અજ્ઞેય (સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન)

January, 2001

અજ્ઞેય (સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન) (જ. 7 માર્ચ 1911, કસિયા, જિ. ગોરખપુર, ઉત્તરપ્રદેશ; અ. 4 એપ્રિલ 1987, નવી દિલ્હી) : જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા, આધુનિક હિન્દી સાહિત્યકાર તથા પત્રકાર.

પિતા હીરાનંદ પુરાતત્ત્વ વિભાગના ઉચ્ચ અમલદાર હોવાથી લખનૌ, ચેન્નાઈ, લાહોર, એમ જુદે જુદે સ્થળે શિક્ષણ લેવાનું થયું. તે નિમિત્તે ભિન્નભિન્ન ભાષાભાષીઓના સંપર્કમાં આવતાં તે તે પ્રદેશના સાહિત્યમાં તેમને રસ જાગ્યો. લાહોરમાંથી બી.એસસી. થઈને, એમ.એ.નું અંગ્રેજીના વિષયમાં અધ્યયન શરૂ કર્યું, પણ દરમિયાનમાં સ્વાતંત્ર્ય આંદોલન શરૂ થતાં તેમાં ઝંપલાવ્યું, 1930ની આખરમાં પકડાતાં, ચાર વર્ષની સજા થઈ. સજા ભોગવીને છૂટ્યા ત્યાં જ એમને બે વર્ષ નજરકેદમાં રાખ્યા. તે પછી થોડો સમય ‘આકાશવાણી’માં નોકરી કરી, પછી ‘વિશાલ ભારત’, ‘પ્રતીક’, ‘નવભારત ટાઇમ્સ’ અને ‘દિનમાન’ જેવાં સામયિકો તથા પત્રોમાં સંપાદક તરીકે કામ કર્યું. જોધપુર વિશ્વવિદ્યાલયમાં ભાષા વિભાગના અધ્યક્ષ તરીકે પણ તેમણે સેવાઓ આપી.

અજ્ઞેય

તેઓ મુખ્યત: હિન્દી કવિતા અને નવલકથાના ક્ષેત્રમાં યુગપ્રવર્તક તરીકે વિખ્યાત છે, જોકે નવલિકાઓ, સાહિત્યવિવેચન, પ્રવાસવર્ણન તથા નિબંધોના ક્ષેત્રમાં પણ એમનું સ્મરણીય પ્રદાન છે. સતત ચાર સાડાચાર દાયકા સુધી તેઓ સતત લખતા રહ્યા છે. એમણે જે કંઈ લખ્યું છે, તેમાં આધુનિક ચેતનાનો સ્પર્શ અનુભવાય છે. એમાં નવી ધારાનાં દર્શન થવા સાથે પરંપરાનો અનુબંધ પણ જળવાયો છે. પરંપરા તથા આધુનિકતા વચ્ચે એમણે સેતુનું કાર્ય કર્યું છે. વ્યક્તિસ્વાતંત્ર્યના હિમાયતી હોવા સાથે વ્યક્તિના સમાજ પ્રત્યેના દાયિત્વનું પણ એટલું જ મહત્ત્વ તેઓ આંકે છે. હિન્દી સાહિત્યમાં પ્રયોગવાદ અને નવી કવિતાની એમણે રાહબરી કરી. પશ્ચિમના અદ્યતન સાહિત્યપ્રવાહોથી તેઓ સુપરિચિત હતા. પણ એમણે એનું અનુકરણ કર્યું નથી. આથી એમની કવિતામાં રવીન્દ્રનાથ અને જયશંકર પ્રસાદ જેવા છાયાવાદી કવિઓની કવિતાની ઉલ્લાસભર તાજગી તથા પશ્ચિમના ઇલિયટ, બૉદલેર, લોરેન્સ ઇત્યાદિ કવિઓનું આધુનિક જીવનદર્શન – એ બધાંનો સંસ્પર્શ અનુભવાય છે. એમણે હિન્દી કવિતાને ચીલાચાલુ ઢાંચામાંથી મુક્ત કરી. સાહિત્યમાં વિધવિધ ક્ષેત્રોમાં એમણે નવપ્રસ્થાન કરેલું હોવા છતાં કવિતા તથા નવલકથાના ક્ષેત્રમાં એમનું પ્રદાન યુગપ્રવર્તકનું મનાયું છે.

‘ભગ્નદૂત’ (1933) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. એ સંગ્રહ પ્રગટ થયો ત્યારે એમની વય બાવીશ વર્ષની હતી. એ સંગ્રહની કવિતા પર છાયાવાદનો પ્રભાવ હતો; પણ પછીના એમના કાવ્યસંગ્રહોમાં એમની સર્જકપ્રતિભાનો ઉત્તરોત્તર નવીન ઉન્મેષ દૃષ્ટિએ પડે છે. ‘ઇત્યલમ્’ (1946); ‘આંગન કે પાર દ્વાર’ (1961); ‘કિતની નાવોં મેં કિતની બાર’ (1967); ‘પહલે મૈં સન્નાટા બૂનતા હૂં’ (1974); ‘મહાવૃક્ષ કે નીચે’ (1980); ‘નદી કી બાંક પર છાયા’ (1980) અને મરણોત્તર પ્રકાશિત ‘મરુથલ’ (1995) વગેરેમાં એમની કાવ્યપ્રતિભાનાં વિવિધ રૂપોનાં દર્શન થાય છે. માનવનું અનોખું વ્યક્તિત્વ, એની નિર્મિતિક્ષમતા, એનું આંતરદ્વંદ્વ, ઉદાત્તતા તથા શુચિતા પ્રાપ્ત કરવા માટેની એની મથામણ, સંવેદનાની તીવ્રતા, પ્રકૃતિ સાથેના તાદાત્મ્યની અનુભૂતિ, સમુચિત પ્રતીકો, કલ્પનોનો પ્રયોગ, ભાવાનુરૂપ તથા લયમાધુર્યયુક્ત બાની, એ સઘળું ભાવકચિત્તને મુગ્ધ કરે છે. ‘અરી ઓ કરુણા પ્રભામય’(1969)માં જાપાનના ઝેન બૌદ્ધદર્શનથી પ્રભાવિત કાવ્યો આપે છે. એ પછીની રચનાઓમાં નવ્ય રહસ્યવાદી વલણ જોવા મળે છે. એમના કાવ્યસંગ્રહ ‘આંગન કે પાર દ્વાર’ને સાહિત્ય અકાદમીનો, 1965ના શ્રેષ્ઠ હિન્દી પુસ્તકનો તથા એમના ‘કિતની નાવોં મેં કિતની બાર’ કાવ્યસંગ્રહને 1978માં ભારતનો શ્રેષ્ઠ સાહિત્યિક જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો.

અજ્ઞેયે પોતાની સાથે 7 કવિઓની રચનાઓનું સંકલન 1943માં ‘તારસપ્તક’ નામે પ્રકટ કર્યું. એમાં એમણે જે ભૂમિકા લખી છે તેમાં ‘આધુનિક કવિતા’ની વ્યાખ્યા, તેનાં લક્ષણો વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરીને, નવી કવિતાના સ્વરૂપની ઝાંખી કરાવી છે. ‘તારસપ્તક’થી હિન્દીમાં પ્રયોગવાદી કાવ્યધારા શરૂ થઈ, જે 1951માં પ્રકટ થતા ‘દૂસરા સપ્તક’થી ‘નયી કવિતા’ નામે ઓળખાઈ. અજ્ઞેય-સંપાદિત આ સંકલનમાં પણ સાત નવકવિઓ હતા. એ પછી ‘તીસરા સપ્તક’ (1959), ‘ચૌથા સપ્તક’ (1979) સંપાદનો પ્રકટ કર્યાં અને પ્રત્યેકની ભૂમિકામાં તે તે સમયની કવિતાનું વિશ્લેષણ કરતા ગયા, નવી કવિતાની વિભાવનામાં ક્રમશ: પરિવર્તન થતું ગયું, તેની પણ તેમણે ઝાંખી કરાવી છે. કવિતાની જેમ ટૂંકી વાર્તા(કહાની)ના ક્ષેત્રમાં અજ્ઞેયે હિન્દીમાં પ્રેમચંદ અને જયશંકર પ્રસાદની વાર્તાધારાને નવા વિષયો ને અભિનવ ટૅક્નિકથી નવી દિશામાં વહાવી છે. ‘વિપથગા’ (1937), ‘પરંપરા’ (1944), ‘કોઠરી કી બાત’ (1945), ‘શરણાર્થી’ (1948) આદિ સંગ્રહો ‘અજ્ઞેય કી સંપૂર્ણ કહાનિયાઁ’ ભા. 1, 2 નામે 1975માં પ્રકટ થયા છે. એમની વાર્તાઓમાં કેટલીક ક્રાંતિનાં ચિત્ર રજૂ કરે છે, કેટલીક યુદ્ધજીવન સંબંધી છે તો કેટલીક ભારતવિભાજનના વિષય પર કેન્દ્રિત છે. મનોવિશ્લેષણાત્મક અને પ્રેમવિષયક વાર્તાઓ ઉપરાંત ‘રોજ’ જેવી આધુનિક જીવનમાં રહેલા ‘કંટાળા’નો બોધ વ્યક્ત કરતી વાર્તાઓ છે.

