અગ્રવર્ગ

(Elite)

લઘુમતીમાં હોવા છતાં બહુમતીના અંકુશથી પર હોય અને બહુમતી પાસે પોતાના નિર્ણયોનું પાલન કરાવે તે વર્ગ.

આ અંગેના અભ્યાસની શરૂઆત લાસવેલના ‘Influentials’થી થઈ. 1950ના દસકામાં ઍટલાંટા, શિકાગો, ન્યૂયૉર્ક, ન્યૂહેવન વગેરે સ્થળોના અભ્યાસોમાં આ સિદ્ધાંત વિશેષ રૂપે ઊપસી આવ્યો.

અગ્રવર્ગનો સિદ્ધાંત માનવજાતની કુદરતી અસમાનતાના પ્રશિષ્ટ સિદ્ધાંત પર આધાર રાખે છે. તે માને છે કે અસમાનતા સહજ અને વિશ્વવ્યાપી ઘટના છે. પ્રત્યેક સમાજમાં એવો વર્ગ હોય છે, જે જન્મ, સંપત્તિ, શિક્ષણ, રહનસહનની શૈલી, સામાજિક કે ધાર્મિક દરજ્જો – આવી અનેક બાબતોમાં સામાન્ય સમાજ કરતાં જુદો પડે છે. વિવિધ વિચારકો આ અગ્રવર્ગને વિવિધ રીતે ઓળખાવે છે. દા.ત., પૅરેટો તેને ‘સરકાર ચલાવનાર શાસક વર્ગ’ તરીકે, મોસ્કા તેને ‘રાજકર્તા વર્ગ કે રાજકીય વર્ગ’, રૉબર્ટો મિશેલ્સ તેને ‘અલ્પજનશાહી’ અને સી. રાઈટ મિલ્સ તેને ‘સત્તા ભોગવતા અગ્રવર્ગ’ તરીકે વર્ણવે છે. બોટોમોર ‘કાર્યાત્મક જૂથો કે વ્યવસાયી જૂથો’ના નામથી તેને રજૂ કરે છે. રૉબર્ટ દ હાલ ‘‘સમાજના બહુમતી નહિ એવા નિયામકવર્ગને રાજ્યકર્તા અગ્રવર્ગ કે શાસકવર્ગ’’ તરીકે સ્વીકારે છે. બર્નહામ માને છે કે ઉત્પાદનના મુખ્ય સ્રોતો પર અંકુશ ધરાવનાર વર્ગ અગ્રવર્ગ હોય છે. અગ્રવર્ગ રાજકીય તથા આર્થિક પ્રભુત્વ પણ ધરાવતો હોવાનો. લાસવેલના મંતવ્ય મુજબ કોઈ પણ મૂલ્યનો ગુરુતમ ભાગ મેળવનાર અલ્પસંખ્યક સમૂહ તે અગ્રવર્ગ. તેના મતે કોઈ પણ સમાજમાં ત્રણ મુખ્ય મૂલ્યો હોય છે : (1) મોભો, (2) આર્થિક સ્થિતિ અને (3) સલામતી. આ મૂલ્યો અલ્પસંખ્યક હોવા છતાં અગ્રવર્ગ પ્રાપ્ત કરે છે. આથી જ અગ્રવર્ગ અને પ્રભાવ એકબીજાની સાથે જ રહે છે. અગ્રવર્ગોની બેહદ પ્રભાવકારક ભૂમિકાને કારણે સી. રાઈટ મિલ્સ રાજકારણમાંના અગ્રવર્ગને માટે શાસકવર્ગને બદલે ‘સત્તાશીલ અગ્રવર્ગ’ (power elite) એવો શબ્દપ્રયોગ કરે છે.

