અગ્નિ–1 (ઊર્જા) : ગરમી અને ઘણી વાર જ્યોત સહિત ઝડપથી અને સતત ચાલતી રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતી ઊર્જા. વિશિષ્ટ ઉપચાયક પદાર્થો (oxidants) વપરાયા હોય તે સિવાય બળતણ ઝડપથી ઑક્સિજન સાથે સંયોજાવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે.
અગ્નિનો આદિમાનવે લાખો વર્ષ પહેલાં ઉપયોગ કર્યાના પુરાવાઓ મળેલા છે, પણ અગ્નિ પેટાવવાની ભરોસાપાત્ર પદ્ધતિઓ ઈ. સ. પૂ. 7000 વર્ષના અરસામાં જ વિકસી હતી. ઋગ્વેદમાં અથર્વણ અંગીરસે સૌપ્રથમ અગ્નિની શોધ કર્યાનો ઉલ્લેખ છે. અગ્નિનો ઉપયોગ મનુષ્ય અને પ્રાણીને અલગ પાડે છે. લાકડાના ઘર્ષણથી, લોખંડને ચકમક પથ્થર ઉપર અથડાવીને, નળાકારમાં રહેલી હવાને ઝડપથી દબાવીને અને બહિર્ગોળ કાચ વડે સૂર્યનાં કિરણોને દહનશીલ પદાર્થ ઉપર કેન્દ્રિત કરીને, અગ્નિ પ્રગટાવવામાં આવતો હતો. ઘર્ષણથી પેટે તેવી દીવાસળી 1827માં જોન વોકરે શોધી અને સલામત દીવાસળી છેક 1855માં સ્વીડનમાં શોધાઈ ! શરૂઆતનો અગ્નિ આકાશી વીજળી, જ્વાળામુખી કે જંગલમાં લાગેલ દવમાંથી મેળવાયો હશે. અગ્નિ પેટાવવાનું તકલીફભર્યું હોઈ તેને પૂજ્ય ગણીને સાચવવાનું બધી જ પ્રાચીન સંસ્કૃતિઓએ (હિંદુ, પારસી, રોમન, ગ્રીક, ઇજિપ્શિયન, એઝટેક્સ, પેરુવિયન વગેરેએ) સ્વીકાર્યું છે. અગ્નિ ઓલવાઈ જાય તો વિધિપૂર્વક તેને ફરી પ્રગટાવવામાં આવતો. તત્ત્વજ્ઞોએ વિશ્વ અને જીવનના એક મહત્ત્વના તત્ત્વ તરીકે અગ્નિને સ્વીકાર્યો છે.
શરૂઆતમાં અગ્નિનો ઉપયોગ તાપવા, ખોરાક રાંધવા, જીવજંતુ મારવા, વાસણ તથા ઈંટો પકવવા, કાંસું (ઈ. સ. પૂ. 3000) તથા લોખંડ (ઈ. સ. પૂ. 1000) જેવી ધાતુઓ મેળવવા, તથા જંગલો બાળીને ખેતી કરવા (રાખ ખાતર તરીકે ઉપયોગી) થયો હતો. પ્રાણીઓમાં ફક્ત મનુષ્ય જ ખોરાક રાંધે છે. સંસ્કૃતિના વિકાસ સાથે વિવિધ રીતે અગ્નિ મારફત વધુ ને વધુ શક્તિ મેળવવામાં આવી રહી છે. બૉઇલર, અંતર્દહન એન્જિન, જેટ એન્જિન અને રૉકેટ એન્જિન અગ્નિશક્તિનો ઉત્તરોત્તર વિકસિત ઉપયોગ દર્શાવતાં દૃષ્ટાંતો છે, જેના પ્રયોગે ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બનાવી છે.
ઉપેન્દ્ર છ. દવે