અછૂત કન્યા (1936) : લોકપ્રિય હિન્દી ચલચિત્ર. કથા : હિમાંશુ રૉયની. દિગ્દર્શન : ફ્રેન્ઝ ઑસ્ટિન. મુખ્ય અભિનય : દેવિકારાણી અને અશોકકુમાર. નિર્માતા : બૉમ્બે ટૉકીઝ. હરિજન દુખિયાની પુત્રી કસ્તૂરી અને બ્રાહ્મણ મોહનલાલનો પુત્ર પ્રતાપ એકબીજાના પ્રેમમાં છે. ગામડાંના લોકો એનો વિરોધ કરે છે; એટલું જ નહિ, પણ બંનેના બાપ એકબીજા જોડે સંબંધ રાખે તેનો પણ વિરોધ કરે છે. આમ છતાં પ્રતાપ અને કસ્તૂરી તો એકબીજાને મળે છે, રમે છે. પ્રતાપે કસ્તૂરીને ત્યાં ખાધું એ સમાચારે ગામલોકોનો પુણ્યપ્રકોપ ભડકી ઊઠે છે. તેમાં વળી દુખિયો માંદો છે તેને મોહનલાલ પોતાના ઘરમાં રાખે છે. ગામલોકો મોહનલાલને દુખિયાને ઘરમાંથી કાઢી મૂકવા કહે છે. મોહનલાલ ન માનતાં એનું ઘર સળગાવે છે. પ્રતાપને બીજે પરણાવી દેવામાં આવે છે અને કસ્તૂરીને પણ. પ્રતાપની પત્ની અને કસ્તૂરીની શોક્ય ષડ્યંત્ર રચે છે, જેને પરિણામે કસ્તૂરી રેલવે-અકસ્માતમાં મૃત્યુ પામે છે. હરિજનઉદ્ધારની ઝુંબેશ એ સમયે જોરમાં ચાલતી હતી, એટલે સમસામયિક સમસ્યા લઈને આ ફિલ્મનું કથાનક તૈયાર કરવામાં આવેલું. અશોકકુમારનું આ પ્રથમ ચિત્ર હતું. એના તથા દેવિકારાણીના ઉત્તમ અભિનયે ફિલ્મને પ્રચુર કીર્તિ અપાવી હતી.

કેતન મહેતા