અજ્ઞેયવાદ : સંશયવાદનું આધુનિક સ્વરૂપ ગણાતો તત્વજ્ઞાનનો સિદ્ધાંત. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સમર્થક બ્રિટિશ જીવવિજ્ઞાની થૉમસ હક્સલેએ પોતાના મતને ખ્રિસ્તી ઈશ્વરવાદથી ભિન્ન દર્શાવવા માટે સૌપ્રથમ વાર 1869માં ‘Agnosticism’ (અજ્ઞેયવાદ) શબ્દ પ્રયોજ્યો હતો. ઈશ્વરના અસ્તિત્વનો ઈશ્વરવાદીઓ સ્વીકાર કરે છે અને નિરીશ્વરવાદીઓ તેનો અસ્વીકાર કરે છે, પરંતુ આ બંનેથી ભિન્ન એવા અજ્ઞેયવાદીઓ પ્રમાણે ઈશ્વરના અસ્તિત્વ કે અભાવ વિશે કશું નિર્ણાયક રીતે જાણી શકાય તેમ નથી. જોકે, હક્સલેએ તેમના સમયની ઘણી પ્રચલિત ઈશ્વરવિષયક માન્યતાઓને અસત્ય માની હતી તેથી ઘણા તેને નિરીશ્વરરવાદી તરીકે ઓળખે છે. હક્સલેના સમકાલીન હર્બર્ટ સ્પેન્સર (1820–1903) પણ જીવવિજ્ઞાનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતથી પ્રભાવિત થયા હતા. તેમણે તો મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન અને અન્ય સમાજવિષયક વિજ્ઞાનો માટે પણ ઉત્ક્રાંતિનો સિદ્ધાંત નવા અર્થમાં પ્રયોજ્યો છે, પરંતુ તેમના મતે ધર્મની કે વિજ્ઞાનની કે તત્વવિચારની જગતનાં મૂળતત્વોના જ્ઞાન અંગેની તમામ માન્યતાઓ અસમર્થિત છે, કારણ કે મૂળતત્વ અજ્ઞેય છે. આપણી હંમેશાં મર્યાદિત એવી માનવબુદ્ધિ મનુષ્યના અનુભવને પાર કરી જનારી બાબતો અંગે કશું જાણવાનું સામર્થ્ય ધરાવતી નથી તેવું સ્પેન્સરે સ્વીકાર્યું છે. આપણું જ્ઞાન અનુભવાધીન છે, પણ તેના આધાર કે ઉપાદાન તરીકે કોઈ અજ્ઞાત મૂળતત્વ ધારવું જ પડે છે. સ્પેન્સર તેને ‘Unknowable’ તરીકે ઘટાવે છે. સૃષ્ટિનું સર્જન ઈશ્વરે કર્યું તેમ માનવામાં ઘણી તાર્કિક આપત્તિઓ નડે છે. તેવી જ રીતે સૃષ્ટિ અનાદિ, અનન્ત અને નિત્ય છે તેમ માનવામાં પણ આપત્તિઓ છે. તેથી, આવા કોઈ પણ ધાર્મિક, વૈશ્વિક કે અંતિમ પારમાર્થિક દાવાઓથી કોઈ પ્રકારનું જ્ઞાન મળી શકે તેમ નથી. સ્પેન્સર દૃશ્યજગતનું સાપેક્ષ જ્ઞાન સ્વીકારે છે અને આ દૃશ્યજગતનું કોઈ આધારરૂપ તત્ત્વ હોવું જોઈએ તેમ પણ માને છે, પરંતુ તેવું તત્વ હંમેશાં અજ્ઞાત જ રહેશે તેવું તેઓ સ્પષ્ટ કહે છે.

