) ભર્તૃપ્રપંચ, (11) શઠકોપ દ્રવિડ, (12) બ્રહ્મદત્ત, (13) ભાસ્કર, (14) નિમ્બાર્ક, (15) પિશાચ, (16) બૌધાયન, (17) વિજયભટ્ટ, (18) વિષ્ણુક્રાન્ત, (19) વાદીન્દ્ર, (20) માધવદાસ, (21) રાઘવેન્દ્ર સ્વામી.

અદ્વૈતસિદ્ધાન્ત હિન્દુ ધર્મ-તત્વના અર્કરૂપ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી