અગ્નિ એશિયા

January, 2001

અગ્નિ એશિયા

એશિયાના અગ્નિ ખૂણે આવેલો ભૌગોલિક વિસ્તાર. ‘અગ્નિ એશિયા’ શબ્દ દ્વિતીય વિશ્વયુદ્ધના સમયથી પ્રચલિત થયો છે. ભારતની પૂર્વે, ચીનની દક્ષિણે અને ઑસ્ટ્રેલિયાની ઉત્તરે ફેલાયેલો જે વિશાળ ભૌગોલિક પ્રદેશ છે તેના ઉપર દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને કબજો કરી લીધેલો. જાપાનના કબજામાંથી તે પ્રદેશને મુક્ત કરવા માટે ઈ. સ. 1943માં કૅનેડાના ક્વિબેક શહેરમાં મિત્રરાષ્ટ્રોની એક પરિષદ બ્રિટિશ ઍડમિરલ માઉન્ટબેટનના નેતૃત્વ હેઠળ મળેલી. તે પરિષદમાં ઍડમિરલ માઉન્ટબેટનના નેતૃત્વ હેઠળ ‘અગ્નિ એશિયા સેના’ (South East Asia Command) રચવાનું નક્કી થયેલું. ત્યારથી ‘અગ્નિ એશિયા’ શબ્દ પ્રચલિત થયો. આ વિસ્તારમાં મ્યાનમાર, થાઇલૅન્ડ (સિયામ), કંપુચિયા (કંબોડિયા), લાઓસ, વિયેટનામ, મલેશિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ જેવા મહત્ત્વના દેશોનો સમાવેશ થાય છે.

અગ્નિ એશિયા

અગ્નિ એશિયા 28030´ ઉત્તરથી 11000´ દક્ષિણ અક્ષાંશ વચ્ચે અને 92020´ પૂર્વથી 134050´ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો પ્રદેશ છે. આ પ્રદેશનો વિસ્તાર ઉત્તરથી દક્ષિણ 3200 કિમી. અને પૂર્વથી પશ્ચિમ 5600 કિમી. છે. આ પ્રદેશની વસ્તી 35 કરોડથી વધુ છે. આટલા વિશાળ પ્રદેશમાં જમીન અને પાણીનું પ્રમાણ ક્રમશ: 1 : 4 છે. આ પ્રદેશ મોસમી વાયુના પ્રદેશમાં આવે છે. તેનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. વિવિધતા એ આ પ્રદેશની ભૌગોલિક વિશેષતા છે. અહીં વનસ્પતિ, પ્રાણીઓ, ભાષા, પ્રજા, ધર્મ વગેરેની વિવિધતા જોવા મળે છે. ઇરાવદી (મ્યાનમાર), મેનામ (થાઇલૅન્ડ), મેકોંગ તથા યુઆન (હિંદી ચીન) આ પ્રદેશની મુખ્ય નદીઓ છે. નદીઓના કિનારે તથા મુખપ્રદેશમાં વસ્તી વધુ છે. જગતની સૌથી વધુ જાતિગત વિભિન્નતા ધરાવતી પ્રજાઓ આ પ્રદેશમાં વસે છે. તેથી આ પ્રદેશને ‘પ્રજાઓનો શંભુમેળો’ (a chaos of races) પણ કહ્યો છે. ભાષા અને ધર્મની પણ વિવિધતા જોવા મળે છે. માત્ર મ્યાનમારમાં જ 125થી 140 અને ઇન્ડોનેશિયામાં 25 ભાષાઓ બોલાય છે. ઇસ્લામ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અહીંની પ્રજાના મુખ્ય ધર્મ છે, જોકે હિંદુ ધર્મ પાળનારા પણ વિશેષે કરીને ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં છે.

આ પ્રદેશ એશિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે એક કુદરતી પુલનું કામ બજાવે છે. આ પ્રદેશ લશ્કરી દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. 19મી સદી સુધીમાં પોર્ટુગલ, સ્પેન, હોલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સે આ વિસ્તારમાં પોતાનો સામ્રાજ્યવાદ વિકસાવ્યો હતો. મલક્કા અને સિંગાપુર લશ્કરી દૃષ્ટિએ એટલાં બધાં મહત્ત્વનાં છે કે તેમના ઉપર જેનો કબજો હોય તે આ પ્રદેશ ઉપર સરળતાથી સ્વામિત્વ ભોગવી શકે. ડચોએ મલક્કા ઉપર અને અંગ્રેજોએ સિંગાપુર ઉપર કબજો કરી પોતાની સત્તા સુરક્ષિત રાખી હતી.