સ્પેન્સરની પૂર્વે અઢારમી સદીમાં હ્યૂમ અને કાન્ટે પારમાર્થિક તત્વોના જ્ઞાન અંગેના તમામ દાવાઓને અસમર્થિત ગણ્યા હતા. જર્મન ફિલસૂફ કાન્ટ પ્રમાણે વસ્તુલક્ષી, સર્વદેશી અને અપરિહાર્ય રીતે સત્ય એવું જ્ઞાન ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં જ મળી શકે છે, પરંતુ તેવું જ્ઞાન કેવળ પ્રતિભાસમાન દૃશ્યજગત (phenomenal world) અંગેનું જ હોય છે. આવા જગતના આધારરૂપ વસ્તુસ્વયં કે મૂળવસ્તુ (thing-in-itself) હંમેશાં અજ્ઞેય જ છે. કાન્ટ પહેલાં હ્યૂમે દર્શાવ્યું હતું કે આપણા આંતરિક કે બાહ્ય પ્રત્યક્ષાનુભવો સિવાય આપણે કશું જાણી શકતા નથી. તેથી બાહ્ય જગતના પદાર્થો ગુણોના આશ્રયરૂપ દ્રવ્યો (substances) છે તેવું અને આપણી માનસિક અવસ્થાઓના મૂળ આધાર તરીકે ચિત્તદ્રવ્ય કે આત્મા છે તેવું આપણે જાણી શકીએ નહિ. તે જ રીતે, આપણા અનુભવમાં તો ક્રમિક અનુભવાતી નિયમિતતા જ જોવા મળે છે, તેથી કાર્યકારણસંબંધમાં કોઈ જાતની વસ્તુલક્ષી અનિવાર્યતા આપણે જાણી શકતા નથી. દ્રવ્ય અને કાર્યકારણસંબંધ જેવી વિભાવનાઓ જો તેના તર્ક-બુદ્ધિવાદીઓ(rationalists)એ દર્શાવેલા અર્થમાં ટકી શકતી ન હોય તો પછી તેને જ આધારે આપવામાં આવેલી ઈશ્વરવિષયક કે આત્માવિષયક સાબિતીઓ કશું સ્થાપતી નથી તેવું હ્યૂમે દર્શાવ્યું છે. ચમત્કારોનો પણ તેમણે અસ્વીકાર કર્યો છે.

લૌકિક અને અલૌકિક તમામ વિષયોનું જ્ઞાન તત્વત: અશક્ય છે તેવું માનનારા જૂના અને નવા સંશયવાદથી અજ્ઞેયવાદ જુદો પડે છે, કારણ કે ઘણી બાબતોનું આપણને નિશ્ચિત જ્ઞાન મળી શકે છે તેવું અજ્ઞેયવાદીઓ સ્વીકારે છે (જેમ કે કાન્ટ, હક્સલે, સ્પેન્સર). અજ્ઞેયવાદીઓ પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનોનું જ્ઞાન સ્વીકારે છે.

અજ્ઞેયવાદ સંશયવાદથી જુદો મત હોવા છતાં તેનાં મૂળ પ્રાચીન સંશયવાદમાં જોઈ શકાય છે; દા. ત., ઇલીસના પાય્રહો (Pyrrho) (ઈ. પૂ. 365–270) મુજબ કોઈ પણ મતની વિરુદ્ધની દલીલો કરતાં તેના પક્ષની દલીલો વધુ સમર્થિત ચઢિયાતી કે સ્વીકાર્ય હોતી નથી. તેથી જ જે દેખાય છે તેનો સ્વીકાર કરીને ચિંતામુક્ત થઈ જવું જોઈએ.

અજ્ઞેયવાદ સંશયવાદથી ભિન્ન છે જ; ઉપરાંત, તે શ્રદ્ધાવાદ(fideism)થી પણ જુદો મત છે. જે અંતિમ માન્યતાઓને તાર્કિક રીતે અસમર્થિત ગણવામાં આવે છે તેનો શ્રદ્ધાથી સ્વીકાર થવો જોઈએ તેવું શ્રદ્ધાવાદીઓ માને છે. જ્ઞાનની મર્યાદાઓને જ શ્રદ્ધાના પોષક બળ તરીકે ઘટાવવાનો આવો અભિગમ અજ્ઞેયવાદને માન્ય નથી. કેટલાક ઈશ્વરવાદીઓ માને છે કે ઈશ્વરનું નિરૂપણ કેવળ નિષેધક ભાષામાં જ થઈ શકે —  જેમ કે તે અનાદિ છે, અનન્ત છે, અપરિમિત છે વગેરે. અજ્ઞેયવાદીઓ નિષેધક ઈશ્વરવિચાર(negative theology)નો આ મત પણ સ્વીકારતા નથી.

