અજમેર : ભારતના રાજસ્થાન રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક.
ભારતનાં પ્રાચીન શહેરોમાંનું આ એક શહેર છે. આ શહેરને રાજસ્થાનના ‘હૃદય’ તરીકે ઓળખવામાં આવે છે.
ભૌગોલિક સ્થાન–પરિવહ–અર્થતંત્ર–પ્રવાસન : આ શહેર 26 45´ ઉ. અ. અને 74 64´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 55 ચો.કિમી. છે. સમુદ્રની સપાટીથી 480 મીટરની ઊંચાઈએ સ્થિત છે. ભારતની વાયવ્ય દિશાએ આવેલી અરવલ્લી પર્વતીય હારમાળાથી ઘેરાયેલ છે. તારંગાની ડુંગરાળ હારમાળાના તળેટીના વિસ્તારમાં આવેલ છે. અરવલ્લી પર્વતની નાગપથાર હારમાળા જે થાર રણને આગળ વધતું અટકાવે છે, તેથી અજમેર રણથી સુરક્ષિત રહ્યું છે. લૂણી અને બનાસ નદીની ઉપનદીઓ આ જિલ્લામાંથી વહે છે.
અજમેરનું વાતાવરણ પ્રમાણમાં ગરમ રહે છે. એટલે કે તેની આબોહવા અર્ધશુષ્ક કહી શકાય. સમગ્ર વર્ષ દરમિયાન તાપમાન સામાન્ય રીતે ઊંચું રહે છે. ઉનાળાના એપ્રિલથી જૂન માસ દરમિયાન તાપમાન 30 સે. કે તેથી વધુ રહે છે. ચોમાસાની ઋતુ દરમિયાન અવારનવાર ગાજવીજ સાથે વરસાદ અનુભવાય છે. દર વર્ષે લગભગ 55 સેમી. જેટલો વરસાદ પડે છે. શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન તાપમાન 15 થી 18 જેટલું રહે છે. આ સમયગાળામાં ભેજનું પ્રમાણ નહીંવત્ રહે છે, તેમ છતાં ક્યારેય તાપમાન 0 સે. જેટલું અનુભવાયું નથી.
પરિવહન : રાજસ્થાનના મધ્યભાગમાં આ શહેર આવેલું છે. આથી રાજ્યના મોટા ભાગનાં શહેરો સાથે તે રાજ્યના ધોરી માર્ગો અને રાષ્ટ્રીય ધોરી માર્ગોથી સંકળાયેલું છે. રાજ્યની પરિવહનની બસો તેમજ ખાનગી બસોની સગવડ અહીં ઉપલબ્ધ છે.
બ્રિટિશ શાસનના સમયગાળામાં અહીં રેલમાર્ગો સ્થપાયા હતા. પશ્ચિમ વિભાગની રેલવે અને ઉત્તર ભારતની રેલવેનું અજમેર મુખ્ય જંકશન છે.
કિશનગઢ હવાઈ મથક એ અજમેરનું સૌથી પાસે આવેલું હવાઈ મથક છે. તે અજમેર શહેરથી આશરે 25 કિમી. દૂર છે. આ હવાઈ મથક દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ, ઇન્દોર અને સૂરતનાં હવાઈ મથક સાથે સંકળાયેલ છે. જયપુર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આશરે 135 કિમી. દૂર છે.
અર્થતંત્ર : આ જિલ્લામાં લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે, જે વરસાદ પર આધારિત છે. મોટે ભાગે કપાસ, બાજરી, કઠોળ, સરસવ અને ઘઉંની ખેતી વિશેષ લેવાય છે. કુટિર ઉદ્યોગોમાં હસ્તકલા, રંગકામ અને હાથવણાટ માટે તે પ્રખ્યાત છે.
પ્રવાસન : ભારતમાં રાજસ્થાનમાં પ્રવાસન ઉદ્યોગે વધુ પ્રગતિ કરી છે. અજમેરના સંદર્ભમાં જોઈએ તો પુષ્કર જે અજમેરથી લગભગ દસ કિલોમીટર દૂર છે. અહીં પ્રાચીન સરોવર છે જે 14મી સદીનું હોવાનું મનાય છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ જે ‘અજમેર શરીફની દરગાહ’ તરીકે ઓળખાય છે. હૈદરાબાદના નિઝામે આ દરગાહનો દરવાજો બાંધી આપ્યો હતો. દરરોજ આશરે સવા લાખ લોકો આ દરગાહની મુલાકાત લે છે. તારાગઢનો કિલ્લો જે ભારતનો સૌથી જૂનો ટેકરી ઉપરનો કિલ્લો છે. આ કિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 850 મીટરની ઊંચાઈએ આવેલો છે. તેની દીવાલ કેટલીક જગ્યાએ 7 મીટર જેટલી જાડી છે. બ્રિટિશ શાસન દરમિયાન ઈ. સ. 1832માં લૉર્ડ વિલિયમ બેંટિકે આ કિલ્લાનો શાસ્ત્રાગાર તરીકે ઉપયોગ કર્યો હતો. અહીંનું ચામુંડા માતાનું મંદિર પણ દર્શનીય છે. ભારતનાં 108 શક્તિપીઠમાં તેનો સમાવેશ થાય છે. તે અજમેરથી આશરે 11 કિમી. દૂર આવેલું છે. અના (Ana) સાગર સરોવરનું નિર્માણ મહારાજા અનાજીએ બારમી સદીમાં કર્યું હતું, જે આજે ‘સુભાષઉદ્યાન’ તરીકે ઓળખાય છે. દુષ્કાળના સમયે વરસાદના પાણીનો સદ્ઉપયોગ થાય તે માટે 1892માં એક કૃત્રિમ ‘ફોય (Foy) સાગર’ સરોવરનું નિર્માણ કરાયું હતું. આ સરોવરમાં આશરે 15 કરોડ ક્યૂબિક ફૂટ પાણીનો સંગ્રહ થાય છે.