સ્થળ અને કાળ અનુસાર અગ્રવર્ગનું સ્વરૂપ બદલાય છે. સામાજિક વિકાસના તબક્કાઓની નોંધપાત્ર અસર અગ્રવર્ગના સ્વરૂપ પર પડે છે. તે પ્રથમ નજરે અલ્પજનશાહી કે ઉમરાવશાહી જેવો લાગે છે; કારણ કે આ બંને પદ્ધતિઓ સ્થાપિત હિતોનું રક્ષણ અને સંવર્ધન કરવામાં માને છે. પણ અગ્રવર્ગ એ અલ્પજનશાહી કે ઉમરાવશાહી નથી; કારણ કે અગ્રવર્ગમાં પરંપરાગત ઉમરાવપણાનું અને પોતાને જ ચિરસ્થાયી કરવાનું વલણ હોતું નથી. અલબત્ત, અગ્રવર્ગના સભ્યો પોતાનાં સ્થાપિત હિતોની હિફાજત અને માવજત કરે છે ખરા, પરંતુ અગ્રવર્ગના આ સભ્યો સમાજમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આમજનતા તેને માન્ય રાખે છે, તેને સન્માનનીય ગણે છે. આથી જ કટોકટીના સમયનો અગ્રવર્ગ અને શાંતિના સમયનો અગ્રવર્ગ એક જ રાષ્ટ્રમાં અલગ અલગ હોઈ શકે છે. અગ્રવર્ગના અસ્તિત્વનો પહેલો આધાર તેના સભ્યોના સામાજિક સ્થાન પર રહે છે. બીજો આધાર તેની સામાજિક દૃષ્ટિગોચરતા (social visibility) પર રહે છે. પ્રજામાં અગ્રવર્ગના સભ્યો કેટલે અંશે હળેભળે છે, કેટલા પ્રમાણમાં પ્રજા વચ્ચે દેખાય છે વગેરે બાબતો પર અગ્રવર્ગના અસ્તિત્વનો આધાર રહે છે.

વળી સમાજનાં મૂલ્યો બદલાય તેમ અગ્રવર્ગ પણ બદલાય છે. અગ્રવર્ગનો ખ્યાલ સૌપ્રથમ પૅરેટોએ (1848–1923) રજૂ કર્યો. તેમના ખ્યાલ મુજબ દરેક સમાજમાં લઘુમતી શાસન કરે છે, જે પૂરેપૂરી સામાજિક અને રાજકીય સત્તા હાંસલ કરવાના ગુણો ધરાવે છે. સર્વોચ્ચ સ્થાને પહોંચનાર આવી વ્યક્તિઓનો સમૂહ તે અગ્રવર્ગ. દરેક સમાજમાં એક પ્રકારની અંતર્ગત અસમાનતા પડેલી જ હોય છે. આથી પ્રત્યેક ક્ષેત્રની પ્રવૃત્તિઓ ઉત્તમ રીતે કરનાર વ્યક્તિઓ પ્રગતિ કરે છે અને સર્વોચ્ચ સ્થાને પહોંચે છે. અગ્રવર્ગ આવી વ્યક્તિઓથી બનેલો હોવાથી તે વ્યક્તિઓ શ્રેષ્ઠ જ હશે. જેઓ ધનિક હોય છે તેઓ બુદ્ધિશાળી પણ હોય છે. આથી તેઓ અગ્રિમ હરોળમાં પહોંચી અગ્રવર્ગમાં સ્થાન પામે છે. પૅરેટોના મતે સમાજ બે જ વર્ગનો બનેલો છે : (1) ઉચ્ચ સ્તરીય અગ્રવર્ગ  જેમાં શાસક અને બિનશાસક વર્ગ એવા બે ભાગ તેઓ પાડે છે; (2) નીચી કોટિના યા બિનઅગ્રવર્ગ. પૅરેટોની ર્દષ્ટિએ શાસક અગ્રવર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આવો અગ્રવર્ગ બળ અને ચતુરાઈનું સંમિશ્રણ હોય છે, જેમાં બળ વધુ પ્રાધાન્ય ધરાવે છે.

આ સાથે અગ્રવર્ગના પરિભ્રમણ(circulation)નો ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો. પ્રત્યેક સમાજમાં વ્યક્તિઓ અને અગ્રવર્ગની ઉચ્ચ સ્તરેથી નિમ્ન સ્તર તરફની અને નિમ્ન સ્તરેથી ઉચ્ચ સ્તર તરફની વણથંભી ગતિ હોય છે. એટલે કે આ પરિભ્રમણ ઉપરથી નીચે અને નીચેથી ઉપર એક ચક્રાકાર ગતિ ધરાવે છે. આવા પરિભ્રમણમાં ઉચ્ચ સ્થાનો પર રહેલા અગ્રવર્ગના સભ્યોની ગુણવત્તામાં ઘટાડો થાય છે, તો શાસિત વર્ગના સભ્યોની ગુણવત્તામાં ઉમેરો થાય છે અને છેવટે ગુણવત્તા ગુમાવનાર અગ્રવર્ગનો સમાજમાંથી લોપ થાય છે. અગ્રવર્ગના પરિભ્રમણની આ ગતિ ખૂબ ધીમી પડે છે કે સ્થિર થઈ જાય છે ત્યારે ક્રાંતિ આવે છે. આથી પૅરેટો માને છે કે અગ્રવર્ગનું પરિભ્રમણ સતત ચાલતું રહેવું જોઈએ.

