અગ્રકલિકાનો સડો

January, 2001

અગ્રકલિકાનો સડો (ફળનો સડો) : નાળિયેરીમાં ફાયટોફ્થોરા પામીવોરા નામની ફૂગથી થતો રોગ. રોગની શરૂઆતમાં ટોચનું પાન ચીમળાઈ કથ્થઈ રંગનું થઈ સુકાઈ જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. પાન પર્ણદંડથી ભાંગી છૂટું પડી જાય છે. અગ્રકલિકાનો ભાગ કોહવાતાં દુર્ગંધ મારે છે. કેટલીક વખતે ફળ ઉપર પણ આ રોગ લાગતાં ફળની દાંડી પાસે રંગવિહીન વિસ્તાર જોવા મળે છે, જે પાછળથી બદામી રંગનો થઈ જાય છે. આવાં લક્ષણો આખા ફળ ઉપર પ્રસરે છે અને ફળ સુકાઈ જાય છે. સૂકાં ફળો ઉપર ફૂગી ઉગાવો પણ જોવા મળે છે. ચોમાસાનું ભેજયુક્ત વાતાવરણ તથા અગાઉના રોગિષ્ઠ અવશેષો પણ આ રોગને જન્મ આપે છે.

ઉપાયો : રોગિષ્ઠ ભાગ પૂરેપૂરો ખોતરી તેની સાથેનો થોડો તંદુરસ્ત અગ્ર ભાગ પણ કાપી નાખવો અને બોર્ડોપેસ્ટ ચોપડવી જરૂરી છે. ઢાંકણથી અગ્રભાગને રક્ષણ આપવું, ફળોના રક્ષણ માટે 1%નું બોર્ડોમિશ્રણ જરૂર પ્રમાણે અવારનવાર છાંટવું. ચોમાસું બેસતાં પહેલાં અને ચોમાસાના ઉઘાડમાં બોર્ડોમિશ્રણ ખાસ છાંટવું એ આ રોગનો ઉપાય ગણાય છે.

ભીષ્મદેવ કિશાભાઈ પટેલ