અતિવ્યાપ્તિ (over-lap) : સંગતસ્તરશ્રેણી(conformable series)ના ઉપરના સ્તરો તે જ શ્રેણીના નીચેના સ્તરો કરતાં વધુ વિસ્તારમાં પથરાયેલા હોય તે પ્રકારની સંરચના. અતિવ્યાપ્તિ એવી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે, જેમાં અધોગમનની ક્રિયાની સાથે સાથે જ નિક્ષેપક્રિયા પણ થતી જતી હોય અને ક્રમશ: વધુ ને વધુ વિસ્તાર આવરી લેવાતો હોય. આ જ કારણે અતિવ્યાપ્તિ સામાન્યત: અસંગતિ-(unconformity)ની સાથે સંકળાયેલી જોવા મળે છે.

અતિવ્યાપ્તિ માટે જૂની સ્તરશ્રેણી ખૂબ જ પ્રમાણમાં ઘસારો પામી ચૂકી હોય, અને જ્યારે અધોગમન થાય ત્યારે નવી શ્રેણીની નિક્ષેપક્રિયા માટે અનિયમિત સમુદ્રતળની રચના થાય. આ રીતે ઉત્પન્ન થયેલું ગર્ત ક્રમશ: નવી નિક્ષેપરચનાથી ભરાતું જાય. આ પરિસ્થિતિમાં પ્રત્યેક નવો સ્તર પોતાની નીચેના પ્રત્યેક જૂના સ્તર ઉપર વધુ વિસ્તાર આવરી લઈને પથરાતો જાય છે. આમ અતિવ્યાપ્તિ, દબાતા જતા સમુદ્રતળ ઉપર થતી જતી નિક્ષેપક્રિયાની સાથોસાથ ચાલે છે અને તેથી જ તે અસંગતિની સાથે જોવા મળે છે.

જૂની શ્રેણીના સ્તરોનું ભૂપૃષ્ઠ, ઘસારા તેમજ ધોવાણનાં પરિબળોથી સમતલ સપાટ થવું ન જોઈએ, પરિણામે જૂની શ્રેણી ઉપર અસંગતિની સંધિ તેની ઉપરની નવી શ્રેણીને સમાંતર રચાય નહિ. પ્રત્યેક નવો સ્તર જામતો જાય, તેમ તેનો વિસ્તાર વધતો જાય, ઉપરના વધતા જતા બોજને કારણે સમુદ્રતળ પણ ક્રમશ: દબાતું જાય, નિક્ષેપક્રિયા ચાલતી રહે અને એમ અતિવ્યાપ્તિ રચાવા માટે પૂરતા સંજોગો મળી રહે.

ગિરીશભાઈ પંડ્યા