અચ્ચ મિલઇ અચ્ચર મિલઇ : 1984નો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ ફિલ્મ. કથા તથા દિગ્દર્શન : બાલચન્દ્રન. નિર્માતા : કવિથાલય પ્રોડક્શન્સ. મુખ્ય કલાકારો : સરિથા, રાજેશ, દેહલી ગણેશ, પવિત્રા, અહલ્યા, પ્રભાકર.
થેનગોજન ફટાકડાની દુકાનમાં મજૂરી કરે છે. એનો બાપ બ્રહ્મનારાયણમ્ આંધળો હોવાથી, એ સ્વાતંત્ર્યસેનાની હોવા છતાં દીકરીની કમાણી પર જ આધાર રાખતો હોય છે. ઉલ્લંગનાથન્ સામાજિક કાર્યકર છે, મજૂર સંગઠનનો પ્રમુખ છે; દલિત લોકોના હક માટે સતત લડનારો છે. એ થેનગોજનના સંપર્કમાં આવતાં બંને વચ્ચે પ્રણયસંબંધ બંધાય છે. બ્રહ્મનારાયણમ્ને પણ પોતાની દીકરી માટે એ આદર્શ પતિ લાગે છે. બંનેનાં લગ્ન લેવાય છે. પણ મજૂરોના મતો મેળવવા રાજકીય પક્ષો ઉલ્લંગનાથન્ને અનેક પ્રલોભનો આપે છે. પરિણામે આદર્શની દુનિયામાંથી એ વાસ્તવની દુનિયામાં સરી પડે છે. થેનગોજન આનો સખત વિરોધ કરે છે, ત્યારે પ્રધાન બનવાનાં સ્વપ્નાં સેવતો અને રાજકીય પક્ષના ગંદવાડમાં ખૂંપી જતો એ તેનો તિરસ્કાર કરે છે, એને હડધૂત કરે છે. થેનગોજનના પિતાને પણ એણે પ્રલોભન આપી વશ કર્યો છે, એટલે મૂલ્યોની લડતમાં થેનગોજન એકલી પડી જાય છે. તેને અનેક સમાધાનો કરવાં પડે છે. ઉલ્લંગનાથન્ ચૂંટણીમાં ઊભો રહે છે અને ચૂંટણીપ્રચાર માટે ગુંડાઓ રોકે છે. પત્ની વિરોધ કરે છે ત્યારે એને કહે છે, ‘‘તારું સ્થાન ઘરમાં છે. મારી બાબતમાં ડખલ નહિ જોઈએ.’’ થેનગોજન સુવાવડ માટે પિતૃગૃહે જાય છે, ત્યારે ઉલ્લંગનાથન્ ચૂંટણી જીતે છે, પણ કોઈ પણ પક્ષની બહુમતી ન આવતાં પ્રધાન થવા માટે પક્ષપલટો કરે છે, અને ઝૂંપડીમાંથી મહેલમાં રહેવા જાય છે. થેનગોજન પતિગૃહે પાછી ફરતાં એને ખબર પડે છે કે પોતાની વિરુદ્ધ ચૂંટણીમાં કામ કરનારનું પતિએ ખૂન કરાવ્યું છે એટલે એ પતિની શય્યાભાગિની થવાનો ઇન્કાર કરે છે, તેથી ઉલ્લંગનાથન્ અલંગરમ્ નામની રખાતને ઘરમાં લાવીને એની સામે થેનગોજનની જોડે દુર્વ્યવહાર કરે છે. મત મેળવવા ઉલ્લંગનાથન્ કોમી દાવાનળ પ્રગટાવે છે. થેનગોજન પતિથી અલગ રહે છે. પછી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વખતે ઉલ્લંગનાથન્ મૂલ્યોની જાળવણી માટે ભાષણ કરે છે, ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવે છે. ત્યારે થેનગોજન ઉલ્લંગનાથન્ને હાર પહેરાવી પછી છરી મારીને એનું ખૂન કરે છે.
આ રાજકીય પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર રજૂ કરતી ફિલ્મ છે અને એમાં થેનગોજનના પાત્ર દ્વારા બાલચન્દ્રને ક્રાન્તિની ઘોષણા કરી છે. આ ચિત્રનું હિન્દી રૂપાંતર ‘પ્રતિઘાત’ નામે રજૂ થયું હતું. એમાં થેનગોજનની ભૂમિકા સુજાતા મહેતાએ ભજવી હતી.
ચન્દ્રકાન્ત મહેતા