નવલકથાના ક્ષેત્રમાં પણ અજ્ઞેયે નવી કેડી પાડી છે. એમની પ્રથમ નવલકથા ‘શેખર : એક જીવની’ ભા. 1, 2 (1941—44) આત્મકથનશૈલીમાં લખાયેલી પ્રથમ હિન્દી નવલકથા છે. એમાં જે સમાજ વિકાસમાં અવરોધો ઊભા કરે છે, તેના વ્યક્તિત્વને દબાવે છે અને કચડે છે, તે સમાજ સામેના વ્યક્તિના વિદ્રોહની કથા છે. એમની બીજી કથા ‘નદી કે દ્વીપ’ મનોવૈજ્ઞાનિક શૈલીમાં લખાયેલી છે. આજના યુગમાં સમૂહમાં રહેતો હોવા છતાં માનવ જે એકલતા તથા વિચ્છિન્નતા અનુભવે છે, તેનું ચિત્રણ તેમાં કર્યું છે. એમની ‘અપને અપને અજનબી’ (1961) વસ્તુ અને કથાશિલ્પની દૃષ્ટિએ આધુનિક માનવસંવેદનાને લક્ષમાં રાખીને લખાયેલી નવલકથા છે. અસ્તિત્વવાદી દર્શનનું ખંડન કરતી આ કથામાં એમણે મૃત્યુના સાક્ષાત્કારની વાત ગૂંથી છે.

નિબંધક્ષેત્રમાં પણ એમનું પ્રદાન મહત્ત્વનું છે. એમાં સાહિત્યિક વિવેચનનાં અગિયાર પુસ્તકો છે, જેમાં એમની આધુનિક સાહિત્યવિષયક વિભાવનાઓ પ્રતીતિકર રીતે રજૂ કરી છે. ‘આત્મનેપદ’ (1960), ‘સબ રંગ કુછ રાગ’ (1970), ‘હિન્દી સાહિત્ય : એક આધુનિક પરિદૃશ્ય’ (1974), ‘લિખિ કાગજ કોરે’ (1974), ‘અદ્યતન’ (1977) તેમના નિબંધસંગ્રહો છે. આ ક્ષેત્રમાં એમનું મુખ્ય કાર્ય નવીનતમ અથવા અદ્યતન સાહિત્યની રૂપરેખા આંકવાનું હતું.

પોતે સતત પ્રવાસ ખેડ્યા કરતા રહેલા હોવાથી એમણે ‘અરે, યાયાવર રહેગા યાદ ?’ (1953), ‘એક બુંદ સહસા ઉછલી’ (1960) વગેરે પ્રવાસગ્રંથો લખીને એ પ્રકારમાં પણ નવી દિશા ઉઘાડી છે.

એમણે શરદબાબુના ‘શ્રીકાન્ત’નું તથા જૈનેન્દ્રકુમારના ‘ત્યાગપત્ર’નું અંગ્રેજીમાં અને રવીન્દ્રનાથના ‘ગોરા’નું હિન્દીમાં ભાષાંતર કર્યું છે.

ચન્દ્રકાન્ત મહેતા