અચેતન મન : માનવમનના ત્રિવિધ સ્તરમાંનું એક. સમગ્ર માનવજાતના ઇતિહાસના વિવિધ તબક્કે અનેક કવિઓ અને ચિંતકો દ્વારા અચેતન મન અંગે વિચારણા હંમેશાં થતી આવી છે. પરંતુ મનોવિજ્ઞાનના વિજ્ઞાન તરીકેના વિકાસના ઇતિહાસમાં અચેતન મન અંગેના ખ્યાલની સૌપ્રથમ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રજૂઆત કરવાનો યશ મનોવિશ્ર્લેષણવાદના પ્રસ્થાપક ડૉ. સિગમંડ ફ્રૉઇડ(ઈ. સ. 1856–1939)ને ફાળે જાય છે.

ફ્રૉઇડના મત મુજબ, માનવમન ત્રણ વિભાગમાં વહેંચાયેલું છેઃ 1. અચેતન (unconscious) 2. પૂર્વચેતન (preconscious) અને 3. ચેતન (conscious). જેનાથી વ્યક્તિ સંપૂર્ણ સભાન છે તેવા તમામ અનુભવો કે વિચારો ચેતન મનના, નજીવા પ્રયત્નોથી તરત જ સભાન બની શકાય તેવા અર્ધચેતન અનુભવો કે વિચારો પૂર્વચેતન મનના તથા જેનાથી વ્યક્તિ સંપૂર્ણ અજ્ઞાત છે તેવા અનુભવો કે વિચારો અચેતન મનના ઘટકો છે. અચેતન મનના બંધારણ તથા કાર્યની વધુ સ્પષ્ટતા કરતાં ફ્રૉઇડ નિમ્ન અહમ્ (id), અહમ્ (ego) તથા ઉચ્ચ અહમ્(super ego)ના ખ્યાલો રજૂ કરે છે. ફ્રૉઇડના મતે, નિમ્ન અહમ્ એ મુખ્યત્વે જાતીયતા તથા આક્રમકતા સાથે સંકળાયેલી વારસાગત, સહજવૃત્તિરૂપ ઇચ્છાઓનો સમૂહ છે, જે કોઈ પણ જાતના બૌદ્ધિક વિચાર વિના વ્યક્તિને કેવળ ઇચ્છાતૃપ્તિ માટે પ્રેરે છે. નિમ્ન અહમ્ની જે ઇચ્છાઓ વાસ્તવિક પરિસ્થિતિમાં સંતોષવાલાયક હોય તેને અહમ્ સંતોષે છે અને બાકીની ઇચ્છાઓનું દમન કરે છે. ઉચ્ચ અહમ્, માનવીએ સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા સંપાદિત કરેલાં નૈતિક મૂલ્યો અને ધોરણોને પ્રતિબિંબિત કરે છે અને નિમ્ન અહમ્ની જે ઇચ્છાઓ તથા અહમ્ના જે નિર્ણયો આ મૂલ્યો સાથે સુસંગત ન હોય તેનું તે દમન કરે છે. આમ, નિમ્ન અહમ્ કેવળ સુખ સાથે, અહમ્ બૌદ્ધિકતા અને વાસ્તવિકતા સાથે તથા ઉચ્ચ અહમ્ નૈતિકતા સાથે સંકળાયેલાં છે. બીજી રીતે કહીએ તો, નિમ્ન અહમ્ અચેતન મન સાથે, અહમ્ મહદ્ અંશે ચેતન મન સાથે તથા ઉચ્ચ અહમ્ ચેતન મન અને અચેતન મન બંને સાથે સંકળાયેલી માનસિક પ્રક્રિયાઓને પ્રતિબિંબિત કરે છે. ફ્રૉઇડના મતે, નિમ્ન અહમ્ના અહમ્ તથા ઉચ્ચ અહમ્ સાથે થતા રહેતા સતત સંઘર્ષને પરિણામે માનવીની અનેક ઇચ્છાઓનું છેક બાલ્યકાળથી દમન થતું રહે છે. આ બધી અતૃપ્ત અને દમિત ઇચ્છાઓ અચેતન મનમાં ભાવગ્રંથિઓ (complexes) રૂપે સંગ્રહાય છે, અને સ્વપ્નો, આકસ્મિક વાર્તનિક ભૂલો, બચાવપ્રયુક્તિઓ તથા સૌમ્ય અને બૃહદ્ મનોવિકૃતિઓ દ્વારા પરોક્ષ રીતે અભિવ્યક્ત થાય છે. ફ્રૉઇડ માને છે કે જે રીતે પાણીમાં મૂકેલા બરફનો ખૂબ મોટોભાગ અદૃશ્ય રહે છે અને કેવળ નવમો ભાગ જ દૃશ્યમાન હોય છે તે રીતે માનવમનનો પણ સૌથી મોટો અને સૌથી વધુ અસરકારક એવો વિભાગ ચેતન મનનો નહિ, પરંતુ અચેતન મનનો છે. માનવીનું મોટા ભાગનું સભાન વર્તન આ અચેતન પ્રેરણાઓ દ્વારા નિયંત્રિત થતું હોવાથી, ફ્રૉઇડના મતે, વર્તનવિકૃતિના નિરાકરણ માટે તથા સ્વસ્થ વર્તનતરાહ નિપજાવવા માટે અચેતન પ્રેરણાઓને જાણવી ખૂબ આવશ્યક છે. ફ્રેંચ ચેતાવિજ્ઞાની શાર્કોટ (1825–1893) સાથે કરેલા સંમોહનને લગતા અભ્યાસો, વિયેનાના પ્રખ્યાત સર્જન જૉસેફ બ્રુઅર(1842–1925)ના હિસ્ટીરિયાને લગતા અભ્યાસો તથા પોતાના વ્યક્તિગત ચૈકિત્સીય અનુભવ દરમિયાન કરેલાં નિરીક્ષણોને આધારે ફ્રૉઇડ એ નિર્ણય પર આવ્યા કે અચેતન પ્રેરણાઓને ચેતનકક્ષાએ લાવવાથી, વ્યક્તિને તેનાથી સભાન બનાવવાથી, તે તેની નિષેધક તાકાત ગુમાવે છે ને વ્યક્તિત્વનો વિકાસ થાય છે. અચેતન પ્રેરણાઓને જાણવા માટે ફ્રૉઇડે મુક્ત સાહચર્ય (free association) તથા સ્વપ્ન-અર્થઘટન(dream-interpretation)ની પ્રયુક્તિઓ વિકસાવી હતી.

ફ્રૉઇડના અનુગામી નવ્યમનોવિશ્લેષણવાદી કાર્લ ગુસ્તાવ યુંગે (1875–1961) ફ્રૉઇડના અચેતન મનના ખ્યાલને, કેવળ જાતીયતા અને આક્રમકતાની પ્રેરણાઓ પૂરતો મર્યાદિત ન રાખતાં, તેના વિધાયક અને સર્જનાત્મક અંશો પર ભાર મૂક્યો. યુંગે ફ્રૉઇડના અચેતન મનના ખ્યાલમાં સામૂહિક અચેતન(collective unconscious)નું નવું પરિમાણ ઉમેર્યું. યુંગના મતે, માનવીનું અચેતન મન પણ બે પેટાવિભાગમાં વહેંચાયેલું છે. 1. વ્યક્તિગત અચેતન મન અને તેની ભાવગ્રંથિઓ (personal unconscious with its complexes) તથા 2. સામૂહિક અચેતન અને તેના આદ્યસંસ્કારો (collective unconscious with its archetypes). ફ્રૉઇડના અચેતન મનના ખ્યાલને જ યુંગ વ્યક્તિગત અચેતનના નામ દ્વારા રજૂ કરે છે. યુંગના મતે, માનવીના અચેતન મનમાં બાલ્યકાળથી શરૂ થતા અનુભવોની જ છાપ હોતી નથી, પરંતુ માનવજાતને પરાપૂર્વકાળથી થતા આવતા સામાન્ય અને સાર્વત્રિક અનુભવો જેવા કે જન્મ, મૃત્યુ, માતા, પિતા વગેરેની છાપ પણ તેના અચેતન મનમાં પ્રાથમિક પ્રતિકૃતિઓ (primordial images) કે આદ્યસંસ્કારો (archetypes) રૂપે પ્રતીકાત્મક રીતે સંગ્રહાયેલી હોય છે. માનવીના આ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતા તથા પેઢી દર પેઢીએ સંક્રમણ પામતા માનવમનમાં રહેલાં આ ઐતિહાસિક અને ભૂતકાલીન તત્ત્વોના સમૂહને યુંગ સામૂહિક કે જાતિપરક અચેતન (collective or racial unconscious) એવું નામ આપે છે. યુંગના મતે દંતકથાઓ, લોકવાર્તાઓ, કલાકૃતિઓ, સ્વપ્નો, ક્રિયાકાંડ તેમજ મનોવિકૃત ચિહનો દ્વારા વ્યક્તિગત અચેતન ઉપરાંત સામૂહિક અચેતનના ઘટકરૂપ આદ્યસંસ્કારો પણ પ્રતીકાત્મક રીતે રજૂ થાય છે. ફ્રૉઇડની માફક યુંગ પણ માને છે કે વ્યક્તિત્વવિકાસ એટલે અચેતન મનના સંસ્કારોને ચેતન કક્ષાએ લાવવા. આ પ્રકારનો વિકાસ સાધવા માટે સ્વપ્નો વગેરેનાં વિશ્લેષણો તથા અર્થઘટન ઉપરાંત યુંગ ધ્યાન(meditation)ની પ્રક્રિયાની પણ હિમાયત કરે છે. યુંગ માને છે કે તમામ રહસ્યવાદી અનુભવોના પાયામાં આ અચેતન આદ્યસંસ્કારોને ચેતન કક્ષાએ લાવવાની પ્રક્રિયા રહેલી છે. આમ યુંગ દિવ્યચેતન (superconscious) અવસ્થા તથા તે સાથે સંકળાયેલી પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓને અચેતન મનના કાર્યરૂપ ગણે છે.

ભારતીય મનોવિજ્ઞાન ફ્રૉઇડ તથા યુંગના અચેતન મન અંગેના ખ્યાલમાં એક ત્રીજું પરિમાણ ઉમેરે છે. તે મુજબ, માનવીના અચેતન મનમાં કેવળ તેના આ જન્મના વ્યક્તિગત અનુભવો તથા તેના પૂર્વજોના સાર્વત્રિક અનુભવો જ નહિ, પરંતુ તેના પોતાના પૂર્વજન્મોના અનુભવોની છાપ પણ રહેલી હોય છે. આ સર્વ અનુભવો ‘સંસ્કાર’ રૂપે, વ્યક્તિત્વના જ ભાગરૂપ સૂક્ષ્મ શરીરના એક ઘટક ‘ચિત્ત’માં સંગ્રહાયેલા હોય છે. તેને ‘કર્માશય’ પણ કહે છે. ભારતીય મનોવિજ્ઞાન મુજબ, સૂક્ષ્મ શરીરથી વીંટળાયેલો, વ્યક્તિત્વના કેન્દ્રરૂપ આત્મા, વ્યક્તિના સ્વ-ત્વ (identity) તથા સાતત્ય(continuity)ની લાગણી માટે જવાબદાર છે. જ્યારે સ્થૂલ દેહનો નાશ થાય છે ત્યારે વ્યક્તિ (આત્મા), તમામ અનુભવો અને કર્મોના સંસ્કાર ધરાવતા સૂક્ષ્મ શરીર સાથે માતાના ગર્ભમાં સૂક્ષ્મ રીતે પ્રવેશે છે ને નવો દેહ ધારણ કરે છે. જ્યાં સુધી વ્યક્તિ વિવિધ પ્રકારના યોગ કે ધ્યાનની પ્રક્રિયા દ્વારા આ તમામ અચેતન સૂક્ષ્મ સંસ્કારોમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી વ્યક્તિત્વવિકાસની પરાકાષ્ઠા આવતી નથી. જ્યારે વ્યક્તિ આત્મવિકાસની પરિસીમાએ પહોંચે છે, એટલે કે તમામ અચેતન સંસ્કારોથી મુક્ત થાય છે અને ચેતનાના સ્વરૂપગત આનંદનો વિધાયક અનુભવ કરે છે ત્યારે તેને જીવન્મુક્ત કહેવામાં આવે છે. ભારતીય મનોવૈજ્ઞાનિકો અને દાર્શનિકોના મત મુજબ, જીવન્મુક્ત કક્ષાએ પહોંચ્યા બાદ વ્યક્તિનાં કોઈ પણ નવાં કર્મો કે અનુભવોની છાપ તેના મન:પટ પર પડતી નથી અને વ્યક્તિ સાચા અર્થમાં સંપૂર્ણપણે મુક્ત અને સ્વતંત્ર બને છે.

અચિંતા યાજ્ઞિક