અગ્રવર્ગ વિશેના પ્રારંભિક વિચારકોમાં બીજું નોંધપાત્ર નામ છે ગેઈટાનો મોસ્કા (1858થી 1941). મૂળે તે રાજ્યશાસ્ત્રી હતા અને તે નાતે તેમને એરિસ્ટોટલનું રાજ્યોનું વર્ગીકરણ અમાન્ય છે. તેઓ માને છે કે સરકારનો એકમાત્ર પ્રકાર હોય છે અલ્પજનશાહી. પ્રાથમિકથી આરંભીને અત્યંત વિકસિત સમાજોમાં આપણને આ પ્રથા જોવા મળે છે. તેમના મતે સમાજમાં બે જ પ્રકારના વર્ગો હોય છે : (1) શાસક અને (2) શાસિત. શાસક વર્ગ સંખ્યાની દૃષ્ટિએ અલ્પ હોય છે, પરંતુ વધુ સંગઠિત અને સુવ્યવસ્થિત હોય છે. આ સંગઠિત લઘુમતીનો બનેલો અગ્રવર્ગ અસંગઠિત બહુમતી પર શાસન કરે છે. સંગઠિત અગ્રવર્ગ તમામ રાજકીય કાર્યો કરે છે, સત્તાનો ઇજારો ધરાવે છે અને સત્તાથી પેદા થતા લાભો ભોગવે છે, જ્યારે શાસિત વર્ગ સંખ્યાની ર્દષ્ટિએ ઘણો મોટો હોવા છતાં શાસકોના દિશાસૂચન અને અંકુશ નીચે જ કામ કરે છે.

પૅરેટોની જેમ મોસ્કા પણ અગ્રવર્ગના પરિભ્રમણમાં માને છે. મોસ્કા જણાવે છે કે આ પરિભ્રમણમાં મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો અગત્યનો ભાગ ભજવે છે. પૅરેટોથી આગળ વધીને મોસ્કા પેટા-અગ્રવર્ગ(sub-elite)નો નવો ખ્યાલ આપે છે, આ પેટા-અગ્રવર્ગ ‘નવા મધ્યમવર્ગ’નો બનેલો હોય છે. શિક્ષણ, આર્થિક તકો, ધંધા-રોજગાર કે નોકરીની નવી તકોને કારણે શાસિત વર્ગમાંથી ગુણવત્તા ધરાવતા લોકો આવડતના જોરે સનંદી અધિકારીઓ, ઉદ્યોગના મૅનેજરો, વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો કે વિદ્વાનો બને છે. આ વર્ગોમાંથી પેટા-અગ્રવર્ગ બને છે, જે સરકારના સંચાલનમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. વિશેષમાં, મોસ્કા ‘રાજકીય સૂત્ર’(political formula)નો ખ્યાલ પણ રજૂ કરે છે. પૅરેટોએ પણ વ્યુત્પાદન (derivation) તરીકે લગભગ આવો જ ખ્યાલ રજૂ કર્યો છે : અગ્રવર્ગના સભ્યો લાંબા સમય સુધી સત્તા પર ટકી રહેવાની ઇચ્છા ધરાવતા હોય છે અને પોતાના શાસનને માટે નૈતિક અને કાનૂની આધારો ન હોય તોપણ ઊભા કરે છે. રાજકારણમાં સ્વીકારાયેલા સિદ્ધાંતો અને નિયમોના પાલન માટે અગ્રવર્ગ જ સૌથી ઉચિત વર્ગ છે, તેઓ જ રાજકીય સિદ્ધાંતો અને નિયમોનું સારામાં સારી રીતે પાલન કરાવવા સમર્થ છે, એવી માન્યતા અગ્રવર્ગ લોકોના માનસમાં ઠસાવે છે, અને તે દ્વારા સુદીર્ઘ સમય સુધી સત્તાસ્થાનો પકડી રાખવાની મથામણ કરે છે.

