અગ્નિ–3 (વૈદિક) : ઇન્દ્ર પછી બીજા ક્રમે રહેલા મુખ્ય વૈદિક દેવતા. ઇન્દ્રના યમજ ભ્રાતા. વેદકાલીન વિધિઓના કેન્દ્રબિંદુ સમા યજ્ઞાગ્નિનું મૂર્તિમંત સ્વરૂપ. પૌરોહિત્ય એ અગ્નિનું સૌથી મહત્ત્વનું લક્ષણ હોવાથી અગ્નિની પ્રશસ્તિ ઋગ્વેદના પ્રારંભમાં આમ થઈ છે :
अग्निमीले पुरोहितं यज्ञस्य देवमूत्वचम् । होतारं रत्नधीतमम् ।
જન્મવિષયક અનેક દંતકથાઓ ધરાવતા અગ્નિ આ જ કારણે, घृतप्रतीक, हव्यवाहन, अग्निषद्, धूमकेतु, सहस्रः सूनुः, વૈશ્વાનર, ઉષર્બુધ વગેરે યજ્ઞાગ્નિ-સંબદ્ધ ઉપાધિઓ પામેલ છે.
સ્વર્ગમાંથી અગ્નિને પૃથ્વી પર લાવનાર માતરિશ્વાએ મનુષ્યોને આપેલા વરદાન-સ્વરૂપ અગ્નિ અન્ય સર્વ વૈદિક દેવતાઓ કરતાં દૈનંદિન માનવજીવનવ્યવહાર સાથે નિકટતર સંબંધ ધરાવે છે, તેથી તેમને गृहपति, विश्पति, अतिथि, नराशंस જેવાં આત્મીયતાદર્શક ઉપનામો મળ્યાં છે.
અનેક દૃષ્ટિએ ‘ત્રણ’ની સંખ્યા સાથે સંલગ્ન હોવાથી, વેદોત્તરકાલીન ભારતીય ‘ત્રિમૂર્તિ’નું આદ્યસ્વરૂપ મનાતા, અગ્નિ માટે પ્રયુક્ત અનન્ય વિશેષણ ज्ञातवेदस्માં એમની સર્વજ્ઞતાની પરાકાષ્ઠા પ્રતીત થાય છે. ઉત્તરકાળમાં અગ્નિનો મહિમા ઘટતાં તેઓ દિક્પાલ દેવ બની રહ્યા.
જયાનંદ દવે