પ્રાચીન યુગમાં આ પ્રદેશ ભારતીય અને ચીનની સંસ્કૃતિઓથી પ્રભાવિત હતો. તેની અસર તેમનાં સાહિત્ય, ધર્મ, કાયદો, ભાષા અને કળા ઉપર જોવા મળે છે. શરૂઆતના તબક્કે ભારતીય પ્રભાવ વિશેષ રહ્યો, જે પાશ્ચાત્ય લોકોના આગમન સુધી એટલે કે લગભગ પંદરમી સદી સુધી રહ્યો. ચીનનો પ્રભાવ હિંદી ચીન ઉપર વધુ રહ્યો.

આર્થિક દૃષ્ટિએ આ પ્રદેશ ધન-ધાન્ય અને ખનિજ સંપત્તિથી ભરપૂર છે. મ્યાનમાર, થાઇલૅન્ડ અને વિયેટનામ તો ‘એશિયાનો ચોખાનો વાડકો’ કહેવાય છે. જગતનાં 60 ટકા કલાઈ અને 90 ટકા રબર આ પ્રદેશ ઉત્પન્ન કરે છે.

અગ્નિ એશિયાનો પ્રાચીન ઇતિહાસ એટલે ભારતીય સંસ્કૃતિના પ્રભાવ અને પ્રસારની ગાથા કહી શકાય. ઇન્ડોનેશિયાના જાવા ટાપુમાં આવેલો બોરોબુદુરનો સ્તૂપ અને કંપુચિયામાં આવેલ અંગકોર વાટનું વિષ્ણુમંદિર આ પ્રદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રસાર અને પ્રભાવનાં મહાન અને અદ્વિતીય સ્મારકો છે. જેવી રીતે ગ્રીસે પશ્ચિમ યુરોપને સભ્ય અને સંસ્કારી બનાવ્યું તેવી જ રીતે પ્રાચીન ભારતે અગ્નિ એશિયાને સંસ્કારી બનાવ્યું છે.

ઈ. સ. 1000થી ઈ. સ. 1500ના ગાળાને અગ્નિ એશિયાનો ‘સંઘર્ષયુગ’ કહી શકાય. આ યુગમાં જ વિજય સામ્રાજ્યનો નાશ થયો. આ યુગમાં આ પ્રદેશમાં આવેલા યુરોપિયન યાત્રી માર્કોપોલોએ પણ આ પ્રદેશની પડતી થઈ રહી હોવા અંગે નોંધ્યું છે. છતાં આ યુગમાં મજાપહિત નામના એક રાજ્યનો ખરતા તારાની જેમ ઝબકારો થયો હતો. હિંદી ચીનના ખ્મેર રાજ્યના વિજયો અને વૈભવની ચમક પણ ઝાંખાં પડી ગયાં હતાં. રાજાઓ ભવ્યતામાં રાચતા. પરંતુ રાજ્યો તો પતનના પંથે જઈ રહ્યાં હતાં.

અગ્નિ એશિયામાં યુરોપિયનોનું આગમન એક યુગનો અંત અને બીજાનો ઉદય સૂચવે છે. ઈ. સ. 1511માં પોર્ટુગલે મલક્કા કબજે કરી અગ્નિ એશિયામાં પોતાની સત્તાની સ્થાપનાની શરૂઆત કરી હતી. પોર્ટુગલના પગલે યુરોપની અન્ય સત્તાઓએ પણ અહીં પગપેસારો કર્યો અને ઓગણીસમી સદીના અંત સુધીમાં તો ઇંગ્લૅન્ડે મ્યાનમાર, મલાયા, સિંગાપુર, બોર્નિયો, બ્રુનેઇ ઉપર, હોલૅન્ડે ઈસ્ટ ઇંડિઝ (ઇન્ડોનેશિયા) ઉપર, પહેલાં 1571થી સ્પેને અને પછીથી 1898થી અમેરિકાએ ફિલિપાઇન્સ ઉપર અને ફ્રાન્સે હિંદી ચીન (ઇંડો ચાઇના) ઉપર પોતાનો કબજો જમાવ્યો હતો. પરંતુ આ બધાં વર્ષો દરમિયાન સિયામ (થાઇલૅન્ડ) જ એક એવો દેશ હતો, જે પોતાની સ્વતંત્રતા જાળવી શક્યો.

રાજકીય અસ્થિરતા અને રાષ્ટ્રીયતા તથા સંગઠિત વિરોધના અભાવને કારણે અગ્નિ એશિયાના દેશો પાશ્ચાત્ય સામ્રાજ્યવાદના શિકાર બન્યા. પાશ્ચાત્ય રાષ્ટ્રોએ ‘ભાગલા પાડો અને રાજ્ય કરો’ની નીતિ અપનાવી. પાશ્ચાત્ય રાષ્ટ્રો સંસ્થાનોને પોતાની સેવા કરનારા ગુલામ જ ગણતાં હતાં તેથી તેમણે આ સમૃદ્ધ પ્રદેશોનું એટલું શોષણ કર્યું કે પાશ્ચાત્ય રાષ્ટ્રો વધુ સમૃદ્ધ બન્યાં અને સંસ્થાનોના મૂળ નિવાસીઓ ભૂખે મરવા લાગ્યા.

પાશ્ચાત્ય રાષ્ટ્રોએ પોતાનાં સંસ્થાનોમાં સ્થાનિક વહીવટી તંત્ર માટે સ્થાનિક માણસોને તૈયાર કરવા તથા પોતાની સંસ્કૃતિને ફેલાવવા માટે પાશ્ચાત્ય ભાષામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. પાશ્ચાત્ય શિક્ષણને પરિણામે સ્થાનિક લોકો પાશ્ચાત્ય લોકશાહી અને ઉદારમતવાદના પરિચયમાં આવ્યા. તેમણે પાશ્ચાત્ય સામ્રાજ્યવાદને પોતાની દુર્દશા માટે જવાબદાર ગણ્યો. તેથી સૌપ્રથમ તો તેમણે બંધારણીય ઢબે સુધારાઓની માગણી કરી. પરંતુ તે માગણી સંપૂર્ણપણે ન સંતોષાતાં અંતે તેને સ્વતંત્રતા મેળવવા માટે આંદોલન કરવું પડ્યું. તેમાં પણ 1905માં એશિયાના એક નાનકડા દેશ જાપાને યુરોપના વિરાટ સામ્રાજ્ય ધરાવતા રશિયાને હરાવ્યું. તેની અગ્નિ એશિયાના દેશો ઉપર પ્રબળ અસર થઈ. તેના પ્રત્યાઘાત રૂપે અગ્નિ એશિયામાં રાષ્ટ્રવાદી પ્રવૃત્તિને વેગ મળ્યો અને અનેક દેશોમાં રાષ્ટ્રવાદી સંસ્થાઓ સ્થપાઈ.

કેટલાક સ્થાનિક લેખકોએ પણ પાશ્ચાત્ય સત્તાઓના અત્યાચારો કે શોષણને પ્રગટ કરતા સાહિત્યનું સર્જન કર્યું; જેમકે ઈસ્ટ ઇંડિઝ(ઇન્ડોનેશિયા)માં ડચ શાસને કૃષિક્ષેત્રે અમલમાં મૂકેલી અર્ધગુલામી જેવી કલ્ચર પ્રથાના અત્યાચારો વિરુદ્ધ ઈ. ડી. ડેક્કર નામના ડચ અમલદારે ‘મેક્સ હેવલાર’ નામની નવલકથા લખી. અમેરિકામાં શ્રીમતી હેરિયટ બીચર સ્ટોવના પુસ્તક ‘અંકલ ટૉમ્સ કૅબિન’થી જેમ ગુલામીવિરોધી ચળવળને પ્રોત્સાહન મળેલું તેવી જ અસર આ પુસ્તકની ઈસ્ટ ઇંડિઝમાં થઈ. ફિલિપાઇન્સમાં જોસે રિઝાલ નામના ડૉક્ટરે સુધારાની ચળવળની આગેવાની લીધી હતી. તેણે પણ સ્પેનના શાસન હેઠળ ફિલિપીન લોકોને પડતી તકલીફોને વાચા આપતી નવલકથાઓ ‘સોશ્યલ કૅન્સર’ અને ‘ધી રેઇન ઑવ્ ગ્રીડ’ લખેલી.