અગ્રવર્ગ અંગેના વિચારોની આગવી રજૂઆત કરવામાં ત્રીજું નામ રૉબર્ટો મિશેલ્સ(1876–1936)નું છે. તેઓ માને છે કે કોઈ પણ સમાજ સહજ રીતે વ્યવસ્થા ઇચ્છે છે, જે પેદા કરવા અને નિભાવવા માટે પ્રત્યેક સમાજમાં સંગઠનો ઊભાં થાય છે, આવાં સંગઠનોમાં નેતાઓ પેદા થાય છે. આ અર્થમાં સંગઠિત સમાજનું માળખું પોતે જ આપમેળે નેતાઓ દ્વારા અગ્રવર્ગને જન્મ આપે છે. સંગઠનના નેતાઓ પોતે ધીમે ધીમે અગ્રવર્ગના સભ્યો બની જાય છે. આ રજૂઆતને મિશેલ્સ ‘અલ્પજનશાહીના લોખંડી કાનૂન’ (Iron law of oligarchy) તરીકે ઓળખાવે છે. તેમના મતે લોકશાહીમાં રાજકીય પક્ષોનો ઉદ્ભવ અને વિકાસ એ ઉપરના નિયમનું જ સચોટ ઉદાહરણ છે. અગ્રવર્ગમાં સ્થાન પ્રાપ્ત કરવામાં જન્મ, સંપત્તિ, સામાજિક-ધાર્મિક મોભો અને શિક્ષણ અગત્યનો ભાગ ભજવે છે. હિંદુ સમાજવ્યવસ્થામાં બ્રાહ્મણોએ પ્રાપ્ત કરેલું ઊંચું સ્થાન આવાં જ કારણોને આભારી હતું. સંગઠનોના નેતાઓ સંગઠનોની સીડી ચઢીને અગ્રવર્ગમાં રૂપાંતર પામતા તેમજ સંગઠનની મદદથી પોતાની સત્તાનો સમાજ પાસે સ્વીકાર કરાવતા. આથી જ મિશેલ્સ કહે છે કે ‘‘સત્તા સત્તાને જન્મ આપે છે (power breeds power).’’ લોકશાહીના સંદર્ભમાં મિશેલ્સના આ વિચારો રસપ્રદ બને છે.

ઓર્તેગા ગસેટ(1883–1955)ના મતે કોઈ પણ દેશની શક્તિ અને તેની મહાનતાનો આધાર તેની ‘પ્રજા’, ‘લોકો’, ‘આમજનતા’, ‘જનસમાજ’ કે ‘ટોળાંઓ’ હોય છે અને આ જનસમાજના ઉત્સાહનો આધાર તેમના ‘વરાયેલા નેતાઓ’ (chosen people) હોય છે. નેતાના વૈયક્તિક ગુણો કરતાં પ્રજાએ નેતામાં આરોપિત કરેલા ગુણોને કારણે નેતા પ્રજામાં સ્વીકાર્ય બને છે, તેનું નેતૃત્વ ટકી રહે છે. આવો નેતાવર્ગ અગ્રવર્ગ બનીને સર્વોચ્ચ સ્થાન ટકાવી રાખે છે. આમ ગસેટનો અગ્રવર્ગનો સિદ્ધાંત આમજનતા પર આધાર રાખે છે. આ અગ્રવર્ગ ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ બની જાય છે ત્યારે જ પ્રજા ક્રાંતિ કરે છે એમ તે કહે છે. પ્રજાની નજરમાં આ અગ્રવર્ગ સક્ષમ (competent) યોગ્યતા કે લાયકાત ગુમાવી બેઠો હોય છે. પ્રજા લાયકાત ગુમાવી બેઠેલા અગ્રવર્ગને સ્થાને નવો અગ્રવર્ગ ઇચ્છે છે. સક્ષમ અગ્રવર્ગનો અભાવ રાષ્ટ્રને પડતી તરફ ધકેલે છે અને જનસમાજ છેવટે નવા નેતાઓ પસંદ કરીને નવા અગ્રવર્ગને જન્મ આપે છે.