લૉર્ડ માયાઓ(Mayo)એ 1875ની સાલમાં માયાઓ કૉલેજનું નિર્માણ કર્યું હતું. આજે આ કૉલેજ 167 એકરમાં વિસ્તરી છે. પૃથ્વીરાજ સ્મારક જે તારાગઢ જતા માર્ગમાં આવે છે. મહંમદ ઘોરીના શાસન દરમિયાન અનેક જૈન મંદિરો અને હિન્દુ મંદિરોને મસ્જિદમાં ફેરવ્યાં હતાં. ‘સોની (Soni) જી કી નસીયાન (Nasiyaan)’ જૈન મંદિર જોવા લાયક છે, જેનું નિર્માણ 19મી સદીમાં થયું હતું. આ સિવાય અન્ય ઐતિહાસિક સ્થળો જોવાલાયક છે.
ઇતિહાસ : અજમેર જે ‘અજમેરુ’ તરીકે ઓળખાતું હતું. આ શહેરની સ્થાપના આશરે 11મી સદીમાં ચાહમાના(Chahamana) રાજા અજયદેવાએ કરી હતી. ભારતના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ પાસેથી સુલતાન મુઈજુદ્દીન મહંમદ ધોરીએ જીતી લીધું. 1193માં તે દિલ્હીના ગુલામ વંશના રાજ્ય સાથે જોડાયું તે પછી તેરમા સૈકામાં રણથંભોરના હમ્મીરદેવ અને તે પછી મેવાડના રાણા કુંભાએ એને કબજે કર્યું. ઈ. સ. 1455માં માળવાના મુસ્લિમ સુલતાને અને 1515માં મેવાડના રાણા સાંગાએ જીત્યું. અકબરે 1556માં તે પોતાને હસ્તક લીધું. 1770માં તે મરાઠાઓના તાબામાં ગયું અને 1818માં બ્રિટિશ સૈન્યના કબજા હેઠળ આવ્યું ત્યાં સુધી મરાઠા અને રાજપૂતો વચ્ચે સંઘર્ષ જારી રહેલો. 1866માં મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ. તે અજમેર – મેવાડ પ્રાંતનું મુખ્ય મથક અને સેન્ટ્રલ જેલ બની. એક સમયે આ શહેરમાં 12 પ્રિન્ટિંગ પ્રેસ હતાં. જેમાં આઠ અઠવાડિક છાપાં પ્રગટ થતાં. ભારત સ્વતંત્ર થતાં તે રાજપૂતાના પ્રાંત બન્યો, પછી તે રાજસ્થાન તરીકે ઓળખાયો.
આજે આ શહેરને યુનેસ્કોએ ‘હેરિટેજ શહેર’ તરીકે પસંદ કરેલ છે અને ભારત સરકારે તેને ‘સ્માર્ટ સિટી’ બનાવવા નિર્ધાર કર્યો છે.
ગુજરાતના ઐતિહાસિક નવલકથાકાર ઝવેરચંદ મેઘાણીએ ‘ગુજરાતનો જય’ નવલકથા લખી હતી. આ નવલકથામાં જૈન સાહિત્યનો આધાર લીધો હતો. જેમાં તેઓએ સપાદલક્ષણ (અજમેર) શહેરનું વર્ણન કર્યું છે.
આ સિવાય ગુજરાતના કવિ બળવંતરાય ઠાકોર પણ અજમેરની મ્યુનિસિપાલિટીમાં ત્રણ વર્ષ સભાસદ તરીકે નિમાયેલા. તેમજ 1902માં સરકારી કૉલેજમાં અધ્યાપક અને ઉપાચાર્ય તરીકે કામ કર્યું હતું.
વસ્તી : જિલ્લાની વસ્તી 25,84,913 અને શહેરની વસ્તી 5,42,312 (2011 મુજબ) છે.
નીતિન કોઠારી
ઝિયાઉદ્દીન અ. દેસાઈ
હેમન્તકુમાર શાહ