અગ્નિષ્ટોમ

January, 2001

અગ્નિષ્ટોમ (અગ્નિ + સ્તોમ = સ્તુતિ કે પ્રશંસા) : એક પ્રકારનો શ્રૌતયાગ. એકમાંથી અનેક થવાની ભાવનાથી પ્રજાપતિએ પ્રવર્તાવેલ આ યાગ પાંચ દિવસે પૂરો થાય છે. હોતા, અધ્વર્યુ વગેરે સોળ ઋત્વિજોની સહાયથી વસંત ઋતુમાં આરંભાતા આ યાગમાં આરંભમાં યજમાન પોતાની પત્ની સાથે દીક્ષા લે છે. અહીં સોમ-લતાને ખરીદી તેને યજ્ઞશાળામાં લાવી તેના આતિથ્ય માટે ઇષ્ટિયાગ, તથા અન્ય યજનો થાય છે. ત્યાં એક મહા-વેદી રચવામાં આવે છે. અગ્નિ અને સોમના સત્કાર માટે એક પશુનો બલિ આપવામાં આવે છે. આ પશુને અગ્નિષ્ટોમીય પશુ કહેવામાં આવે છે. પ્રથમ ચાર દિવસોમાં આ બધાં અનુષ્ઠાન પછી છેલ્લે પાંચમે દિવસે સોમ-યાગ કરવામાં આવે છે. અહીં જુદાં જુદાં જલાશયોમાંથી લાવેલ વિભિન્ન જલનું અભિમંત્રણ થાય છે. તે સમયે દ્રોણકલશ, પૂતભૃત્ જેવાં વિભિન્ન પાત્રોથી અગ્નિમાં સોમની આહુતિઓ અપાય છે, અને અનેક શસ્ત્રો(સ્તુતિપાઠ, પ્રશંસા)ના પાઠ થાય છે. તે વખતે છાગ (બકરો) પશુનાં વિવિધ અંગોનો બલિ અપાય છે.

આ પછી યજમાન અને તેનાં પત્નીને યજ્ઞની સમાપ્તિ વખતનું ‘અવભૃથ’ સ્નાન કરાવવામાં આવે છે. તે પછી વરુણને પુરોડાશ (હવિ) સમર્પી યજ્ઞશાળામાં પાછાં ફરે છે. છેવટે યજ્ઞસમાપ્તિસૂચક ઇષ્ટિ-પશુયાગ થાય છે; સુવર્ણ, અશ્વ, ગાયો, વસ્ત્રો વગેરેનાં દાન-દક્ષિણા અપાય છે.

ભગવતીપ્રસાદ પંડ્યા