અગ્નિહોત્ર

January, 2001

અગ્નિહોત્ર : જીવન પર્યંત આચરવાનું અગ્નિવ્રત. ઉપનયન પછી બ્રહ્મચારીનું અગ્નિવ્રત આરંભાય છે. સમાવર્તન પછી વિવાહ સુધીના સમયમાં આ વ્રતનો સ્પષ્ટ નિર્દેશ નથી. અગ્નિહોત્ર વ્રત વિવાહ પછી ગૃહસ્થે આચરવાનું હોય છે. અગ્નિહોત્ર જરામર્થ દીર્ઘસત્ર કહેવાય છે. જરાજીર્ણ ગૃહસ્થને તેમાંથી મુક્તિ મળે કે મરણથી મુક્તિ મળે.

અગ્નિહોત્ર સાત પાક્ યજ્ઞોમાંનો એક યજ્ઞ છે અને યજ્ઞ, દાન, તપ, કર્મ અને સ્વાધ્યાય એ પાંચ વ્રતોમાંનું એક છે. વસ્તુત: યજ્ઞમાં આ પાંચે વ્રતોનો સમાવેશ થઈ જાય છે. તેથી જીવનપર્યંત અગ્નિહોત્ર અવશ્ય કરવું એવું વિધાન છે. નિષાદે અને રથકારે (સુથારે) અગ્નિનું આધાન કરી જીવનપર્યંત અગ્નિહોત્ર અને દર્શપૂર્ણમાસ કરવા એવું વિધાન સૂચવે છે કે અગ્નિહોત્ર સર્વ લોકનું વ્રત છે.

અગ્નિહોત્રમાં ગાર્હપત્ય, આહવનીય અને દક્ષિણ એ ત્રણ અગ્નિ જોઈએ. વિવાહહોમના અગ્નિને ત્યારપછીના અગ્નિવ્રત માટે સુરક્ષિત રાખવો તે ગાર્હપત્ય અગ્નિ. અરણિમંથન વડે પણ ગાર્હપત્ય મેળવાય. ગાર્હપત્યમાંથી ઉદ્ધાર કરીને આહવનીય અને દક્ષિણ અગ્નિ મેળવાય. ત્રણેય માટે જુદી વેદીઓ હોય. ત્રણેય અગ્નિ સતત ન રાખતાં પ્રતિદિન સાયંપ્રાતર્હોમ ટાણે ગાર્હપત્યમાંથી તેમનો ઉદ્ધાર કરવો એવો એક મત છે. ત્રણેય અગ્નિ સતત રાખવા એવો બીજો મત છે. મંથનથી ગાર્હપત્ય મેળવ્યો હોય તો તેની સાથે દક્ષિણને પણ સતત પ્રદીપ્ત રાખવો જોઈએ.

અગ્નિહોત્રમાં સાયંપ્રાતર્હોમ થાય છે. સાયંકાળે સૂર્યના અસ્ત થતાં પહેલાં કે પછી, અને પ્રાત:કાળે સૂર્યોદય પૂર્વે કે પછી હોમ કરવો એવા બે મત છે. વસ્તુત: સાયં એટલે દિનરાતની સંધિ, તથા પ્રાત: એટલે રાતદિનની સંધિવેળા એવો અર્થ ઉચિત છે. સપત્નીક યજમાને આહવનીયની દક્ષિણે બેસી આચમન કરી, શાંત થઈ, મૌન રહી હોમકાર્ય પૂર્ણ કરવું. સપત્નીક કે નૈષ્ઠિક બ્રહ્મચારી પણ અગ્નિહોત્ર રાખી શકે છે.

અગ્નિહોત્રમાં ગાયનું દૂધ વપરાય. અગ્નિહોત્ર માટેની ગાય હોમધેનુ કહેવાય. દૂધ દોહવા માટેની અગ્નિહોત્રસ્થાલી (પાત્ર) હાથે ઘડેલું ઊભા કાનાવાળું મૃત્પાત્ર હોય. આરંભમાં અધ્વર્યુ પરિસમૂહન (દર્ભની સાવરણી વડે વેદી વાળવાની ક્રિયા) કરે. પછી પરિસ્તરણ (પ્રદક્ષિણાક્રમથી વેદીની આસપાસ દર્ભ મૂકવાની ક્રિયા) કરે. આહવનીયમાંથી બળતો અગ્નિ એક બાજુ કાઢી તે પર દૂધ ગરમ કરે; સ્રુક્, સ્રુવને તપાવે અને યજમાનની આજ્ઞા લઈ અગ્નિહોત્રહવણી નામના પાત્રમાં દૂધ લે. ગાયનાં છાણાં અને સમિધો વડે અગ્નિને પ્રદીપ્ત કર્યા પછી પયોહોમ કરે. સાયંહોમમાં પ્રથમ અગ્નિ અને પછી પ્રજાપતિને આહુતિ આપે. પ્રાતર્હોમમાં પ્રથમ સૂર્યને અને પછી પ્રજાપતિને આહુતિ આપે. શેષ દૂધ અધ્વર્યુ પી જાય. આમ અગ્નિહોત્રનો વિધિ અર્ધી ઘડી – બારતેર – મિનિટ  ચાલે.

અગ્નિહોત્ર ગૃહસ્થે પોતે જ કરવાનું હોય છે. ગૃહસ્થની અનુપસ્થિતિમાં અધ્વર્યુ હોમકાર્ય કરે. અગ્નિહોત્રના વિધિમાં અધ્વર્યુનો નિર્દેશ છે તે સૂચવે છે કે રાજાઓ અને વ્યસ્તતાવાળા ગૃહસ્થો અગ્નિવ્રત માટે અધ્વર્યુ રાખતા હશે.

દેવ, મનુષ્ય અને અન્ય જીવો પ્રત્યેના ગૃહસ્થના કર્તવ્યના એક ભાગ રૂપે અગ્નિહોત્ર રાખવાનું હોય છે.

નટવરલાલ યાજ્ઞિક