અખ્તર-મોહિઉદ્દીન

January, 2001

અખ્તર-મોહિઉદ્દીન (. 17 એપ્રિલ 1928, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 2001) : કાશ્મીરી લેખક. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા પછી કાશ્મીર સરકારની નોકરીમાં જોડાયા. તેઓ કાશ્મીર સરકાર તરફથી પ્રગટ થતા શબ્દકોશના નિર્દેશક હતા અને જમ્મુ-કાશ્મીરની અકાદમીના અધ્યક્ષ હતા. તેઓ ટૂંકી વાર્તાના લેખક તરીકે પ્રસિદ્ધ છે. એમની ‘પોંડ્રીચ’ વાર્તાને આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં દ્વિતીય પારિતોષિક મળેલું. એમણે કાશ્મીરી ટૂંકી વાર્તાને નવો વળાંક આપીને પ્રાણવાન બનાવી. કાશ્મીરીમાં મનોવૈજ્ઞાનિક વાર્તાઓ લખવાની શરૂઆત કરીને એમણે ‘દંડવાઝૂન’, ‘દરિયાવી ઝૂંડ’ જેવી ઘટનાવિહીન વાર્તાઓ લખી છે. કાશ્મીરી સાહિત્યમાં પ્રગતિવાદનાં મંડાણ કરનાર આ લેખકે 1941માં કાશ્મીરી પ્રગતિવાદી લેખકમંડળની સ્થાપના કરેલી. એમની જાણીતી કૃતિઓમાં ‘સતસંગાર’ (1955) તથા ‘સોંઝલ’ (1959) વાર્તાસંગ્રહો છે. એમાંની વાર્તાઓમાં માત્ર કાશ્મીરની જ નહિ, પરંતુ ભારતના વિવિધ પ્રદેશોની પાર્શ્ર્વભૂમિ છે. ‘સતસંગાર’ માટે એમને 1958નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું. ‘દોદદગ’ (1960) નવલકથામાં એમણે ભારતના વિભાજનને પરિણામે તથા કાશ્મીર પરના પાકિસ્તાની આક્રમણને કારણે, કાશ્મીરમાં જે સ્વદેશભક્તિનો જુવાળ આવ્યો તથા જે અસ્મિતા પ્રગટી તેનું ઉત્સાહપ્રેરક કથન કરેલું છે. એમાં તેમણે પહેલી વાર બોલચાલની ભાષાનો તથા કાશ્મીરી કહેવતો અને લોકોક્તિઓનો પ્રયોગ કરીને ભદ્ર કહેવાતા કાશ્મીરીઓને લોકભાષાના માધુર્યનો પરિચય કરાવ્યો. ‘સાલ્વામીર’ (1970) એમનો પ્રવાસગ્રંથ છે. એમની ‘ઝૂ-નૂ-ઝોલા’ નવલકથા કાશ્મીરી સાપ્તાહિક ‘ચમન’માં ધારાવાહી રૂપે પ્રગટ થયેલી. સાહિત્યસેવા બદલ 1968માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો. એમણે આકાશવાણી તથા રંગભૂમિ માટે નાટકો પણ લખ્યાં છે. ઇબ્સનના ‘ઘોસ્ટ’નું તથા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’નું એમણે કાશ્મીરીમાં ભાષાંતર કર્યું છે.

ચન્દ્રકાન્ત મહેતા