અગાધ જીવજન્ય નિક્ષેપ

January, 2001

અગાધ જીવજન્ય નિક્ષેપ (pelagic deposits) : સમુદ્રના અગાધ ઊંડાઈવાળા ક્ષેત્ર(abyssal zone)માં જીવંત સૃષ્ટિના અવશેષ રૂપે થતો નિક્ષેપ. Pelagic શબ્દ ગ્રીક શબ્દ Pelagos અર્થાત્ ખુલ્લો સમુદ્ર (open sea) એ ઉપરથી ઊતરી આવેલો છે. આ નિક્ષેપમાં સૂક્ષ્મ જીવાણુઓના અવશેષો, કેટલાક એકકોષી કે બહુકોષી વનસ્પતિના અવશેષો તેમજ કેટલાક પ્રાણીઓના અવશેષોનો સમાવેશ થાય છે. સમુદ્રતળ પરના જળમાં નેક્ટોન પ્રકારના અને સમુદ્રકિનારાના જળમાં પ્લૅન્ક્ટન પ્રકારના મુક્તપણે તરતા રહેતા જળજન્ય સૂક્ષ્મ જીવાણુઓના સમૂહો હોય છે. ક્યારેક તે પૈકીના કેટલાક સમુદ્રતળના ખડકનિક્ષેપોમાં પણ ઉત્પન્ન થતા હોય છે. કાળક્રમે આ જીવાણુઓનો નાશ થતાં તેમના અવશેષો ઊંડા સમુદ્રતળ પર જમા થતા રહે છે, જેમાંથી જીવજન્ય નિક્ષેપની રચના થાય છે. સમુદ્રતળ પર એકત્રિત થયેલ પ્રાણીજ ઊઝ (ooze) અને લાલ માટીના નિક્ષેપને અગાધ જીવજન્ય નિક્ષેપ કહે છે. માછલી, વહેલ અને અન્ય દરિયાઈ પ્રાણીઓ તેમના ખોરાકની શોધમાં જેમની પાછળ સક્રિય રીતે ફરતાં રહે છે એવા તરતા રહેતા (swimmers) સમૂહને નેક્ટોન તરીકે ઓળખાવી શકાય. મુક્તપણે જળમાં ભમતા રહેતા (wanderers) પ્લૅન્ક્ટન તરીકે ઓળખાતા જીવજન્ય સમૂહના અવશેષોથી મહદ્ અંશે રચાયેલા જથ્થામાંથી ઊઝ બને છે. ડાયએટમ જેવી એકકોષી દરિયાઈ વનસ્પતિ; ફોરામિનિફેરા અને રેડિયોલેરિયન જેવાં પ્રાણીઓ, દરિયાઈ પતંગિયાં (pteropods), જેલી ફિશ, આદિ પ્રાણીઓ તથા અન્ય દરિયાઈ જીવોનાં ઈંડાં-કોશેટા તેમજ સ્વમેળે પ્રચલન ન કરી શકતાં અન્ય જીવનસ્વરૂપોનો પ્લૅન્ક્ટન પ્રકારમાં સમાવેશ કરી શકાય.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