અતિકૅલ્શિયમતા (hypercalcaemia) : માનવશરીરમાં યોગ્ય કરતાં વધુ પ્રમાણમાં કૅલ્શિયમ હોવાને કારણે થતો રોગ. માનવશરીરમાંનાં કુલ 24 તત્વોમાં કૅલ્શિયમનું પ્રમાણ પાંચમું સ્થાન ધરાવે છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસ મળીને શરીરના કુલ વજનના 3 ટકા બને છે. આમ 70 કિગ્રા. વજનવાળી વ્યક્તિમાં 1,184 ગ્રામ કૅલ્શિયમ રહેલું છે, જે મુખ્યત્વે હાડકાં અને દાંતની રચનામાં, રુધિરગંઠન(blood coagulation)માં, સ્નાયુસંકોચનમાં તથા ઘણાં કોષકાર્યોમાં ઉપયોગી છે. સામાન્ય રીતે લોહીમાં કૅલ્શિયમની સીરમસપાટી 9 થી 11.5 મિગ્રા./ડેસીલિ. હોય છે. જ્યારે આ પ્રમાણ ઘટે ત્યારે અલ્પકૅલ્શિયમતા અને અંગુલિવંકતા (tetany) થાય છે અને વધે ત્યારે અતિકૅલ્શિયમતા અથવા અતિકૅલ્શિયમરુધિરતા થઈ કહેવાય છે. ગળામાં આવેલી ગલગ્રંથિ (thyroid gland) તથા પરાગલગ્રંથિ(parathyroid gland)ના અંત:સ્રાવો (hormones) અને વિટામિન ‘ડી’ના ઉત્સેચક (enzyme) લોહીમાં કૅલ્શિયમનું સંતુલન જાળવે છે.

લોહીમાં કેલ્શિયમના પ્રમાણનું નિયમ

ગળામાં આવેલી પરાગલગ્રંથિની અતિસ્રાવતાને કારણે દીર્ઘકાલીન અતિકૅલ્શિયમતા થાય છે. જ્યારે સ્તન, ફેફસાં અને મૂત્રપિંડનાં કૅન્સરમાં તથા બહુમજ્જાર્બુદ (multiple myeloma) નામના લોહી બનાવતી પેશીને કૅન્સરમાં ઉગ્ર અતિકૅલ્શિયમતા થાય છે. સારકોઇડતા(sarcoidosis)માં વિટામિન ‘ડી’ના ઉત્સેચકને કારણે આંતરડાંમાંથી કૅલ્શિયમ વધુ પ્રમાણમાં શોષાય છે. આ જ કારણે વિટામિન ‘ડી’ના વધુ પડતા સેવનથી થતી વિષાક્તતા (toxicity) તેમજ જઠર કે પક્વાશયની ચાંદી(પૅપ્ટિક વ્રણ (peptic ulcer))ના દર્દી દ્વારા દૂધ અને વિટામિન ‘ડી’ના વધુ પડતા સેવનથી થતી વિષાક્તતા(peptic ulcer)માં દૂધ અને શોષણક્ષમ આલ્કલીના વધુ પડતા સેવનથી થતા દૂધ-આલ્કલી સંલક્ષણ(milk-alkali syndrome)માં પણ અતિકૅલ્શિયમતા થાય છે. અતિકૅલ્શિયમતાનાં અન્ય કારણોમાં ગલગ્રંથિ-અતિસ્રાવતા (hyper-thyroidism), મૂત્રવર્ધક ચિકિત્સા, અધિવક્ક અલ્પસ્રાવતા (adrenal insufficiency), વિટામિન ‘એ’ના અતિસેવનથી થતી વિષાક્તતા, કેટલાક મૂત્રપિંડી રોગો વગેરેનો સમાવેશ થાય છે.

ઘેન, શિથિલતા, ખિન્નતા, તીવ્ર મનોવિકાર (psychosis), બેભાનાવસ્થા, ગતિડોલન (ataxia), અશક્તિ, સ્નાયુઓની અલ્પસજ્જતા (hypotonia), અતિરુધિરદાબ (high blood pressure), મંદહૃદગતિ (bradycardia), હૃદ્ અતાલતા (arrhythmia). હૃદવીજ આલેખ(ECG)નો ઘટેલો Q-T કાળખંડ, અતિમૂત્રતા (polyuria), અતિકૅલ્સિ-મૂત્રમેહ (hypercalciuria), મૂત્રપિંડ-કૅલ્સિતા (nephrocalcinosis) અને મૂત્રપિંડ-અપર્યાપ્તતા (renal failure), મૂત્રમાર્ગમાં પથરી અને તેને લઈને થતી પેટમાં ચૂંક, ઊબકા, ઊલટી, અરુચિ, કબજિયાત, અપચો (dyspepsia), અતિઅમ્લતા (hyperacidity), સ્વાદુપિંડશોથ (pancreatitis), અસ્થિવિકારો, ખૂજલી તથા નિર્જલતા (dehydration) અતિકૅલ્શિયમતાનાં લક્ષણો છે.

ફક્ત એક વખત કૅલ્શિયમની વધેલી રુધિરસપાટી પરથી તેનું નિદાન કરવું જોખમી છે. અતિકૅલ્શિયમતાના દર્દીને ખોરાકમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘટાડવામાં આવે છે. વિટામિન ‘ડી’, થાયેઝાઇડ જૂથનાં મૂત્રવર્ધકો તેમજ ડિજિટાલિસ જેવી દવાઓનો ઉપયોગ સાવચેતીથી કરવો પડે છે. પ્રેડનીસોલોન, સોડિયમ ફાઇટેટ જેવાં કિલેટકો (chelating agents), કૅલ્સિટોનિન તથા કૅન્સરના દર્દી કે પેજેટના રોગમાં મિથ્રામાઇસીન નામનું કૅન્સરનું ઔષધ અતિકૅલ્શિયમતા ઘટાડવામાં ઉપયોગી છે. તત્કાલ સંકટ-(emergency)માં સારવાર માટે સામાન્ય ક્ષાર-દ્રાવણ (normal saline) નસ વાટે આપવામાં આવે છે. ચારથી છ લીટર જેટલા આ પ્રવાહી સાથે ફ્રૂસેમાઇડ મૂત્રવર્ધક, કૉર્ટિકોસ્ટેરૉઇડ તથા મૅગ્નેશિયમ આપવામાં આવે છે. જીવન બચાવવાના પ્રયાસ રૂપે ડાયાલિસિસ (પારગલન) પણ કરવામાં આવે છે. (જુઓ : અંગુલિવંકતા, અંત:સ્રાવી ગ્રંથિતંત્ર)

રમણિકભાઈ  શાહ

ભરત ત્રિવેદી
શિલીન નં. શુક્લ