અગ્નિ એશિયાના વિવિધ દેશોમાં સૌપ્રથમ સુધારા માટે અને પછીથી સ્વતંત્રતા મેળવવા માટે વિવિધ સંસ્થાઓ સ્થપાઈ હતી. આવી સંસ્થા પ્રથમ વાર ડચ ઈસ્ટ ઇંડિઝમાં ઈ. સ. 1906માં ‘બુડી ઉટોમો’ (ભવ્ય પ્રયત્ન) નામથી ડૉ. ઉસાડાએ સ્થાપી હતી. તે સંસ્થાએ ભારતના કવિવર રવીન્દ્રનાથ ઠાકુર અને મહાત્મા ગાંધી પાસેથી પ્રેરણા મેળવી હતી. તે બુદ્ધિશાળી વર્ગની સંસ્થા બની રહી. સમગ્ર પ્રજાની કહી શકાય તેવી ચળવળની શરૂઆત તો 1911માં ‘સારિકેત ઇસ્લામ’ નામની સંસ્થાની સ્થાપના સાથે થઈ. તેનો મુખ્ય નેતા એમિનોટો હતો. 1916માં આ સંસ્થાએ ઈસ્ટ ઇંડિઝમાં સ્વશાસનની માગણી કરી. તેને પરિણામે ડચ સરકારે 1916માં તેમને પ્રતિનિધિ સભા (વોક્સાડ) આપવાની જાહેરાત કરી. પરંતુ તે ખરેખર 1918માં મળી. 1919માં ઇન્ડોનેશિયન સામ્યવાદી પક્ષ(પી.કે.આઈ.)ની સ્થાપના થઈ. અગ્નિ એશિયામાં આ પ્રથમ સામ્યવાદી પક્ષ હતો. 1927માં ‘ઇન્ડોનેશિયન રાષ્ટ્રીય પક્ષ’(પી.એન.આઈ.)ની સ્થાપના થઈ. તેણે બધા પક્ષોને અસહકારના આંદોલન માટે એકત્ર કર્યા હતા. તેના મુખ્ય નેતાઓ હતા ડૉ. સુકર્ણો અને મોહંમદ હાટ્ટા.

સ્પેનના શાસન હેઠળના ફિલિપાઇન્સમાં સુધારા મેળવવા માટે ‘લીગ ફિલિપીનો’ નામની સંસ્થા 1892માં સ્થપાઈ હતી. તેનો મુખ્ય નેતા હતો ડૉ. જોસે રિઝાલ. સંસ્થાની સ્થાપનાના ચાર દિવસ બાદ જ તેને પકડીને જેલમાં પૂરી દેવાયો અને વિદ્રોહનો આરોપ મૂકી તેને 1896માં મોતની સજા કરાઈ. આમ ફિલિપાઇન્સની મુક્તિ ચળવળનો જોસે રિઝાલ પ્રથમ શહીદ હતો. માત્ર સુધારાની માગણી કરનાર નેતાના આવા કરુણ અંતે પ્રજાને ક્રાંતિ કરવા પ્રેરણા આપી. સ્વતંત્રતા મેળવવાના હેતુ માટે બોની ફેસિયો નામના નેતાએ 1892માં જ ‘કતિપુનાન’ (પ્રજાના પુત્રો) નામની સંસ્થા સ્થાપી. તેણે ભાંગફોડિયા પ્રવૃત્તિ પણ કરી અને લોકોમાં રાષ્ટ્રવાદનું ઝનૂન પ્રસરાવ્યું. 1898માં સ્પેન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થયું ત્યારે આ સંસ્થાના એક નેતા અગુઇનાલ્દોએ ફિલિપાઇન્સના ગણતંત્રની જાહેરાત કરી, પોતાને તેનો પ્રથમ પ્રમુખ જાહેર કરી દીધો હતો. પરંતુ આ યુદ્ધમાં સ્પેન હારતાં ફિલિપાઇન્સ અમેરિકાના કબજા હેઠળ આવ્યું. અમેરિકાએ 1901માં અગુઇનાલ્દોને પકડી લીધો હતો. ફિલિપાઇન્સમાં રાષ્ટ્રીય પક્ષ પણ સ્થપાયો હતો. તેની માગણી સ્વતંત્રતાની હતી. તેના મુખ્ય નેતા હતા ઓસ્મેના અને ક્વીઝોન. 1906થી ફિલિપાઇન્સની પ્રતિનિધિ સભાનું નિયંત્રણ તે પક્ષના હાથમાં હતું. પરંતુ અમેરિકામાં વુડ્રો વિલ્સન પ્રમુખ બનતાં તેણે ઉદારમતવાદી હેરિસનને ફિલિપાઇન્સનો ગવર્નર જનરલ નીમ્યો. તેણે ફિલિપીનોસ લોકોને રાજકીય ક્ષેત્રે વધુ ને વધુ તકો આપી. ઉપરાંત 1916માં ફિલિપાઇન્સને વધુ સ્વાયત્તતા આપતો ‘જોન્સ કાયદો’ પસાર કરી ફિલિપાઇન્સમાં સ્થિર સરકારની સ્થાપના બાદ તેને પૂર્ણ સ્વાતંત્ર્ય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી.