અગ્રવર્ગ વિશેની આ ચર્ચાને આધારે અગ્રવર્ગવાદ પણ પેદા થયો છે, જેની મુખ્ય માન્યતા આ પ્રમાણે છે :

(1) પ્રત્યેક સમાજ અગ્રવર્ગ અને બહુજનસમાજ કે આમવર્ગમાં, શાસકવર્ગ અને શાસિતવર્ગ – એમ બે વર્ગમાં વિભક્ત હોય છે.

(2) અગ્રવર્ગ આમવર્ગ પરનો પ્રભાવ આર્થિક પ્રભુત્વ, સામાજિક મોભો, બૌદ્ધિક શક્તિ, વહીવટી આવડત, રાજકીય કુનેહ, શૈક્ષણિક ઉચ્ચતા અને સંગઠનશક્તિ દ્વારા જાળવી રાખે છે.

(3) આ અગ્રવર્ગ અલ્પસંખ્યક હોવા છતાં આમપ્રજાની બહુમતી માટે નીતિ ઘડવાની પોતાની ક્ષમતા છે એવી માન્યતા ધરાવે છે.

(4) આ અગ્રવર્ગ જ્યારે આમજનતા માટે નીતિ ઘડે છે ત્યારે માને છે કે તે આમપ્રજાને પૂછવા બંધાયેલો નથી. પોતે વધુ સુમાહિતગાર, વધુ વિચારશીલ અને વધુ વિવેકથી નિર્ણય લેશે તેવો વિશ્વાસ તે ધરાવે છે. આમ તેનું અસ્તિત્વ ગુરુતાગ્રંથિ દર્શાવે છે. આ અર્થમાં અગ્રવર્ગનો સિદ્ધાંત બિનલોકશાહી ગણાય. તેમાં અલ્પજનશાહીનો સ્વીકાર અભિપ્રેત છે.

(5) આવો અગ્રવર્ગ કાયદેસરનું ઉચ્ચ સ્થાન ધરાવતો ન પણ હોય, છતાં પ્રભાવશાળી હોઈ શકે.

(6) કાળક્રમે સમાજના વિકાસની સાથે વિવિધ અગ્રવર્ગો પણ ઊભા થાય; જેમ કે લશ્કરી અગ્રવર્ગ, વ્યવસાયી અગ્રવર્ગ, તક્નીકી અગ્રવર્ગ વગેરે. આ વિશિષ્ટ અગ્રવર્ગો જે તે ક્ષેત્રના નિષ્ણાતો હોવા ઉપરાંત જન્મ, સંપત્તિ અને સામાજિક દરજ્જો જેવાં કારણોસર તે તે ક્ષેત્રમાં અગ્રિમ હરોળમાં સ્થાન ધરાવે છે, તેમજ પોતાનાં ક્ષેત્રોમાં નિર્ણાયક અવાજ ઊભો કરે છે.

સામાજિક દૃષ્ટિએ વિચારીએ તો કોઈ એક જ જૂથ અગ્રવર્ગ હોતું નથી, પણ પ્રત્યેક સમાજમાં નિષ્ણાત અગ્રવર્ગ(specialized elite)ની એક આખી સંકુલ વ્યવસ્થા હોય છે. ઉચ્ચ કુટુંબોમાં, ક્લબોમાં, ટ્રેડ યુનિયનોમાં, દફતરશાહી કે લશ્કરી દળોમાં તે ચાવીરૂપ સ્થાનો ધરાવે છે અને જે તે વર્ગનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ સમાજની પ્રત્યેક કક્ષાએ પોતાનો પ્રભાવ પાડે છે. સમગ્ર પ્રજાનો તે ‘વરાયેલો’ (chosen) વર્ગ છે.

અગ્રવર્ગની આ ચર્ચાને આધારે તે અંગેના મુખ્ય બે સિદ્ધાંતો પ્રચલિત બન્યા છે. (1) એકરૂપ અગ્રવર્ગનો સિદ્ધાંત અને (2) બહુરૂપ અગ્રવર્ગનો સિદ્ધાંત.

એકરૂપ અગ્રવર્ગનો સિદ્ધાંત માને છે કે સમાજમાં અગ્રવર્ગોની પશ્ચાદભૂમિકા, સામાજિક અને આર્થિક ભૂમિકાઓ તેમજ માન્યતાઓ સમરૂપ હોય છે. તેઓ એકબીજાની સાથે કડીરૂપ સંબંધોથી જોડાયેલા હોય છે. આવો અગ્રવર્ગ લોકશાહીની પ્રક્રિયાને રૂંધતો હોય છે.

