અગળવિળક્કુ

January, 2001

અગળવિળક્કુ : 1961નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલી તમિળ ભાષાની ચરિત્રપ્રધાન નવલકથા. લેખક વરદરાજન. એમાં ચન્દ્રન નામના પાત્રની જીવનકથા વેલાઇયન નામનું એક પાત્ર કહે છે. સુમન્ના નામનો ધનાઢ્ય પુરુષ પુત્ર ચન્દ્રનને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં જવાની રજા આપતો નથી. એને દહેશત છે, કે શહેરના વાતાવરણમાં છોકરો બગડી જશે. પરંતુ શાળાના શિક્ષકોના આગ્રહને વશ થઈને તે એને શહેરની શાળામાં ભણવા મોકલે છે. જુદું ઘર ભાડે રાખીને એની વિધવા બહેનને એ ઘર સાચવવા મોકલે છે. પડોશમાં રહેતો આ કથાનો કથક વેલાઇયન તેનો મિત્ર અને સહાધ્યાયી હોય છે. અવારનવાર શહેરમાં આવતી ચન્દ્રનની બહેન કરબાગમ્ વેલાઇયનના સંપર્કમાં આવતાં બંને વચ્ચે પ્રણયસંબંધ બંધાય છે. વેલાઇયન મૅટ્રિકમાં પાસ થાય છે. ચન્દ્રન પાસ તો થયો, પણ પરીક્ષામાં પ્રથમ ન આવતાં, એણે નાટકમાં રસ લેવા માંડ્યો. ત્યાં એ ઇમાવતી નામની એક અભિનેત્રીના પ્રેમમાં પડે છે. ઇમાવતી એને દગો દે છે, એટલે એ ભાગી જાય છે. કરબાગમ્ પણ વેલાઇયનને પરણી શકી નહિ; છતાં વેલાઇયને કરબાગમ્ના પતિને નોકરી અપાવી. પણ કરબાગમ્ના પતિને તો ઝટ પૈસાદાર થવું હતું, એટલે એણે કરબાગમ્ને એના બાપ પાસે ચોખાની મિલ શરૂ કરવા પૈસા લઈ આવવા કહ્યું. સુમન્નાએ ના પાડી. એથી એણે કરબાગમ્ને ઘરમાંથી કાઢી મૂકી. એક દિવસ સમાચાર આવ્યા કે ચન્દ્રન ઊટીમાં, પતિનું ખૂન કરનાર એક મજૂરણની સાથે રહે છે. આથી સુમન્ના અને વેલાઇયન ઊટી જઈને એને ગામમાં લઈ આવે છે; અને એક વલ્લી નામની છોકરી જોડે પરણાવે છે. પણ ચન્દ્રન એને મારીને ભાગી જાય છે. એને રક્તપિત્તનો રોગ થાય છે. વેલાઇયન એને ઘેર લઈ આવી એની ચાકરી કરે છે. પણ ચન્દ્રન બચી શકતો નથી. આ રીતે ચન્દ્રનની કરુણ કથની પૂરી થાય છે. વેલાઇયન દ્વારા લેખક કહે છે, કે ચન્દ્રનને એના પિતા શહેરમાં મોકલવા માગતા નહોતા એ જ સાચું દૃષ્ટિબિંદુ હતું. શહેરમાં છોકરાને મોકલી સુમન્નાએ તેને ગુમાવ્યો.

કે. એ. જમના