અતિસંવેદનશીલતા (hypersensitivity) : બાહ્ય પદાર્થ સામે રક્ષા માટેનો શરીરનો પ્રતિભાવ. તેને અતિપ્રતિગ્રાહ્યતા અથવા ઍલર્જી પણ કહે છે. સૂક્ષ્મ જીવો, પ્રોટીનયુક્ત ખોરાક, પરાગરજ વગેરે તરફ વ્યક્તિઓ અતિસંવેદનશીલ હોઈ શકે. આ પદાર્થો પ્રતિજન (antigen) અથવા ઍલર્જન તરીકે કાર્ય કરે છે. તેમના શરીરમાંના પ્રથમ પ્રવેશને સમયે શરીરમાંનું પ્રતિરક્ષાતંત્ર (immune system) કાર્યરત થાય છે. તે જે-તે પ્રતિજન સામે નિશ્ચિત પ્રતિદ્રવ્ય (antibody) ઉત્પન્ન કરે છે. તે જ પ્રતિજન જ્યારે સંવેદનશીલ વ્યક્તિના શરીરમાં ફરી વાર દાખલ થાય છે ત્યારે શરીર સ્વરક્ષણાર્થે પ્રતિભાવ રૂપે નિશ્ચિત પ્રતિદ્રવ્ય પ્રતિજન જોડે સંયોજાઈને તેને નિષ્ક્રિય કરી દે છે. આ પ્રક્રિયા દરમિયાન હિસ્ટામીન જેવા સક્રિય પદાર્થો ક્યારેક પેશીને નુકસાન કરે છે. અતિસંવેદન- શીલતાના બે પ્રકાર છે : (1) પ્રતિદ્રવ્ય દ્વારા વહન થતી સંવેદનશીલતા (દા.ત., તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતા [anaphylaxis], સીરમવ્યાધિ [serum sickness], ઔષધ અતિસંવેદનશીલતા વગેરે); (2) કોષ દ્વારા વહન થતી વિલંબિત (delayed) અતિસંવેદનશીલતા (દા.ત., ક્ષય અને ઔષધ સંબંધિત અતિસંવેદનશીલતા). (જુઓ : અલ્પપ્રતિગ્રાહીકરણ અને આઘાત, તત્કાલ પ્રતિગ્રાહજન્ય).
અરવિંદ દરજી