અજમો : દ્વિદળી વર્ગના ઍપિયસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trachyspermum ammi (Linn.) Sprague. syn. T. copticum Link., syn. Carum copticum Hiren. (સં. अजमोद; હિં. अजवायन, आजोवान; ગુ. અજમો; અં. બિશપ્સ વીડ.) છે. તેના સહસભ્યો બ્રાહ્મી, વરિયાળી, પીમ્પીનેલા, હિંગ, સુવા, ધાણા, જીરું અને ગાજર છે.
વર્ગીકરણની પદ્ધતિમાં આ કુળને ઍપિયેલ્સ ગોત્રમાં એરાલીએસી અને કોર્નેસી કુળોની સાથે સ્થાન આપેલું છે.
એકવર્ષાયુ છોડ. બે અથવા ત્રણ પીનાધાર (rachis) ઉપર, ઘેરા લીલા રંગનું ખૂબ જ ખંડિત થયેલું, ફાચર (wedge) આકારના ભાગો ધરાવતું સંયુક્ત પર્ણ. સફેદ, સંયુક્ત છત્રાકાર ગુચ્છમાં આવેલાં પુષ્પો. નિયમિત પુષ્પોની નીચે નિપત્રો (bracts) અને નિપત્રિકાઓ (bracteoles) ચક્રાકારે ગોઠવાયેલાં હોય છે. પાંચ પાંખડીઓ અને પાંચ પુંકેસરો પાંખડીઓ સાથે સંલગ્ન ચકતી (disc) ઉપર દ્વિયુક્તસ્ત્રીકેસરી દ્વિકોટરીય અધ:સ્થ બીજાશય, દ્વિસ્ત્રીકેસરીય અધ:સ્થ બીજાશય. બે કોટરોમાં વેશ્મફોટી યુગ્મવેશ્મ (cremocarp) ફળ. પ્રત્યેક કોટરમાં એક જ નિલંબી અંડક હોય છે.
અજમો મૂળ ઇજિપ્તનો ગણાય, પણ હાલમાં ભૂમધ્ય સમુદ્રના પ્રદેશો તથા ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં વાવેતર થાય છે. ભારતમાં મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળમાં તે વવાય છે. તેજાના તથા મસાલામાં વપરાય છે. અજમાનું બાષ્પનિસ્યંદન કરતાં અજમાનું તેલ મળે છે (2%થી 3.5%) તે રંગવિહીન કે તપખીરિયા પીળા રંગનું હોય છે. તેની વાસ થાયમૉલ જેવી અને સ્વાદ કડવો અને તીખો હોય છે. તેમાં થાયમૉલ, કાર્વેક્રોલ અને બીજા આઇસોપ્રીનોઇડ્સ હોય છે. આ તેલને ઠારતાં થાયમૉલ (35%થી 60%) – અજમાનાં ફૂલ સ્ફટિક રૂપે મળે છે. થાયમૉલ કાઢી લીધા પછીનું તેલ થાઇમીન (થાયમસ વલ્ગેરિસમાંથી મળતા તેલ જેવું હોઈ) તરીકે ઓળખાય છે. અજમાનું તેલ અને થાયમૉલ જીવાણુનાશક, કૃમિઘ્ન, કફોત્સારક (expectorant) હોય છે. આયુર્વેદ અનુસાર તે અગ્નિમાંદ્ય, અતિસાર, શૂલ, ઉદરવાયુ, અપચો વગેરેમાં ઉપયોગી છે.
ટૂથપેસ્ટ, ટૂથપાઉડર (દંતમંજન) તથા કોગળા કરવાના પ્રવાહીમાં થાયમૉલ નંખાય છે.
શોભન વસાણી
સરોજા કોલાપ્પન
માલતીબહેન ગુલાબસિંહ ચૌહાણ