અગ્નિ–2 (પર્યાવરણ)

January, 2001

અગ્નિ–2 (પર્યાવરણ) : પર્યાવરણનું એક મહત્ત્વનું પરિબળ. સામાન્ય જીવનમાં અગ્નિ માનવસર્જિત સ્વરૂપમાં જોવા મળે છે. વળી ગૂઢ શક્તિ રૂપે એ પર્યાવરણનું એક મહત્ત્વનું પરિબળ પણ છે. જંગલમાં તેની ઉત્પત્તિ કુદરતી રીતે થતા વાંસ આદિના ઘર્ષણ ઉપરાંત લાવારસ, આકાશી વીજળી અને મનુષ્યે બેદરકારીથી ફેંકેલ સળગતા પદાર્થથી થાય છે, જેને પરિણામે દવ લાગે છે. ઘણી વાર તેમાં વૃક્ષો સહિત મોટી વનસંપત્તિ હોમાઈ જાય છે. વિનાશમાંથી નવસર્જન એ પણ કુદરતનો ક્રમ છે. અગ્નિ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. તેની તીવ્રતા મુજબ પર્યાવરણનાં પરિબળોમાં અગ્નિ પરિવર્તન લાવે છે. દા.ત., પ્રમાણસરનું અગ્નિતત્ત્વ પોપ્યુલસ (Populus tremuloides) જેવી વનસ્પતિમાં વિકાસ અને વૃદ્ધિ પ્રેરે છે. ટેફ્રોસિયા(Tephrosia)માં જોવા મળતું પુષ્કળ બીજાંકુરણ અને ધરો(Cynodon dactylon)ની વિપુલ બીજઉત્પાદકતા અગ્નિને આભારી છે. આ અગ્નિ ચરાઈ ભૂમિ(grazing land)માં ઊગેલાં નકામાં અપતૃણો(weeds)નો નાશ કરવામાં કારણભૂત હોય છે.

ભરત પંડિત