અઠવાડિયું : સાત દિવસનો સમૂહ – સપ્તાહ. તે સાત દિવસનું હોવા છતાં પરાપૂર્વથી તેને અઠવાડિયું કહેવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે દિવસ(તથા વાર)નો આરંભ સૂર્યોદયથી અને મહિનાની ગણતરી ચંદ્રની કળા સાથે સાંકળીને અમાસના અંતથી ગણવાનો રિવાજ છે. આવી કોઈ આવર્તનશીલ ખગોલીય ઘટના અઠવાડિયાના આરંભ સાથે સંકળાયેલી નથી. ચાંદ્રમાસના બે પક્ષ સુદ (શુક્લ પક્ષ) અને વદ (કૃષ્ણ પક્ષ); પક્ષાર્ધ (પક્ષના અડધા ભાગ) જેવા અઠવાડિયાને જાડી ગણતરીએ કાલગણનાનો એકમ ગણી શકાય. પરંતુ સરેરાશ 29.5 દિવસોનો ચાંદ્રમાસ અને 7 દિવસના અઠવાડિયાનો તાલમેળ ટકતો નથી. અઠવાડિયાના કોઈ પણ વારે પૂનમ કે અમાસ આવે છે. આમ આપણા રોજિંદા વ્યવહારમાં ઉપયોગી એવું અઠવાડિયું, ખગોળની દૃષ્ટિએ જોઈએ તો કાલગણનાનું કંઈક અંશે યદૃચ્છયા (arbitrarily) ખગોલીય આધાર વગર ગોઠવેલું એકમ છે.
અઠવાડિયાના 7 દિવસનાં નામ શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર (ભોમવાર), બુધવાર, ગુરુવાર (બૃહસ્પતિવાર) અને શુક્રવાર છે. પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ ગ્રહોની જોવા મળતી દૈનિક ગતિ અનુસાર ચઢતા ક્રમમાં ગોઠવેલા આ 7 ખગોલીય જ્યોતિઓ — શનિ, ગુરુ, મંગળ, રવિ (સૂર્યને પણ પ્રાચીનો ગ્રહ ગણતા હતા.), શુક્ર, બુધ અને ચંદ્રને દિવસની 24 હોરાઓ(hour, કલાક)ના અધિષ્ઠાતા ગણ્યા છે, અને તે મુજબના ક્રમમાં હોરાઓને નામ આપ્યાં છે. દિવસની પ્રથમ હોરાના નામ ઉપરથી તે દિવસનું નામ આપવામાં આવે છે; અને આમ સાત દિવસનું ચક્ર પૂરું થતાં, આઠમા (આઠવાં) દિવસે નવું સપ્તાહ શરૂ થતું હોવાથી અઠવાડિયું કહેવાયું હોવાનો સંભવ છે.
પ્ર. દી. અંગ્રેજી