બહુરૂપ અગ્રવર્ગના સિદ્ધાંતની અભિવ્યક્તિ રૉબર્ટ દ હાલ કરે છે. તે માને છે કે કોઈ એક રાજકીય પ્રથામાં વિવિધ ક્ષેત્રોમાં વિવિધ અગ્રવર્ગો હોય છે, આ અગ્રવર્ગોની સામાજિક, આર્થિક ભૂમિકા પણ જુદી જુદી હોય છે. ત્યાં વિચારભેદ અને નિર્ણયપ્રક્રિયાને માટે વધુ મોકળાશ હોય છે. આવો અગ્રવર્ગ લોકશાહીને માટે હિતાવહ છે.

માર્ક્સની મૂળભૂત માન્યતા વર્ગવિહીન સમાજની હતી. અગ્રવર્ગના વિચારકોના મતે સમાજવાદી કે સામ્યવાદી પ્રથાઓ પણ અગ્રવર્ગથી મુક્ત નથી. આ પ્રથાઓ વર્ગોને નામશેષ કરી વ્યક્તિઓને પરસ્પરની સમકક્ષ ગણવાનો દાવો ભલે કરે, પણ વાસ્તવિકતા જુદી જ હોય છે.

લેનિન એમ જરૂર માનતા કે વિચારધારાથી સુસજ્જ, કાર્યોત્સુક એવા થોડા પ્રતિબદ્ધ માણસોથી સામ્યવાદી પ્રથા સારી રીતે કામ કરી શકે. તેઓ જ શ્રમજીવીઓની સરમુખત્યારશાહીમાં ચાવીરૂપ ભૂમિકા નિભાવી શકે. લેનિનની આ વાત વાસ્તવમાં તેમને અગ્રવર્ગના સિદ્ધાંતની સાવ જ નજીક લાવી મૂકે છે. બીજા શબ્દોમાં, તેમને પ્રતિબદ્ધ અગ્રવર્ગ (committed elite) માન્ય હતો.

અલબત્ત, મિલોવાન જિલાસ ‘ધ ન્યૂ ક્લાસ’માં આ વાત જરા જુદી રીતે વ્યક્ત કરે છે – ‘સામ્યવાદમાં તમામ નેતાઓ એક જ પક્ષના, એક જ સત્તાશીલ સંગઠનના ભાગરૂપ હોય છે. રાજકીય અને આર્થિક બંને સત્તાઓ તેમના હાથમાં કેંદ્રિત થયેલી હોય છે. આથી આ વર્ગ અનહદ સત્તા ભોગવે છે. આ અગ્રવર્ગ વૈચારિક ઇજારાશાહીને કારણે આમજનતાને માટે અસ્પૃશ્ય રહે છે. જિલાસ જણાવે છે કે વૈચારિક પ્રતિબદ્ધતાને વ્યવહારમાં ઉતારવાનું કામ સનંદી નોકરોને હસ્તક હોય છે. આથી આ સનંદી નોકરો માત્ર વહીવટી અધિકારીઓ કરતાં કંઈક વિશેષ’ હોય છે, જેને તેમણે ‘સંચાલકીય નોકરશાહી’ (governing bureaucracy) કહી છે. આ વર્ગના હાથમાં જ રાજકારણની અને નીતિનિર્ણયોની લગામ હોય છે. તેમની આ વહીવટી ઇજારાશાહી તેમને અગ્રવર્ગમાં મૂકી આપે છે. આમ સામ્યવાદી પ્રથાઓ પણ અગ્રવર્ગથી બાકાત નથી.