મ્યાનમારની રાષ્ટ્રીય ચળવળમાં બૌદ્ધ ધર્મે મહત્ત્વનો પ્રભાવ પાડ્યો હતો. આધુનિક બર્મી રાષ્ટ્રવાદ સૌપ્રથમ મ્યાનમાર બૌદ્ધ સાધુઓની પ્રવૃત્તિઓમાં જોવા મળે છે. ઈ. સ. 1906માં ‘યુવાન માણસોનો બૌદ્ધ સંઘ’ (વાય.એમ.બી.એ.) સ્થપાયો. સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિકાસ માટે સ્થપાયેલો આ સંઘ ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા લાગ્યો અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી તે સંઘ બૌદ્ધ સંઘોની સામાન્ય સભા(જનરલ કાઉન્સિલ ઑવ્ બુદ્ધિસ્ટ ઍસોસિયેશન–જી.સી.બી.)માં ફેરવાઈ ગયો હતો. આ સંસ્થા ભારતની કૉંગ્રેસનાં કાર્યોનું અનુકરણ કરતી હતી. ત્યારપછી 1930માં મ્યાનમારમાં ‘થાકિન પક્ષ’ સ્થપાયો હતો, પછી ત્યાં ‘ફાસીવાદી વિરોધી લીગ’ નામનો પક્ષ સ્થપાયો હતો, જેનો મુખ્ય હેતુ મ્યાનમારને સ્વતંત્ર કરવાનો હતો. તેના મુખ્ય નેતા હતા—ઔંગ સાન અને ઊ નુ.

હિંદી ચીનમાં ફ્રેંચ શાસનની વિરુદ્ધ રાષ્ટ્રીય ચળવળ કરનારા ઘણા પક્ષ અને જૂથ હતાં જેણે એકથી વધુ વાર કાર્યક્રમ નહિ, તોપણ નામ તો બદલાવ્યાં હતાં. ‘બંધારણીય પક્ષ’ અને ‘ટૉકિંગ પક્ષ’ બંને લોકશાહી સુધારાની માગણી કરતા હતા. બંધારણીય માર્ગે સુધારાના પ્રયત્નો નિષ્ફળ જતાં 1925માં ‘યંગ અન્નામ’ નામનો ક્રાંતિકારી પક્ષ સ્થપાયો. પરંતુ તેના નેતાઓની અંદરોઅંદરની ઈર્ષ્યાને લીધે તથા 1929માં સામ્યવાદી સભ્યો તેમાંથી જુદા પડતાં તે પક્ષ પડી ભાંગ્યો. ચીનના કુમિંગ્ટાંગ પક્ષના પ્રભાવવાળો ‘રાષ્ટ્રીય અન્નામી પક્ષ’ ટૉંકિંગમાં સ્થપાયો હતો. પરંતુ સૌથી વધુ સક્રિય અને અસરકારક તો હતો વિયેટનામનો સામ્યવાદી પક્ષ, જે 1930માં સ્થપાયો હતો. ઈ. સ. 1939માં તેનું નામ બદલીને ‘વિયેટમિન્હ’ (વિયેટનામની સ્વતંત્રતા માટેની સંસ્થા) રાખેલું. તેનો મુખ્ય નેતા હતો ડૉ. હો ચી મિન્હ.

