અજમેર : ભારતના રાજસ્થાનનો જિલ્લો અને તેનું વડું મથક. વિસ્તાર : આશરે 8,481 ચોકિમી. વસ્તી : જિલ્લો 25,08,000 (2011); શહેર 5,42,321 (2011). રાજપૂત શાસક અજયદેવે અગિયારમી સદીમાં અજમેરની સ્થાપના કરી હતી. ભારતના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ પાસેથી સુલતાન મુઇજુદ્દીન મહમ્મદ ઘોરીએ એ જીતી લીધું. 1193માં તે દિલ્હીના ગુલામ વંશના રાજ્ય સાથે જોડાયું તે પછી તેરમા સૈકામાં રણથંભોરના હમ્મીરદેવ અને તે પછી મેવાડના રાણા કુંભાએ એને કબજે કર્યું. ઈ. સ. 1455માં માળવાના મુસ્લિમ સુલતાને અને 1515માં મેવાડના રાણા સાંગાએ એ જીત્યું. અકબરે 1556માં તે પોતાને હસ્તક લીધું. 1770માં તે મરાઠાઓના તાબામાં ગયું અને 1818માં બ્રિટિશ સૈન્યના કબજા હેઠળ આવ્યું, ત્યાં સુધી મરાઠા અને રાજપૂતો વચ્ચે સંઘર્ષ જારી રહેલો. અજમેર દેશી રજવાડાનું પાટનગર રહ્યું હતું. પ્રાચીન જૈન મંદિર આશરે 1200માં મસ્જિદમાં ફેરવાયું હતું. મુસ્લિમ જગતમાં પ્રસિદ્ધ મુસ્લિમ સંત મોહીયુદ્દીન ચિશ્તીની ત્યાં દરગાહ છે. અકબરનો મહેલ (હાલનું સંગ્રહાલય) વગેરે અહીંનાં દર્શનીય સ્થાનો છે. રાજપૂતો સામેની લડાઈમાં અજમેર શહેરનો લશ્કરી થાણા તરીકે મુસ્લિમ શાસકોએ ઉપયોગ કર્યો હતો. અજમેર જિલ્લો અરવલ્લીની ટેકરીઓવાળો પ્રદેશ છે. લૂણી નદી અને બનાસ નદીની ઉપનદીઓ અજમેર જિલ્લામાંથી વહે છે. કૃષિ મુખ્ય ઉદ્યોગ છે. હસ્તકલા, રંગકામ અને હાથવણાટ માટે પણ તે પ્રખ્યાત છે. અકબરે ચિશ્તીની માનતા માનેલી અને માનતા ફળેલી. એટલે એણે દિલ્હીથી અજમેરની પદયાત્રા કરેલી. ત્યારથી પ્રતિવર્ષ ત્યાં ઉર્સ (મેળો) ભરાય છે, જેમાં વિશ્વભરમાંથી મુસ્લિમો યાત્રાએ આવે છે.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ

હેમન્તકુમાર શાહ