આ સાથે લોકશાહીના સંદર્ભમાં પણ અગ્રવર્ગનો ખ્યાલ તપાસી જવો જોઈએ. સંગઠનીય અગ્રવર્ગની વાત કરતાં મિશેલ્સ જણાવે છે કે લોકશાહીમાં પક્ષો શાસન ચલાવે છે એવો ભ્રામક ખ્યાલ આપણે ધરાવીએ છીએ પણ સાચું શાસન તો અગ્રવર્ગ જ કરે છે. તેમના મતે આમજનતા સદાને માટે સ્વશાસિત સરકાર ચલાવવા અશક્તિમાન હોય છે. સત્તા કે શક્તિની હાજરીમાં મોટાભાગની પ્રજા ખુશામતખોર અને આજ્ઞાંકિત હોય છે. નેતાઓ સત્તા પર ટકી રહેવા માટે લોકોના આ ગુણોનો સરળતાથી લાભ ઉઠાવે છે અને સત્તાની ટોચે પહોંચે છે. તે પછી લોકો તેમને સત્તા પરથી નીચે ઉતારી શકતા નથી.

અગ્રવર્ગની લઘુમતી ચૂંટણી પદ્ધતિમાં પ્રચારની ટૅક્નિક દ્વારા કે અન્ય રીતે સાધનોનો પોતાની તરફેણમાં ઉપયોગ કરીને પોતાનું સ્થાન ટકાવી રાખવા સમર્થ હોય છે. આથી સાર્વભૌમ કહેવાતા મતદારને, અગ્રવર્ગને સ્વીકાર્ય ઉમેદવારમાંથી જ નેતા ચૂંટવાનો હોય છે. આમ, અગ્રવર્ગની લઘુમતીને બહુમતીના અંકુશમાં લાવી શકાતી નથી.

અલબત્ત, મિશેલ્સના આ અભિપ્રાય વિરુદ્ધ પણ અન્ય મત છે કે આ આમજનતાની પસંદગી દ્વારા જ અગ્રવર્ગ સત્તા પર ટકી રહે છે. પ્રજાકીય માંગણીઓ સમક્ષ અગ્રવર્ગે સમાધાન કરવું જ પડે છે. આ વિચારોમાં તથ્ય હોવા છતાં મિશેલ્સની દલીલોમાં પણ કંઈક વજૂદ છે.

મોસ્કા માને છે કે બુદ્ધિજીવી વર્ગ શ્રીમંતો અને શ્રમજીવીઓ બંનેથી અલગ છે. આ વર્ગ જ ખરેખર તો વૈયક્તિક અને વર્ગીય હિતોથી પર રહીને સર્વસામાન્ય હિતની ચિંતા રાખી નિરપેક્ષ ભાવે કામ કરે છે. કાર્લ મેનહાઇમ આ વર્ગને ‘‘સામાજિક રીતે અપ્રતિબદ્ધ બુદ્ધિજીવીઓ’’ તરીકે ઓળખાવે છે. આજના વિકસતા સમાજોમાં આ વર્ગ ખૂબ અગત્યની ભૂમિકા નિભાવે છે. ઔદ્યોગિક, લોકશાહી કે સામ્યવાદી સમાજમાં અગ્રવર્ગની જે કોઈ ભૂમિકા હોય તે, પણ એટલું નક્કી કે વિકસતા દેશોનાં રાજકીય વિકાસ અને આર્થિક પ્રગતિમાં તેમજ નવસર્જનમાં આ અગ્રવર્ગે અગત્યની ભૂમિકા ભજવી છે. આ અગ્રવર્ગમાં લેખકો, કલાકારો, વૈજ્ઞાનિકો અને સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે. દરેક સમાજમાં આવા બૌદ્ધિકોનો એક વર્ગ અગ્રવર્ગની ભૂમિકા નિભાવે છે.

સમાજમાં પ્રભાવક અને વર્ચસશીલ સ્થાન ધરાવતો, અમુક ક્ષમતા ધરાવતો લઘુમતી વર્ગ તે અગ્રવર્ગ. અગ્રવર્ગના ભારતીય સંદર્ભ પર નજર નાંખીએ તો પ્રાચીન ભારતીય સમાજમાં બ્રાહ્મણો આ પ્રકારનું સ્થાન ધરાવતા હતા. તેઓ રાજાના પણ સલાહકાર રહી રાજકીય-સામાજિક અગ્રવર્ગની ભૂમિકા અદા કરતા.

