અતિકાયતા, સમ (gigantism) : અસાધારણ શરીરવૃદ્ધિનો રોગ. પીયૂષિકા (pituitary) ગ્રંથિનો વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) બાળપણમાં હાડકાંની વૃદ્ધિ પરિપૂર્ણ થાય તે પહેલાં વધે તો સમ અતિકાયતા નામનો રોગ થાય છે. તેના અમ્લગ્રાહી (acidophil) કોષોની અતિવૃદ્ધિ કે ગાંઠ (adenoma) દ્વારા વૃદ્ધિકારક અંત:સ્રાવનું ઉત્પાદન વધે છે. હાડકાંની લંબાઈ ખૂબ જ વધે છે અને દર્દી તેની ઉંમર કરતાં ખૂબ જ ઊંચો લાગે છે. કેટલીક વાર દર્દી 220 સેમી.થી વધુ ઊંચાઈ સુધી પહોંચે છે. જગવિખ્યાત લંબૂસ આલ્ટન 24 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો ત્યારે તેની ઊંચાઈ 280 સેમી. હતી ! હાડકાં ઉપરાંત સ્નાયુઓની પણ અતિવૃદ્ધિ થાય છે અને જડબું, આંખની ઉપરનો ભાગ, નાક, હાથ અને પગ રાક્ષસી કદ ધારણ કરે છે. હાડકાંનો સતત વિકાસ 30થી 40 વર્ષની વય સુધી થતો રહે છે. હાડકાં વધુ પડતાં જાડાં બને છે, સાંધાઓમાં દુખાવો થાય છે, દર્દીની કમર વળી જાય છે અને હાડકાં અંદરથી પોલાં થઈ જાય છે. સ્તનમાંથી દૂધ આવે, પાણી વધુ પિવાય અને પેશાબ વધુ પડતો થાય. સાધારણ તીવ્રતાવાળો મધુપ્રમેહ (diabetes) પણ ઘણાં દર્દીઓમાં જોવા મળે છે. શરીરના લગભગ બધા જ અવયવોની અતિવૃદ્ધિ થાય છે. લોહીનું ઊંચું દબાણ અને હૃદય પહોળું થવાથી ઘણાં દર્દીઓને પગે સોજા, શ્વાસ વગેરે ચિહનો જણાય છે તથા નાકની બાજુનાં પોલાણો અને જડબું મોટાં થયેલાં જણાય છે. ગાંઠને લીધે થતા દબાણથી માથાનો દુખાવો થાય છે અને દૃષ્ટિની તીવ્રતા ઘટે છે. ખોપરીના એક્સ-રેના ચિત્રણમાં ખોપરીના તળિયામાં આવેલું પીયૂષિકા ગુહા (sella tursica) નામનું પીયૂષિકા ગ્રંથિને સાચવતું નાનું પોલાણ વધુ ઊંડું થયેલું જણાય છે. દાંતની વચ્ચે વધુ પડતી જગા રહે છે. હાડકાંની અતિવૃદ્ધિથી ઘસારો જલદી પડતાં નાની ઉંમરે અસ્થિસંધિશોથ(osteoarthritis)નાં ચિહનો જણાય છે. પગ અને હાથનાં આંગળાં પહોળાં અને જાડાં જણાય છે.

લોહીમાં વૃદ્ધિકારક અંત:સ્રાવની માત્રા ખૂબ જ ઊંચી જોવા મળે છે, કદીક સામાન્ય પ્રમાણમાં પણ જણાય. 75 ગ્રામ ગ્લુકોઝ મોં વાટે આપ્યા પછી 90 મિનિટે, વૃદ્ધિકારક અંત:સ્રાવનું લોહીમાં પ્રમાણ 10 નૅનોગ્રામ/મિલી.થી વધુ જણાય તો અંત:સ્રાવ વધુ પડતો છે તેમ કહી શકાય. એલ-ડોપા અને બ્રોમોક્રિપ્ટિન નામની દવાઓ આપ્યા પછી વૃદ્ધિકારક અંત:સ્રાવનું પ્રમાણ ઘટે છે. પીયૂષિકા ગ્રંથિના અન્ય અંત:સ્રાવોના ઘટવાને લીધે યૌવનારંભ(puberty)નાં ચિહનો મોડાં દેખાય છે અને અલ્પગલગ્રંથિ (myxoedema) પણ થાય છે. અંત:સ્રાવ વધુ પડતો ઉત્પન્ન કરનાર પીયૂષિકા ગ્રંથિના અર્બુદગાંઠને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાથી ફાયદો જણાય છે. અન્ય અંત:સ્રાવોની ખામી મુજબ જે તે અંત:સ્રાવોવાળી દવાઓ આપવાથી ફાયદો થાય છે. (જુઓ અંત:સ્રાવી ગ્રંથિતંત્ર)

હસમુખ ચીમનલાલ મહેતા