મલાયામાં રાષ્ટ્રીય જાગૃતિ બહુ મોડેથી આવી. છેક ઈ. સ. 1926માં ‘મલય ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. મલાયાની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ ધીમી ગતિએ ચાલતી હતી. તેથી તેનો રાષ્ટ્રવાદ ક્રાંતિકારી નહિ પરંતુ વિકાસવાદી કહેવાયો છે. મલાયામાં પ્રજાનાં દુ:ખદર્દને વાચા આપી તેમને મુક્તિ અપાવી શકે તેવા નેતાઓની કમી હતી. તેથી તેમની રાષ્ટ્રીય ચળવળ છેક 1938 સુધી પ્રારંભિક અવસ્થામાં હતી. તેના મોટા ભાગના નેતા રાજકુટુંબ કે ઉમરાવ કુટુંબના હતા, તેમાંથી મુખ્ય હતા.  ટેંગુ અહમદ, ટેંગુ ઇસ્માઈલ, ટેંગુ કાદિર, ટુન્કુ રહેમાન.

વીસમી સદીમાં અગ્નિ એશિયાના દેશોએ રાષ્ટ્રવાદી આંદોલનની પ્રેરણા જાપાન પાસેથી મેળવી હતી. 1904–05ના રશિયા-જાપાન વિગ્રહ અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી એશિયાના બધા દેશોમાં સ્વતંત્રતા મેળવવા માટે રાષ્ટ્રીય આંદોલન શરૂ થઈ ગયાં હતાં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને વિદ્યુતવેગી આક્રમણ કરી અગ્નિ એશિયામાંથી પાશ્ચાત્ય સામ્રાજ્યવાદને હાંકી કાઢ્યો. તે પ્રદેશોને સ્વતંત્ર કરી જાપાને ત્યાં ‘નવી વ્યવસ્થા’ સ્થાપી. અને તેમને ‘બૃહત્ પૂર્વી એશિયા સહસમૃદ્ધિ ક્ષેત્ર’માં સમાવી લીધા. તે માટે તેણે તે પ્રદેશોમાં સ્વતંત્ર સરકારો અને રાષ્ટ્રીય સેનાઓની પણ રચના કરી. આમ આ પ્રદેશની પ્રજાને જાપાને સ્વતંત્રતાનું ભાન અને પાન કરાવ્યું. જાપાને ગાજતા કરેલા સૂત્ર ‘એશિયા એશિયાવાસીઓ માટે’ના પગલે ‘મ્યાનમાર બર્મીઓ માટે’ અને ‘મલાયા મલય પ્રજા માટે’ જેવી માગણીઓ પણ ગાજતી થઈ. આમ જાપાને કરેલો કબજો આ પ્રદેશો માટે ઉપકારક પુરવાર થયો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના કબજા હેઠળ આ પ્રદેશમાં સ્વાયત્ત સરકારો સ્થપાતાં સ્થાનિક લોકોને વહીવટનો અનુભવ પ્રાપ્ત થયો હતો. તેઓ હવે ‘પોતાના ઘરના પોતે માલિક થવાનો હક’ માગવા લાગ્યા. તેથી બીજા વિશ્વયુદ્ધ પછી પાશ્ચાત્ય રાષ્ટ્રોએ ફરી અગ્નિ એશિયાનાં પોતાનાં સંસ્થાનોનો કબજો લીધો, ત્યારે ત્યાંની પ્રજાએ સ્વાધીનતા માટે એટલો ઉગ્ર સંઘર્ષ કર્યો કે યુદ્ધ પછીના માત્ર એક દશકામાં આ વિસ્તારના લગભગ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા. 1946માં ફિલિપાઇન્સ, 1948માં બર્મા, 1949માં ઇન્ડોનેશિયા, 1954માં હિંદી ચીન અને 1957માં મલેશિયા સંપૂર્ણ પ્રભુત્વસંપન્ન સાર્વભૌમ રાજ્ય બન્યાં.

બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રદેશમાં શક્તિનો જે શૂન્યાવકાશ ઉત્પન્ન થયો તેનો લાભ સામ્યવાદી અને સામ્યવાદવિરોધી જૂથે લેવા પ્રયત્ન કર્યો. બીજા વિશ્વયુદ્ધ પછી આ વિસ્તારના દેશો આર્થિક રીતે અવિકસિત હોવાથી તેમને વિકાસ માટે નાણાંની જરૂર હતી. તે સમયે વિશ્વમાં માત્ર અમેરિકા નાણાકીય મદદ આપી શકે તેવી સ્થિતિમાં હતું. તેના જૂથમાં જોડાનાર દેશ(તાઇવાન, થાઇલૅન્ડ, હિંદી ચીન અને ફિલિપાઇન્સ)ને તેણે લશ્કરી તેમજ આર્થિક મદદ આપી. બર્મા અને ઇન્ડોનેશિયાએ તટસ્થતા જાળવી. તેમાં પણ 1954માં જિનીવા કરારથી વિયેટનામના ઉત્તર વિયેટનામ અને દક્ષિણ વિયેટનામ જેવા ભાગ પાડવામાં આવ્યા. ઉત્તર વિયેટનામને રશિયા અને ચીનના સામ્યવાદી જૂથે અને દક્ષિણ વિયેટનામને અમેરિકાની નેતાગીરી હેઠળના સામ્યવાદી-વિરોધી જૂથે ટેકો આપતાં તે પ્રદેશ આંતરરાષ્ટ્રીય રાજકારણના સંઘર્ષનું કેન્દ્ર બન્યો. આ વિયેટનામ સંઘર્ષમાં અમેરિકાએ ઉત્તર વિયેટનામની પ્રજાને નમાવવા 11 વર્ષ સુધી પોતાની સંહારક તથા રાજકીય સત્તાનો ઉપયોગ કર્યો, જેમાં 10 લાખથી વધુ માણસોનો ભોગ લેવાયો અને 1100 અબજ રૂપિયાથી વધુ યુદ્ધખર્ચ થયો. પરંતુ અંતે 27 જાન્યુઆરી, 1973ના રોજ યુદ્ધવિરામ થયો અને આ સંઘર્ષનો અંત આવ્યો. અમેરિકાને વિયેટનામમાંથી ખસી જવાની ફરજ પડી.

બીજા વિશ્વયુદ્ધ પછી 1955માં ઇન્ડોનેશિયાના બાંડુંગ શહેરમાં આફ્રિકા અને એશિયાના 29 તટસ્થ દેશોની હાજરીવાળી પરિષદ મળી હતી. તેને સફળ બનાવવામાં ઇન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણો, ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, બર્માના વડા પ્રધાન ઊ નુ, ચીનના વડા પ્રધાન ચાઉ-એન-લાઇ તથા ઇજિપ્તના વડા પ્રધાન નાસરે ખૂબ જહેમત લીધી હતી. નેહરુએ અહીં જ પંચશીલના પ્રસિદ્ધ સિદ્ધાંત ઉપર ભાર મૂક્યો હતો. આ પરિષદને એશિયા અને આફ્રિકાનાં નવોદિત રાષ્ટ્રોમાં આવેલી જાગૃતિનું પ્રતીક ગણાવી શકાય.

ઈ. સ. 1949થી 1955 દરમિયાન ઇન્ડોનેશિયાએ તટસ્થ વિદેશનીતિ અપનાવી, જ્યારે 1955થી 1962 દરમિયાન તે ચીન તરફ ઢળ્યું અને 1962થી 1967 દરમિયાન તેણે ચીન અને પાકિસ્તાનનું આંધળું સમર્થન કર્યું. આને પરિણામે રાવલપિંડી-પિકિંગ-જાકાર્તા ધરી નામનું જૂથ રચાયું. મલેશિયાના બૃહદ્ સમવાયતંત્રનું તે વિરોધી હતું તેથી 1965માં મલેશિયા સંયુક્ત રાષ્ટ્રસંઘની સમિતિમાં ચૂંટાતાં તેના વિરોધમાં તે સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું. પરંતુ 1966માં જનરલ સુહાર્તોએ ઇન્ડોનેશિયામાં સત્તાનાં સૂત્રો ધારણ કરી લેતાં તે ફરી રાષ્ટ્રસંઘમાં દાખલ થયું હતું. 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ઇન્ડોનેશિયાએ પાકિસ્તાનની તરફેણ કરી હતી. પરંતુ 1969–70થી ભારત સાથે મૈત્રી સ્થાપવા સુહાર્તોએ પ્રયત્ન કર્યા હતા.