ભારતમાં પુનર્જાગૃતિના આરંભે પરંપરાગત સામાજિક અગ્રવર્ગમાંથી આવેલ નવા બુદ્ધિજીવીઓ અને નવજાત ભારતીય મૂડીવાદી વર્ગ પશ્ચિમના સંપર્કથી ઉદાર રાજકીય વિચારોના મુખ્ય વાહક બન્યા, જેમાં રાજા રામમોહનરાય, જમશેદજી તાતા, દાદાભાઈ નવરોજજી, સુરેન્દ્રનાથ બેનરજી, ફિરોજશાહ મહેતા, ગોપાળકૃષ્ણ ગોખલે, ગોપાલ ગણેશ આગરકર અને મહાદેવ ગોવિંદ રાનડે વિશેષ ઉલ્લેખનીય છે. આ સૌએ સામાજિક અગ્રવર્ગ રૂપે ભારતીય સમાજની કાયાપલટ કરવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો.

સ્વાતંત્ર્યકાળ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રથમ હરોળના નેતાઓએ રાજકીય અગ્રવર્ગ તરીકેની કામગીરી નિભાવી પ્રજાને જાગ્રત કરી, નેતૃત્વ પૂરું પાડી સ્વાતંત્ર્યની લડતમાં સામેલ કરી.

સ્વાતંત્ર્યોત્તર કાળમાં પ્રભાવક સત્તાપક્ષ તરીકે રહેલ કૉંગ્રેસનાં વિવિધ જૂથો વચ્ચે પણ પક્ષની અંદર જ મહત્ત્વનાં સત્તાસ્થાનો કબજે કરવાની હોડ ચાલી જેમાં પક્ષના નેતાઓ એટલે કે રાજકારણીઓ, અમલદારો અને ઉદ્યોગપતિઓ અગ્રવર્ગ તરીકે ઊપસ્યા. પંચાયતી રાજની સ્થાપના અને પંચાયતી સંસ્થાઓના વિકાસ સાથે ભારતીય અગ્રવર્ગને સ્પષ્ટ રીતે શહેરી અગ્રવર્ગ અને ગ્રામીણ અગ્રવર્ગ એમ બે વર્ગમાં અલગ તારવી, ઓળખી શકાય એટલા તે સ્પષ્ટ બન્યા. સામાજિક મોભો, સંપત્તિ, શૈક્ષણિક કે વહીવટી શક્તિ તથા વ્યૂહાત્મક રાજકીય સાધનસંપત્તિ પરનો કાબૂ એ અગ્રવર્ગનાં ઉદ્ભવસ્થાનો અને તેને ટકાવવાનાં સાધનો પણ છે.

શહેરી અગ્રવર્ગમાં રાજકારણીઓ-નેતાઓ, વહીવટદારો, ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો, મજૂરમંડળો, કલાકારો અને સંચાર-માધ્યમના મોવડીઓનો સમાવેશ કરી શકાય. ગ્રામીણ અગ્રવર્ગમાં જ્ઞાતિજૂથોના અગ્રણીઓ, પંચાયતના નેતાઓ, સહકારી મંડળીના સંચાલકો, ધર્મગુરુઓ અને ગ્રામવિકાસતંત્રના ચાલકોને સમાવિષ્ટ કરી શકાય.

સત્તા માટેની સ્પર્ધામાં આ અગ્રવર્ગ એકમને ખસેડીને મુખ્ય સ્થાન કબજે કરવા સતત મથામણ જારી રાખે છે. પરંતુ સત્તાસ્થાનોનો આવો પલટો ચોક્કસ અગ્રવર્ગોની માંહોમાંહ, અંદરોઅંદર જ થાય છે, જેને પૅરેટોએ અગ્રવર્ગોના આંતરિક ચક્રાકાર સ્થાનબદલા (circulation of elites) તરીકે ઓળખાવ્યો છે.

આમ, અગ્રવર્ગના વિચારો અને સિદ્ધાંતોથી એક નવી દિશા ખૂલે છે. અગ્રવર્ગના અભ્યાસો દ્વારા પ્રાપ્ત માહિતીથી રાજકારણના આંતરપ્રવાહો અને રાજકારણની સાચી પ્રક્રિયાને સમજવામાં જરૂરી મદદ મળે છે, છતાં આ સિદ્ધાંતોની વધુ ચકાસણી શક્ય છે. આથી જ, અનુભવલક્ષી રાજ્યશાસ્ત્રના વિકાસમાં અગ્રવર્ગ અભિગમ સમજ અને મહત્ત્વની દૃષ્ટિએ નોંધપાત્ર સ્થાન ધરાવે છે.

રક્ષા મ. વ્યાસ