કશુંક જગતના આધારરૂપ તત્વ છે પણ તે અજ્ઞેય જ છે અને તેવું જ રહેશે એવા અજ્ઞેયવાદી મત સામે એવી દલીલ કરવામાં આવે છે કે કશુંક છે અને તે અજ્ઞેય છે એ જ્ઞાનનો આધાર શો હોઈ શકે ? વસ્તુ સ્વયં છે અને છતાં તે અજ્ઞેય છે તેવો દાવો કાન્ટે કર્યો છે, તેમાં ઘણાને વિસંગતતા લાગે છે. કાન્ટ અને હ્યૂમથી આગળ જઈને વીસમી સદીના તાર્કિક પ્રત્યક્ષવાદીઓએ તો ચકાસણીક્ષમતા(verifiability)ને જ અનુભવાશ્રિત વિધાનોની અર્થયુક્તતા(meaningfulness)નું ધોરણ બનાવી દીધું. તેથી તેમના મતે ચકાસણીક્ષમ વિધાનો જ અર્થયુક્ત હોય છે અને પ્રત્યક્ષાનુભવાશ્રિત વિધાનો જ ચકાસણીક્ષમ હોય છે. એટલે ગણિતતર્કશાસ્ત્રનાં વિશ્લેષક વિધાનો અને વિજ્ઞાનોનાં અનુભવાશ્રિત વિધાનો સિવાયનાં ઈશ્વર, આત્મા વગેરે વિશેનાં વિધાનો અસત્ય, અજ્ઞેય કે અનિશ્ચિત નહિ પણ અર્થવિહીન (nonsensical) જ છે. ઈશ્વર, આત્મા વગેરે છે, પણ તે અજ્ઞેય છે તેવું કહેવાને બદલે અથવા તે છે કે નહિ તે જાણી શકાય નહિ તેમ કહેવાને બદલે તાર્કિક પ્રત્યક્ષવાદીઓ તત્વવિચારાત્મક (metaphysical) તમામ વિધાનોને અર્થવિહીન જ ગણે છે. હ્યૂમ, કાન્ટ કે સ્પેન્સર કરતાં આ અભિગમ વધુ આત્યંતિક છે, કારણ કે કાન્ટે વસ્તુસ્વયં વિશે વિચારી શકાય છે પણ તેનું જ્ઞાન મળી શકે નહિ તેવું કહ્યું હતું, જ્યારે તાર્કિક પ્રત્યક્ષવાદીઓ તો વસ્તુ-સ્વયં વિશેનાં વિધાનોને અર્થયુક્ત (meaningful) ગણવા પણ તૈયાર નથી, કારણ કે તે ચકાસણીક્ષમ નથી.

અજ્ઞેયવાદનો પ્રશ્ન આમ તો જ્ઞાનની કાયમી સીમાઓ દર્શાવવાનો પ્રશ્ન છે. જ્ઞાનની સીમાઓ કાયમી ધોરણે અજ્ઞેયવાદીઓ જે રીતે નિશ્ચિત કરે છે તે રીતે નિશ્ચિત કરી શકાય કે કેમ તે ખુદ એક વિવાદનો પ્રશ્ન બની ગયો છે. જ્ઞાનની સીમાઓ વિશેના જ્ઞાનનું પ્રામાણ્ય શું છે તે પ્રશ્ન પણ આ સંદર્ભમાં ઉદભવે છે. જ્ઞાનની મર્યાદાઓ કાયમી રીતે નિશ્ચિત થઈ શકે છે તેવું અજ્ઞેયવાદીઓ ધારી લે છે.

મૂ. કા. ભટ્ટ

મધુસૂદન બક્ષી