અજ : ભારતીય ઇતિહાસમાં અજ નામના અનેક રાજાઓ થઈ ગયા. ઋગ્વેદના સાતમા મંડળમાં વર્ણવેલા દાશરાજ્ઞ યુદ્ધમાં સુદાસના શત્રુનું નામ અજ હતું. અજ નામે એક પાંડવપક્ષીય રાજા પણ હતો. પ્રિયવ્રત વંશના ઋષભદેવના કુળમાં જન્મેલા પરિહર્તા અને સ્તુતિના મોટા પુત્રનું નામ અજ હતું. વિજયકુળમાં થયેલા બલાકાશ્વ રાજાના પુત્રનું નામ અજ હતું. અજ ઇક્ષ્વાકુ કુળનો રાજા હતો.
જુદા જુદા ગ્રંથોમાં ઇક્ષ્વાકુ કુળના અજ રાજાની પરંપરા પણ અલગ અલગ આપવામાં આવી છે. પદ્મપુરાણ પ્રમાણે અજ રઘુનો પૌત્ર તથા દિલીપ બીજાનો પુત્ર હતો. અજનો પુત્ર દીર્ઘબાહુ અને તેનો પુત્ર દશરથ હતો. એક વર્ણન પ્રમાણે અજા એટલે કે બકરી પાળવાને લીધે તેનું નામ અજ પડ્યું હતું. તેણે ભૈરવીનું પૂજન કરીને સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત કર્યાં હતાં.
કાલિદાસના ‘રઘુવંશ’ પ્રમાણે દિલીપ રાજાનો પુત્ર રઘુ તથા રઘુનો પુત્ર અજ હતો. તે ઇન્દુમતી નામની વિદર્ભકન્યાને પરણ્યો હતો. એક વાર નારદની વીણાનું પુષ્પ ઇન્દુમતી ઉપર પડતાં તેનું અવસાન થયું, ત્યારે અજ રાજાએ ખૂબ વિલાપ કર્યો હતો. આ અજવિલાપ સાહિત્યદૃષ્ટિએ પ્રસિદ્ધ છે.
રઘુના જેટલા જ પરાક્રમી અજે ઇન્દુમતીના અવસાન બાદ આમરણાંત ઉપવાસ કરેલા. અજ અને ઇન્દુમતીના પુત્રનું નામ દશરથ હતું અને તે દશરથ પ્રસિદ્ધ રામના પિતા હતા.
પરમાનંદ દવે