અઢારસો તેર(1813)નું ખતપત્ર : ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘડેલો ભારતીય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના વિકાસ માટે ફરજિયાત જોગવાઈ કરતો ધારો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈ. સ. 1600માં ઇંગ્લૅન્ડમાં કરવામાં આવી હતી. એ કંપનીનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત પૂર્વના દેશોમાં વ્યાપાર કરવાનો હતો. દેખીતી રીતે નફો કરવાના હેતુથી સ્થપાયેલ એક વ્યાપારી પેઢીને શિક્ષણ સાથે પ્રત્યક્ષ સંબંધ ન હોય, પરંતુ ઐતિહાસિક કારણોને લીધે આ કંપની ભારતના લોકોના શિક્ષણના પ્રશ્ન સાથે ધીમે ધીમે સંકળાતી ગઈ.
આ કંપનીનો વ્યાપાર કરવાનો પરવાનો તાજો કરી આપવા દર વીસ વર્ષે ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટ ધારો પસાર કરતી હતી. ઈ. સ. 1698માં આવો ધારો પસાર કરતાં તેમાં કંપનીના લશ્કર અને વહીવટ સાથે સંકળાયેલ કર્મચારીઓનાં સંતાનોનાં શિક્ષણ માટે વ્યવસ્થા કરવાની જવાબદારી કંપની પર લાદતી એક શરત આમેજ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇંગ્લૅન્ડથી ખ્રિસ્તી પાદરીઓ ભારત આવતા અને ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થઈ શકે એ માટે તેઓ ભારતીય ભાષાઓનો, ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરતા. તેમની આ પ્રવૃત્તિને કંપની સરકારે સહાય કરવા માંડી. આની સાથે સાથે વૉરન હૅસ્ટિંગ્ઝ જેવા કંપની સરકારના અધિકારીઓએ આગળ આવી સંસ્કૃત, ફારસી, અરબી વગેરે ભાષાઓ, તેના સાહિત્ય અને ભારતની સંસ્કૃતિને ઉત્તેજન મળે તે માટે પંડિતો, મૌલવીઓ વગેરેને સહાય કરવા માંડી. અલબત્ત વેલોરનું બંડ (1806) થતાં કંપની સરકારે તટસ્થતાની નીતિ અપનાવી અને સ્થાનિક હિંદુ કે મુસ્લિમ સંસ્થાઓ તથા વિદ્વાનોને મદદ આપવાની નીતિ બંધ કરી.
બીજી બાજુ ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1790-1820ના અરસામાં લોકોએ ઝુંબેશ ઉપાડી. ત્યાંની સરકાર લોકોના શિક્ષણ કાજે સહાય કરવાની નીતિ અપનાવે તે માટે દબાણ કરવા માંડ્યું. ઉદારમતવાદી ચાર્લ્સ ગ્રાન્ટ 1809માં કંપનીના બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સના અધ્યક્ષ બન્યા, ત્યારે કંપની ભારતના લોકોની કેળવણી માટે મદદરૂપ થાય તેવો સૂર પ્રબળ બન્યો, જેનો પ્રભાવ ઈ. સ. 1813નો ચાર્ટર ઍક્ટ કંપનીનો પરવાનો તાજો કરવાનો ધારો પસાર કરવા પર પડ્યો. એ ધારામાં એવી જોગવાઈ કરવામાં આવી કે કંપનીએ તેના નફામાંથી દર વર્ષે ઓછામાં ઓછા રૂપિયા એક લાખ જેટલી રકમ અલગ ફાળવીને તેમાંથી ભારતની ભાષાઓના સાહિત્યનું પુનર્જીવન કરવા, તેની સુધારણા કરવા, દેશી વિદ્વાનોને વિદ્યાકાર્ય માટે સહાય કરવા અને વિજ્ઞાનના જ્ઞાનનો ફેલાવો કરવા ખર્ચ કરવાની ફરજ લાદવામાં આવી. આ રીતે પહેલી જ વાર કંપની સરકારને, પાર્લમેન્ટના કાયદાથી, ભારતના લોકોની કેળવણીની કામગીરીમાં જોડવાનું અગત્યનું પગલું અઢારસો તેરના ચાર્ટર ઍક્ટ દ્વારા લેવામાં આવ્યું, જેના વડે ભારતનો નવીન શૈક્ષણિક ઇતિહાસ લખવાની શરૂઆત થઈ.
દાઉદભાઈ ઘાંચી
શિવપ્રસાદ રાજગોર