અગ્રઊંડાણ (fore-deep) : ગેડવાળા વિશાળ પર્વતીય પટ્ટાના સીમાન્ત ભાગની ધાર પર દ્વીપચાપ(island arc)ની બાહ્યગોળ બાજુએ, સામાન્યત: સમુદ્રીય ઢોળાવ તરફ વિસ્તરેલી ખાઈ. આવાં ખાઈ કે ગર્ત લાંબાં, સાંકડાં, ઊંડાં તથા સળ સ્વરૂપનાં હોઈ શકે છે. ઊર્ધ્વ વાંકમાળા(anticlinorium)ના કે અધોવાંકમાળા(synclinorium)ના લાક્ષણિક, મધ્યવિભાગીય વિસ્તારોને પણ એક રીતે અગ્રઊંડાણ તરીકે લેખી શકાય, કારણ કે તેમનાં સ્થાન, હંમેશાં ગેડવાળા અને પ્લૅટફૉર્મ વિસ્તારો કે જે અનુક્રમે અતિ જાડાઈ ધરાવતાં નિક્ષેપ-જમાવટવાળાં ભૂસંનતિમય (geosynclinal) થાળાંની લગોલગના ઓછી જાડાઈ ધરાવતા નિક્ષેપ-જમાવટવાળા સપાટ પ્રદેશો છે, તેમની વચ્ચે હોય છે. આવાં ભૂસંચલનજન્ય ગર્ત સંરચનાત્મક દૃષ્ટિએ અસમતા ધરાવતાં અને ઘણાં ઊંડાં, ક્યારેક તો 4થી 5 કિમી.ની જાડાઈવાળી શ્રેણીબદ્ધ જળકૃત પૂરણીથી ભરાયેલાં હોય છે.

સિંધુ-ગંગાનું ગર્ત અગ્રઊંડાણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ પ્રકારનાં ગર્તનો, નજીકની ઊર્ધ્વ વાંકમાળાને સ્પર્શતો, અંદર તરફી ભુજ (limb) વધુ ઉગ્ર ઢોળાવવાળો હોય છે, જ્યારે પ્લૅટફૉર્મ-તરફી ભુજ પહોળો અને આછા ઢોળાવવાળો હોય છે. અગ્રઊંડાણના ભુજ મોટેભાગે સોપાનસ્તરભંગ શ્રેણીથી ખંડિત થયેલા અને ખસેડવાળા તેમજ જટિલ ગેડરચનાવાળા હોય છે.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ

ગિરીશભાઈ પંડ્યા