અજીવજનન (abiogenesis) : નિર્જીવ પદાર્થમાંથી સજીવની ઉત્પત્તિ સૂચવતી માન્યતા. જીવની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ તે જીવવિજ્ઞાનનો રહસ્યમય કોયડો છે. વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક માર્ગ પર ચૈતન્યના પ્રારંભિક ઊગમનો સીધો પુરાવો ઉપલબ્ધ નથી. એટલે તેને અંગે વિવિધ અટકળો બધી પ્રજાઓએ કરેલી છે.
ઍરિસ્ટોટલે નાઇલ નદીના પટમાં ચિયાની જાત, દેડકાં, માછલીઓ અને અન્ય જીવો ઉત્પન્ન થતાં એમ પ્રત્યક્ષ અવલોકન પરથી અનુમાન કરીને કહ્યું : દૂધી, રીંગણ વગેરે ફાટે તો તેમાંથી બકરાંનાં બચ્ચાં કૂદી પડે એવી વાહિયાત કલ્પના પણ થયેલી છે.
જૂના કપડાંના ડૂચા, કચરો, દાણા, ખાદ્ય પદાર્થો વગેરેના ઉકરડામાંથી એકાએક ઉંદરો ઉત્પન્ન થયેલા દેખાવાથી યાન બેપ્તિસ્તે વાન હેલમન્ટે (1577–1644) નિર્જીવ પદાર્થમાંથી સજીવ ઉત્પન્ન થાય છે એમ પ્રતિપાદન કર્યું. સજીવો મૃત કાર્બનિક પદાર્થોમાંથી સ્વયંભૂ ઉદ્ભવે છે એ જ મંતવ્યનું સમર્થન ફિલસૂફ પ્લોટાઇનસે સ્વયંજનનવાદ રૂપે કર્યું છે.
અઢારમી સદીમાં નિર્જીવમાંથી ઉચ્ચ કોટીની જીવસૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે નહિ તે સ્પષ્ટ થયું. મૃત પ્રાણી કે વનસ્પતિના નિષ્કર્ષમાં જીવાણુઓની હાજરી માલૂમ પડતાં સમજાયું કે સજીવો કાર્બનિક પદાર્થોમાંથી સ્વયંભૂ ઉદ્ભવે છે. ઓગણીસમી સદીમાં લૂઈ પાશ્ચરે સૂક્ષ્મ જીવાણુ પણ પ્રજનન કરે છે અને સજીવો સ્વયંભૂ ઉત્પન્ન થતા નથી એવું સિદ્ધ કર્યું હતું. નિર્જીવ પદાર્થમાંથી જીવનતત્ત્વને પ્રગટ કરવાના પ્રયોગોમાં આધુનિક વિજ્ઞાનીઓ રસ લઈ રહ્યા છે.
પ્રમોદ રતિલાલ શાહ
મુકુંદ દેવશંકર ભટ્ટ