સ્વતંત્ર મ્યાનમારમાં પ્રથમ બે ચૂંટણીઓમાં બહુમતી મેળવી ઊ નુ વડા પ્રધાન બન્યા હતા. પરંતુ 1958માં અવ્યવસ્થા અને અશાંતિ વધી જતાં ઊ નુએ સેનાપતિ ને વિનને સત્તા સ્વીકારી વ્યવસ્થા સ્થાપવા વિનંતી કરેલી. તદનુસાર ટૂંકા ગાળમાં ને વિને શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં અને ઊ નુને સત્તા પાછી સોંપી. પરંતુ 1962માં ફરી અવ્યવસ્થા ઊભી થતાં તેને દૂર કરવા તેમણે પોતે જ સત્તા કબજે કરી લીધી અને લશ્કરી શિસ્તવાળું શાસન સ્થાપ્યું. હાલ પણ મ્યાનમારમાં લશ્કરી શાસન છે. મ્યાનમારે પણ ભારતની જેમ તટસ્થ વિદેશનીતિ સ્વીકારી છે. બ્રિટિશ સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થયેલા દેશોમાંથી મ્યાનમાર જ એક એવો દેશ છે, જે રાષ્ટ્રસમૂહનું સભ્ય બન્યું નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘનું તો તે 1948માં જ સભ્ય બની ગયું છે. અને મ્યાનમારના પ્રતિનિધિ ઊ થાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી પણ બન્યા હતા.

1963માં સિંગાપુર મલેશિયા સંઘમાં જોડાયું હતું. પરંતુ 1965માં તે મલેશિયાથી જુદું થઈ સ્વતંત્ર ગણરાજ્ય બન્યું છે. એશિયાના બીજા કોઈ પણ દેશ કરતાં સિંગાપુરની માથાદીઠ આવક વધારે છે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મોંગફુટ અને ચૂલાલોંગકર્ણ જેવા રાજવીઓના શાસન હેઠળ થાઇલૅન્ડનું આધુનિકીકરણ તેમજ પશ્ચિમીકરણ કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી થાઇલૅન્ડમાં પ્રિદી અને ફિબુન સોંગ્રામ જેવા મહત્ત્વના નેતાઓના હાથમાં સત્તાનાં સૂત્રો હતાં. ત્યાં 1957માં જનરલ સારિતે શાસનનાં સૂત્રો સંભાળી લીધાં. 1963માં સારિતનું અવસાન થતાં જનરલ થાનોમ કીર્તિકાચર્ણ નવા વડા પ્રધાન બન્યા હતા. 1956માં થાઇલૅન્ડના વિદેશમંત્રી નારા થિપને સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના પ્રમુખ બનાવવામાં આવેલા.

બીજા વિશ્વયુદ્ધ પછી ચીન, ઉત્તર કોરિયા અને ઉત્તર વિયેટનામમાં સામ્યવાદી સરકારો સ્થપાઈ હતી. તેથી આ વિસ્તારમાં સામ્યવાદના પ્રસારને રોકવાના મુખ્ય હેતુથી તેની સામે પ્રાદેશિક રક્ષણાત્મક મોરચો રચવા માટે 8 સપ્ટેમ્બર, 1954ના રોજ મનિલામાં અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ફિલિપાઇન્સ, થાઇલૅન્ડ અને પાકિસ્તાનના પ્રતિનિધિઓએ ‘અગ્નિ એશિયા સંધિ સંગઠન’ (South East Asia Treaty Organisation – SEATO) સ્થાપ્યું છે.

શશિકાન્ત વિશ્વનાથ જાની