અણુવક્રીભવન (molar refraction)

January, 2001

અણુવક્રીભવન (molar refraction) : નીચેના સમીકરણ વડે વ્યાખ્યાયિત અને અણુસંરચના ઉપર આધારિત ભૌતિક રાશિ.

RM =  અણુવક્રીભવન,  = પદાર્થનો વક્રીભવનાંક, M = પદાર્થનો અણુભાર, અને ρ = પદાર્થની ઘનતા છે. RM પદાર્થનો વિશિષ્ટ ગુણધર્મ છે અને તેનાં પરિમાણ (dimensions), કદનાં છે. અણુવક્રીભવનનો અર્થ, પદાર્થના એક મોલમાં રહેલ અણુઓનું ખરેખર કદ, એમ પણ કરી શકાય.

પ્રકાશ વિદ્યુત-ચુંબકીય વિકિરણ (radiation) છે. પદાર્થમાંથી તે પસાર થાય ત્યારે તેમાંના ઇલેક્ટ્રૉન સાથે પારસ્પરિક ક્રિયા અનુભવે છે. પદાર્થનો વક્રીભવનાંક આ ક્રિયાનું માપ છે અને તે પદાર્થના અણુની ધ્રુવણતા (polarisability) ઉપર આધાર રાખે છે. આથી અણુવક્રીભવનાંક પદાર્થમાંના પરમાણુઓની સંખ્યા, પ્રકૃતિ અને તેમની અણુમાંની ગોઠવણી ઉપર આધાર રાખે છે. આ કારણથી અણુવક્રીભવનાંક યોગશીલ (additive) અને બંધારણીય (constitutive) ગુણધર્મ પર આધારિત છે. પરમાણુ, સમૂહ તથા વિવિધ પ્રકારના બંધ માટેની વક્રીભવનાંકની કિંમત મેળવી શકાય છે. તેના ઉપયોગથી સંયોજનો માટે RMની કિંમત મેળવી શકાય છે. આ કિંમતને પ્રયોગ મારફત મેળવેલ કિંમત સાથે સરખાવીને બંધારણની સામ્યતા/ભિન્નતા તથા પદાર્થની શુદ્ધતા અને મિશ્રણમાં કીટો-ઇનોલ સમઘટકોનું પ્રમાણ નક્કી કરી શકાય છે.

જો વધુ તરંગલંબાઈવાળું વિકિરણ ઉપયોગમાં લેવાય અને પદાર્થને કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) ન હોય તો મેક્સવેલનું સમીકરણ  લાગુ પડે છે. આ પરિસ્થિતિમાં અણુવક્રીભવન અણુધ્રુવણ (molar polarisation) જેટલું થાય છે. કેટલાક ઘટકોના અણુવક્રીભવનો (Hα રેખા પર આધારિત) નીચે પ્રમાણે છે :

ઘટક RM સેમી.3/મોલ
C 2.42
H 1.1
CH2 4.62
C = C 1.73
–C º ≡ N (એલિફેટિક) 3.05
Cl 5.97
Br 8.86
OH 1.53

 

કાંતિલાલ પુરુષોત્તમદાસ સોની

પ્રહલાદ બે. પટેલ