અખ્તલ, અલ્ : ઇરાકમાં થઈ ગયેલા ઉમય્યા વંશના એક ખ્યાતનામ કવિ. મૂળ નામ ગિયાસ બિન ગૌસ. તે ધાર્મિક વિધાનોના વિરોધી અને ઉમય્યા વંશના જોરદાર સમર્થક હતા. ધર્મ પર તેમને તિરસ્કાર હતો. એક વખત પત્ની એક પાદરીનાં પવિત્ર વસ્ત્રોને માનાર્થે ચુંબન કરવા ધસી, પણ તે જેના પર પાદરી બિરાજમાન હતા તે ગધેડાની પૂંછડી સુધી જ પહોંચી શકી. આ દૃશ્ય જોઈને કવિ અખ્તલે કહેલું, ‘‘બંને વચ્ચે લેશમાત્ર પણ તફાવત નથી.’’ અખ્તલનાં કટાક્ષકાવ્યો અરબી સાહિત્યમાં અતિ પ્રચલિત છે. અબૂ ઉબૈદા અખ્તલને ઉમય્યા યુગના કવિઓમાં શ્રેષ્ઠ સ્થાન આપે છે. એવી જ રીતે ઇસ્લામ પૂર્વેનાં કાવ્યોના સંપાદક અબૂ અમ્ર બિન અલ્ અલા કહે છે કે જો અખ્તલ એક પણ દિવસ અંધકારયુગમાં રહ્યા હોત તો હું એમને બીજા સર્વ કવિઓમાં શ્રેષ્ઠ કવિ લેખત.
એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી